National

ગંગોત્રીનો હાઈવે બંધ થયા બાદ અચાનક ભૂસ્ખલન થતા ત્રણ વાહનો દબાયા, ચારના મોત

નવી દિલ્હી: આજે પણ ઉત્તરાખંડમાં (Uttarakhand) હવામાન (Weather) ખરાબ છે. મોડી રાત્રે ગંગોત્રી (Gangotri) હાઇવે (Highway) બંધ થવાના કારણે ગંગનાની પાસે મુસાફરોના વાહનો પાર્ક થઇ ગયા હતા. ત્યારે અચાનક ભૂસ્ખલન (LandSliding) થયું હતું અને ટેમ્પો ટ્રાવેલ્સ સહિત ત્રણ વાહનો પર ડુંગર પરથી મોટો કાટમાળ પડ્યો હતો. ત્રણ વાહનો કાટમાળમાં દટાયા હતા. જેમાં એક મહિલા સહિત ચાર લોકોના મોત થયા હતા. તમામ મુસાફરો મધ્યપ્રદેશના હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. તે જ સમયે, અત્યાર સુધીમાં સાત ઘાયલોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

આજે મંગળવારે સવારે હાઇવે ખુલતા એસડીઆરએફની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. BRO અધિકારી મેજર વીએસ વીનુએ જણાવ્યું કે ભટવાડી અને ગંગનાની વચ્ચે 20 કિલોમીટરના વિસ્તારમાં ગંગોત્રી હાઈવે પર સાત સ્થળોએ ભૂસ્ખલન થયું છે. જે આખી રાત ભારે વરસાદ વચ્ચે ભારે જહેમત બાદ ખોલવામાં આવ્યો હતો.

ભટવાડીના એસડીએમ છત્તર સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે આ ઘટનામાં એક ટેમ્પો ટ્રાવેલર, એક ટવેરા અને એક સ્વિફ્ટ ડિઝાયર કાટમાળ નીચે દટાઈ ગયા હતા. મૃતકોમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. સાત ઘાયલોમાંથી બે ગંભીર છે. SDRFની ટીમ સ્થળ પર તૈનાત છે. વાહનોને જલ્દી કાટમાળમાંથી બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હાઈવે પર સતત પથ્થરો પડી રહ્યા છે. તે જ સમયે, વરસાદના કારણે, બચાવ કામગીરીને વચ્ચે અટકાવવી પડી છે. 

યમુનોત્રી ધામ સહિત યમુના ખીણમાં અવિરત વરસાદને કારણે યમુના નદીની ઉપનદીઓ અને નાળાઓ ઉભરાઈ રહ્યા છે. જેના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. બીજી તરફ રાજ્યભરમાં છેલ્લાં ત્રણ દિવસથી ચાલી રહેલો વરસાદ મંગળવારે પણ ચાલુ રહેશે. હવામાન વિભાગે આજે રાજ્યભરમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે.  

ભારે વરસાદને લીધે કાલકા-શિમલા NH બંધ થયો
હિમાચલ પ્રદેશમાં સતત વરસાદે ભારે વિનાશ સર્જ્યો છે. 4,000 કરોડ રૂપિયાનું નુકસાન થવાનો અંદાજ છે. ચંદ્રતાલમાં ફસાયેલા 300 લોકોને બહાર કાઢવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. કાલકા-શિમલા હાઈવે બંધ થવાને કારણે પરવાણુથી બ્રેડ અને દૂધની ટ્રકો પરત મોકલવામાં આવી હતી. રાજ્યમાં 1300 થી 1400 બસ રૂટ સ્થગિત છે. 

આ નેશનલ હાઈવે બંધ છે

  • મનાલી-લેહ
  • કાલકા-શિમલા
  • કોક્સર, લોસર, કાઝા(NH-505)
  • ચંદીગઢ-મનાલી
  • અને-કુલુ
  • ચંબા-ભરમૌર
  • ઉના-મંડી સુપર હાઇવે
  • શિમલા-હાટકોટી-રોહરુ
  • ઉદયપુર-ટીંડી-પાંગી (સ્ટેટ હાઇવે-26)
  • દારચા-શિકુનલા
  • સમડો-કાજા-લોસર

કાલકા-શિમલા હાઈવે બંધ થવાને કારણે મોડી રાતથી લોકો રાજ્યના પ્રવેશ દ્વાર પરવાણુ પર ઉભા છે. કાલકા શિમલા NH ખુલવાની હજારો લોકો રાહ જોઈ રહ્યા છે. સોલન, શિમલા અને અન્ય સ્થળોએ જતી તમામ દૂધ-બ્રેડ ટ્રેનો પણ પરવાણુથી પાછી ફરી ગઈ છે. જેના કારણે લોકોની હાલાકીમાં વધારો થયો છે. કાલકા શિમલા હાઈવે ચક્કી મોર, કોટી અને સાંવરા ખાતે બંધ છે. 

મંગળવારે સવારે સોલનના શામતીમાં બે મકાનો ધરાશાયી થયા હતા. આ મકાનો મોડી રાત્રે 3:00 વાગ્યે ખાલી કરવામાં આવ્યા હતા. આ સિવાય ચંદ્રતાલમાં ફસાયેલા 300 લોકોને બચાવવાની કામગીરી આજે સવારે 5 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે. પ્રથમ ટીમ મશીનરી સાથે લોસરથી ચંદ્રતાલ જવા રવાના થઈ છે, જ્યારે ADC રાહુલ જૈનના નેતૃત્વમાં બીજી ટીમ કાઝાથી રવાના થઈ છે.

Most Popular

To Top