Dakshin Gujarat

ભરૂચના દયાદરા નજીક રેલવે ફાટક ખુલ્લો રહી જતા ગુડ્સ ટ્રેન અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ

ભરૂચ: ભરૂચના (Bharuch) દયાદરા નજીક રેલવે ફાટક (Railway Crossing) ક્રોસ કરી રહેલી ટ્રક સાથે ગૂડ્સ ટ્રેનની ટક્કર (Truck Train Accident) થતા દોડધામ મચી ગઈ હતી. ટ્રેન આવી રહી હતી તે સમયે રેલવે ફાટક તદ્દન ખુલ્લો હોવાથી બનેલી આ ઘટના બાદ અનેક સવાલો ઉભા થયા છે. જો કે સદનસીબે મોડીરાત્રે બનેલી આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. અકસ્માતના કારણે ટ્રક સાથે ટ્રેનના એન્જીનને પણ નુકસાન પહોંચ્યું હતું.

  • અકસ્માતના પગલે રેલવે પોલીસ, રેલવે ટેક્નિકલ અને એડમીન વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે ભારે દોડધામ
    ઉપલી કચેરીથી દયાદરા ફાટક બંધ કરવા કોઈ સૂચના કે એલર્ટ આપવામાં આવી ન હતી અને ટ્રેન આવી પહોંચતા ઘટના બની હતી

બનાવના પગલે રેલવે પોલીસ, રેલવે ટેક્નિકલ અને એડમીન વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. ઘટના બાદ ફાટક મેનનું કહેવું છે કે ઉપલી કચેરીથી ફાટક બંધ કરવા કોઈ સૂચના કે એલર્ટ આપવામાં આવી ન હતી અને ટ્રેન આવી પહોંચતા અકસ્માત થયો હતો. દરમિયાન સ્થાનિકો દ્વારા ફાટકમેન નશામાં હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

અકસ્માતની આ ઘટના બાદ સ્થાનિકો રેલવે ફાટક ઉપર દોડી ગયા હતા. ત્યાર બાદ એક વિડીયો વાયરલ થયો છે જેમાં ફાટકમેન નશામાં હોવાનો અને સુઈ ગયો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. બચાવમાં ફાટકમેન કહી રહ્યો છે કે ઉપરીઓ તરફથી તેને ફાટક બંધ કરવા સૂચના મળી ન હોવાથી ફાટક ખુલ્લો રહી ગયો અને અકસ્માત સર્જાયો હતો. સદ્દનસીબે ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નહિ પરંતુ મોટી લાપરવાહી સામે આવી છે.

નોંધનીય છે કે ભરૂચ જિલ્લાના દયાદરા ખાતે તા. 31મી ડિસેમ્બરની રાત્રે રેલ્વે ક્રોસિંગ દરમ્યાન માલગાડી કાર સાથે અથડાતા પાંચ વિદ્યાર્થીઓના મોત થયા હતા અને છ અન્યને ઈજાઓ પહોંચી હતી. મૃતક દયાદરા દારુલ ઉલુમના વિદ્યાર્થીઓ કુરાન પઢવા માટે ઉમરાજ ગામે ગયા હતા અને દયાદરા પરત ફરી રહ્યા હતા. ત્યારે માનવરહિત ફાટક હતી ઘટના બાદ અહીં ફાટકમેન મુકાયો હતો જેણે ગતરાતે નશાની હાલતમાં સુઈ જઈ ફાટક બંધ કરવાની દરકાર ન લેતા અકસ્માતની ઘટના ફરી એકવાર બની છે. સદનસીબે કોઈ જાનહાની નોંધાવા પામી નથી.

Most Popular

To Top