આ વર્ષે દેશમાં ચોમાસુ અપુરતું રહેવાનો ભય ઝળુંબવા માંડ્યો છે

ભારતમાં ઓગસ્ટ મહિનામાં વરસાદમાં કુલ ૨૪ ટકા ઘટ રહી છે અને આ વર્ષે આ મહિનામાં ૧૯ વર્ષનો સૌથી ઓછો વરસાદ નોંધાયો છે એમ ભારતીય હવામાન વિભાગે હાલમાં જણાવ્યું છે, તે સાથે જ હવે એવો ભય ઝળુંબવા માંડ્યો છે કે દેશમાં આ વખતે સમગ્ર ચોમાસુ અપુરતું જ રહેશે. અને જો ચોમાસુ અપુરતું રહેશે તો કોરોનાના રોગચાળાના મોટા ફટકાઓ ખાઇ ચુકેલા દેશના અર્થતંત્રને વધુ ફટકો પડશે અને આર્થિક રિકવરી વધુ ધૂંધળી બનશે. દેશમાં ચોમાસું સમયસર બેસ્યું તો ખરું પણ પછી અનેક ભાગોમાં વરસાદ ખૂબ વિલંબથી શરૂ થયો. જો કે જૂન મહિનામાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થયો તેને કારણે દેશનો તે મહિનાનો સરેરાશ વરસાદ દસ ટકા વધારે રહ્યો, પરંતુ ત્યારબાદ જુલાઇ અને ઓગસ્ટમાં અનુક્રમે સાત ટકા અને ચોવીસ ટકા ઓછો વરસાદ થયો.

ઓગસ્ટમાં તો ખૂબ જ અપુરતો વરસાદ થયો છે. દેશમાં નબળા ચોમાસાના બે મોટા ગાળાઓ આ મહિનામાં પ્રવર્ત્યા હતા જે ૯થી ૧૬ ઓગસ્ટ અને ૨૩થી ૨૭ ઓગસ્ટમાં નોંધાયા હતા, જ્યારે ઉત્તર પશ્ચિમ, મધ્ય અને આજુબાજુના દ્વિપકલ્પીય વિસ્તારો અને ભારતના પશ્ચિમ કાંઠે મંદ વરસાદી પ્રવૃતિ નોંધાઇ હતી. ઓગસ્ટ ૨૦૨૧ દરમ્યાન, દેશમાં વરસાદ કુલ એકંદર લાંબા ગાળાની સરેરાશથી ૨૪ ટકા ઓછો રહ્યો હતો. તે વર્ષ ૨૦૦૨ પછી ઓગસ્ટ મહિનાનો ૧૯ વર્ષનો સૌથી ઓછો વરસાદ હતો એમ હવામાન વિભાગે જણાવ્યું છે. દેશમાં નૈઋત્યનું ચોમાસુ સત્તાવાર રીતે પહેલી જૂને શરૂ થાય છે અને ૩૦ સપ્ટેમ્બર સુધી ચાલે છે. આ વર્ષે જૂન મહિનામાં ૧૦ ટકા વધુ વરસાદ થયો હતો પરંતુ જુલાઇ અને ઓગસ્ટ મહિનામાં અનુક્રમે ૭ અને ૨૪ ટકા ઓછો વરસાદ થયો હતો એમ હવામાન વિભાગના આંકડાઓ જણાવે છે.

ઓગસ્ટમાં આખા દેશમાં આ મહિનાના સામાન્ય કરતા ૨૪ ટકા ઓછો વરસાદ થયો છે. હવામાન વિભાગના ચાર હવામાનલક્ષી ડિવિઝનોમાંથી મધ્ય ભારતના ડિવિઝનમાં ૩૯ ટકા ઓછો વરસાદ થયો છે, જે ડિવિઝનમાં મહારાષ્ટ્ર, ગુજરાત, ગોવા, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ તથા ઓડિશાના મોટા વિસ્તારો આવી જાય છે. ઉત્તર પશ્ચિમ ભારતના ડિવિઝનમાં, કે જેમાં ઉત્તર ભારતના રાજ્યોનો સમાવેશ થાય છે ત્યાં આ મહિનામાં ૩૦ ટકા ઓછો વરસાદ થયો છે. દક્ષિણી દ્વિપકલ્પમાં આ મહિનામાં વરસાદની ૧૦ ટકા ઘટ રહી છે જ્યારે પૂર્વ અને ઇશાન ભારતના ડિવિઝનોમાં ૨ ટકા વધુ વરસાદ થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય હવામાન વિભાગે ઓગસ્ટમાં વરસાદ સામાન્ય રહેવાની આગાહી કરી હતી, હવે તેણે સપ્ટેમ્બરમાં સામાન્ય કરતા વધુ વરસાદની આગાહી કરી છે. જો કે સપ્ટેમ્બરના પણ પ્રથમ દસ દિવસ પુરા થયા ત્યાં સુધી પણ વરસાદ અપૂરતો જ જણાય છે.

જો સપ્ટેમ્બરમાં પણ પુરતો વરસાદ નહીં થાય તો દેશના મોટા ભાગના વિસ્તારોમાં આ ચોમાસામાં વરસાદની નોંધપાત્ર ઘટ રહે તેમ છે અને તેમાં પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં તો વરસાદની આ વખતે ભારે ઘટ રહી શકે છે. ગુજરાતમાં તો દુકાળના ડાકલા વાગી રહ્યા હોવાનું કેટલાક જાણકારોએ અત્યારથી જણાવી દીધું છે. દેશના અનેક ભાગોમાં અપુરતા વરસાદની વિપરીત અસર ખેતી પર પડશે અને તેને પરિણામે દેખીતી રીતે જ અર્થતંત્રને વધુ એક આંચકો ખમવો પડશે. ભારતનુ કૃષિ ક્ષેત્ર હજી પણ ઘણે અંશે વરસાદ પર આધારિત છે અને આવા સંજોગોમાં વરસાદની ઘટ ખેતીને અને છેવટે અર્થતંત્રને મોટી અસર કરે છે. જો ચોમાસુ અપુરતું નિવડે તો તેવા સંજોગો માટેની જરૂરી તૈયારી સરકારી તંત્રોએ અત્યારથી જ શરૂ કરી દેવી પડશે.

Related Posts