વર્તમાન સમયમાં કોઈ પણ નશીલા દ્રવ્ય કરતાં વધુ ગંભીર વ્યસન હોય તો એ સામાજિક નેટવર્કિંગનાં માધ્યમોનું છે. આ વ્યસનને લઈને વ્યક્તિ એકચિત્તે બેસી શકતી નથી કે કોઈ પણ બાબત પર એકધ્યાન થઈ શકતી નથી. હવે આ બધી સવલતો ફોનમાં સુલભ હોવાથી થોડી થોડી મિનીટે ફોન જોવાનું વલણ દરેક વયની વ્યક્તિઓમાં વળગણની જેમ વ્યાપેલું જોવા મળે છે. આટલા ટૂંકા સમયમાં આ માધ્યમોનું આવું વ્યસન લાગુ પડી જવા પાછળનું કારણ શું? આ સવાલના જવાબ માટે થોડા સમય પહેલાં અમેરિકાની બે અદાલત દ્વારા અપાયેલા ચુકાદા જાણવા જેવા છે.
એક ચુકાદો લોસ એન્જેલિસની અદાલતે આપ્યો છે અને બીજો ન્યુ મેક્સિકોની અદાલતે. લોસ એન્જેલિસની જ્યુરીએ ‘મેટા’ અને ‘યુ ટ્યૂબ’ને સાઠ લાખ ડૉલર ફરિયાદીને થયેલા નુકસાન પેટે ચૂકવવાનો હુકમ કર્યો છે, તો ન્યુ મેક્સિકોની જ્યુરીએ ‘મેટા’ને 37.5 કરોડ ડૉલરનો દંડ ફટકાર્યો છે. ‘મેટા’ કંપની ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, વોટ્સેપ અને મેસેન્જર જેવાં માધ્યમો ધરાવે છે. આવી જંગી રકમ ચૂકવવાનો આદેશ જ્યુરીએ કરવો પડે એ મામલો શો છે?
લોસ એન્જેલિસવાળા કિસ્સામાં ફરિયાદી એક મહિલા છે, જેની ઓળખ તેના પ્રથમાક્ષરો ‘કે.જી.એમ.’થી કરાઈ છે. આ મહિલાએ જણાવ્યું કે પોતે છ વર્ષની વયથી સામાજિક માધ્યમોનો ઉપયોગ શરૂ કરી દીધેલો. પોતાના દેખાવ બાબતે ભ્રમિત થઈને તેણે ‘ઈન્સ્ટાગ્રામ’ પર વિવિધ પ્રકારનાં ‘બ્યુટી ફિલ્ટર્સ’નો ઉપયોગ શરૂ કર્યો. જ્યુરીને તપાસમાં જણાયું કે કંપનીના અધિકારીઓ તેમાં સંડોવાયેલા જોખમ વિશે જાણતા હતા. લઘુત્તમ વયમર્યાદાનો કાનૂન હોવા છતાં આ પ્લેટફોર્મ પરની સામગ્રી એવી રીતે તૈયાર કરાયેલી કે બાળકો તેનાથી આકર્ષાય. મહિલાના આક્ષેપો સાચા માલૂમ પડ્યા અને જણાયું કે બન્ને કંપનીઓએ જાહેર સ્વાસ્થ્ય અને જનકલ્યાણના ભોગે પોતાની પહોંચ વધારવા માટે કાનૂની તેમજ નૈતિક નિયમનનો ભંગ કર્યો છે.
ન્યુ મેક્સિકોવાળો મામલો વધુ ગંભીર છે. આ રાજ્યમાં અમલી એવા ‘અનફેર પ્રેકટિસીસ એક્ટ’નું ઉલ્લંઘન કરીને ‘મેટા’એ યુવા વપરાશકર્તાઓની સલામતિ બાબતે તેમને ગેરમાર્ગે દોર્યા હોવાનું પુરવાર થયું છે. સાત સપ્તાહ સુધી ચાલેલા આ ખટલામાં ‘મેટા’ના આંતરિક દસ્તાવેજો તેમજ તેના ભૂતપૂર્વ કર્મચારીઓની રજૂઆત થકી શું જાણવા મળ્યું? એ જ કે બાળકોનો દુરુપયોગ કરનારાં તત્ત્વો પોતાના માધ્યમનો ઉપયોગ કરી રહ્યાં હોવાની કંપનીને જાણ હતી. 2021માં આ કંપની છોડનાર એક ઈજનેરે જુબાની આપતાં જણાવ્યું કે પોતે કરેલા કેટલાક પ્રયોગોમાં બાળકોને ઈન્સ્ટાગ્રામ પર જાતીયતાને ઉત્તેજિત કરતી સામગ્રી પીરસાતી હતી એમ જણાયું.
