Madhya Gujarat

કઠલાલની સીટી સર્વે ઓફિસના સર્વેયર અને ક્લાર્કના ત્રાસથી આધેડનો આપઘાત

નડિયાદ: કઠલાલ તાલુકાની સીટી સર્વે ઓફિસના પટાવાળાએ ઓફિસના સર્વેયર અને ક્લાર્કના ત્રાસથી કંટાળીને ઝેરી દવા પી ને આપઘાત કરવાના મામલે સાડા ત્રણ મહિના બાદ પોલીસે મૃતકની પત્નીની ફરિયાદના આધારે બંને સરકારી કર્મચારી સામે ગુનો નોંધાયો છે. કઠલાલમાં રહેતા દિનેશભાઇ ગણેશભાઇ રોહિત મામલતદાર કચેરીમાં સીટી સર્વેની ઓફિસમાં ૨૦૧૭ થી પટાવાળા તરીકે ફરજ બજાવતા હતા. ૧૭ મી મે ના રોજ સીટી સર્વેની કચેરીમાં એસીબીના દરોડામાં બે કર્મચારીઓને લાંચ લેતાં ઝડપી પાડ્યા હતા. બાદમાં સીટી સર્વેયર ઇન્ચાર્જ તરીકે આશીફ અયુબભાઇ મન્સુરી અને ક્લાર્ક તરીકે મહંમદશાકીર અબ્દુલમજીદ શેખની નિમણુંક કરવામાં આવી હતી.

આ બંને સરકારી કર્મચારીઓ પહેલેથી જ દિનેશભાઇ પ્રત્યે ખરાબ વર્તન કરતાં હતા. તેમાંય ૨૯મી મે ના રોજ સીટી સર્વેની ઓફિસમાં જાહેર રજા હોવા છતાં દિનેશભાઇને ઓફિસે બોલાવ્યાં હતાં. તેઓ ઓફિસ ગયા હતા. જોકે, થોડા જ સમય બાદ બે કર્મચારીઓ દિનેશભાઇના ઘરે આવ્યા હતા અને તેમણે ઝેરી દવા પી લીધી હોવાની માહિતી પરિવારજનોને આપી હતી. દિનેશભાઇને સારવાર માટે લઇ જવામાં આવ્યાં હતાં. જ્યાં મોત નીપજ્યું હતું. આ મામલે પહેલાં ૨ જી જુલાઇના રોજ દિનેશભાઇના પત્ની રમીલાબેને કઠલાલ પોલીસ મથકે બંને કર્મચારીઓ સામે અરજી કરી હતી. આખરે સાડા ત્રણ મહિના બાદ કઠલાલ પોલીસે આશીફ મન્સુરી અને મહંમદશાકીર શેખ સામે ગુનો નોંધ્યો હતો.

પાણીનો જગ અલગ કરાવ્યો હતો

સીટી સર્વેની ઓફિસમાં પાણીનો જગ આવતો હતો. જેમાંથી દિનેશભાઇ પાણી પીવે તે બાબતને લઇને બંને ઉપરીઓ તેમને ઠપકો આપતાં હતા અને બંનેએ પોતાનો જગ પણ અલગ રખાવવાનું શરૂ કર્યું હતું. સતત ઓફિસમાં જાતિવિષયક અપમાનજનક શબ્દો બોલીને દિનેશભાઇને માનસિક રીતે હેરાન કરવામાં આવતાં, અંતે હેરાનગતિ સહન ન થતાં દિનેશભાઇએ કચેરીમાં જ ઝેરી દવા પી ને આપઘાત કરી લીધો હતો.

Most Popular

To Top