તેની ખુદની નાનકડી દીકરીને કોઈક અજાણ્યાએ ઈન્સ્ટાગ્રામ દ્વારા જાતીય સંબંધ માટે પ્રસ્તાવ મૂકેલો. રાજ્યના વકીલો ‘મેટા’નું આંતરિક સંશોધન રજૂ કરતાં જણાવ્યું કે એક તબક્કે ઈન્સ્ટાગ્રામના 16 ટકા વપરાશકર્તાઓએ એક જ અઠવાડિયામાં ફરિયાદ કરી હતી કે તેમને વણજોઈતી, અશ્લિલ કે જાતીય સામગ્રી દેખાડાયેલી. ‘મેટા’ની દલીલ હતી કે તેઓ વરસોથી આ સમસ્યાના ઊકેલ માટે બાથ ભીડી રહ્યા છે અને સગીરો માટે સલામતિ પૂરી પાડવાના પ્રયત્નો ચાલુ છે.
આ બન્ને કંપનીઓનું કદ રાક્ષસી છે અને તેમનું જોર પણ રાક્ષસી છે. એટલે હજી તેઓ આ મામલાને ઉપલી અદાલતમાં લઈ જશે. એ થાય ત્યારે ખરું, પણ અમેરિકન ન્યાયતંત્રે તેમનો આ રીતે કાન આમળ્યો એ બહુ સૂચક ઘટના છે. એમાંય ‘કે.જી.એમ.’ને ચૂકવવાના સાઠ લાખ ડૉલરના ભાગ પાડતાં જણાવાયું છે કે એ પૈકીના ત્રીસ લાખ ડૉલર ફરિયાદીને થયેલા નુકસાન પેટે છે, જ્યારે બીજા ત્રીસ લાખ દંડ પેટે છે, કેમ કે, આ બન્ને કમ્પનીઓએ પોતાનાં પ્લેટફોર્મનું સંચાલન બદઈરાદા, દમન અને છેતરપિંડીથી કર્યું છે.
સામાજિક નેટવર્કિંગનાં માધ્યમો એવો મંચ છે કે જેનો સદુપયોગ અને દુરુપયોગ બન્ને થઈ શકે. સદુપયોગના કિસ્સા ખાસ બહાર ન આવે અથવા ઓછા ચર્ચાય, પણ દુરુપયોગના કિસ્સા વધુ ચર્ચાય એ સ્વાભાવિક છે. સદુપયોગ કે દુરુપયોગનો આધાર આ માધ્યમના વપરાશકર્તા પર છે, પણ જે તે પ્લેટફોર્મ ખુદ તેના વપરાશકર્તાઓને પરોક્ષ રીતે, ખરેખર તો પ્રત્યક્ષ રીતે દુરુપયોગ માટે પ્રેરે એ ગંભીર બાબત છે. આવાં માધ્યમોનું આગમન નહીં, આક્રમણ થતું હોય છે અને તેની સારી કે ખરાબ અસરોનો ખ્યાલ આવે એ પહેલાં તે આધુનિક બનતું જતું હોય છે. તેની ગતિ સાથે તાલ મિલાવવાની લ્હાયમાં વપરાશકર્તા ક્યારે દુરુપયોગ તરફ સરકી જાય એનો તેને ખ્યાલ રહેતો નથી.
અમેરિકામાં એક તરફ આ સ્થિતિ છે, તો બીજી તરફ ઘરઆંગણે આપણા દેશમાં આ માધ્યમો પર થતી રજૂઆતને અંકુશમાં લાવવાના પ્રયત્નો કાયદા દ્વારા કરાઈ રહ્યા છે. બન્નેમાં ફરક એટલો છે કે અમેરિકામાં માધ્યમોને અંકુશમાં રહેવાની વાત થઈ રહી છે, જ્યારે આપણે ત્યાં વપરાશકર્તાઓને નિયંત્રીત કરવાનો ઈરાદો છે. ભાગ્યે જ કોઈ સરકારને મુક્ત અભિવ્યક્તિ પસંદ આવતી હોય છે.
એમાંય જે સરકારનું જોર અને છબિ જ સામાજિક નેટવર્કિંગનાં માધ્યમો થકી હોય એ આ જ માધ્યમનો ‘દુરુપયોગ’ બીજાઓ કરી જાય એ શી રીતે સાંખી શકે? ટેક્નોલોજી અને અત્યાધુનિક ઊપકરણોના વર્તમાન યુગમાં આવો પ્રતિબંધ લાદવાની ચેષ્ટા બાલીશ લાગે, પણ અસલામતિ અને ખુદની અસલિયતની જાણકારી ભલભલાં અનિષ્ટ કામ કરાવતી હોય છે. દમન સ્પ્રિંગ જેવું હોય છે. જેટલા જોરથી તે કરવામાં આવે એનાથી બમણા જોરથી તે ઉછળે. અભિવ્યક્તિનું કાયદા દ્વારા દમન આજે નહીં તો કાલે, એક સ્થાને નહીં તો બીજે ક્યાંક બમણાં જોરથી પ્રત્યાઘાત આપતું હોવાનો ઈતિહાસ સાક્ષી છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.