National

30 જૂન સુધી જો પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નહીં કરાવો તો હવે આટલા રૂપિયા દંડ ભરવો પડશે

નવી દિલ્હી: (New Delhi) નાણાપ્રધાન (Finance Minister) નિર્મલા સીતારમણે ગુરુવારે PAN સાથે આધાર લિંક કરવામાં વિલંબ માટે દંડનો બચાવ કર્યો હતો. આધારને પાન કાર્ડ (PAN) સાથે લિંક કરવાનું 31 માર્ચ, 2022 સુધી મફત હતું, ત્યારબાદ 1 એપ્રિલ 2022 થી તેના પર 500 રૂપિયા દંડની જોગવાઈ કરવામાં આવી હતી. જે જુલાઈ (July) મહિનામાં વધારીને 1000 રૂપિયા કરવામાં આવી છે. આમ જો હવે આધાર અને પાન કાર્ડ લિંક નહીં કરાવો તો 1000 રૂપિયા દંડ ભરવા તૈયાર રહેવું પડશે.

  • 1 એપ્રિલ 2022 થી 500 રૂપિયા દંડની જોગવાઈ કરવામાં આવી હતી જે જુલાઈ મહિનામાં વધારીને 1000 રૂપિયા કરવામાં આવી
  • જેમણે તેમના આધાર કાર્ડ અને પાન કાર્ડને લિંક કર્યા નથી તેમનો PAN 1 જુલાઈ 2023 થી નિષ્ક્રિય થઈ જશે

હાલમાં સ્થિતિ એવી છે કે જો 30 જૂન 2023 સુધીમાં પાન કાર્ડને આધાર સાથે લિંક નહીં કરવામાં આવે તો તે નિષ્ક્રિય થઈ જશે. ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા નાણામંત્રીએ કહ્યું કે અગાઉ PAN ને આધાર સાથે લિંક કરવા માટે ઘણો સમય આપવામાં આવતો હતો. અત્યાર સુધીમાં PAN ને આધાર સાથે લિંક કરી દેવુ જોઈએ. જેમણે આજ સુધી આવું કર્યું નથી તેઓએ તરત જ કરવું જોઈએ. જો હાલમાં નિયત સમયમર્યાદા સમાપ્ત થાય છે તો દંડમાં વધુ વધારો કરવામાં આવશે.

નાણા મંત્રાલય દ્વારા 28 માર્ચે જારી કરાયેલા નિવેદન અનુસાર TDS અને TCS સંબંધિત સમસ્યાઓથી બચવા માટે દરેક વ્યક્તિએ કોઈપણ સંજોગોમાં તેના આધારને પાન કાર્ડ સાથે લિંક કરાવવું જરૂરી છે. જો લોકો આવું નહીં કરે તો તેમનું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે અને તેમને TDS અને TCS ક્લેમ મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

નિવેદન અનુસાર આવકવેરા અધિનિયમ 1961 હેઠળ જે લોકોના નામે 1 જુલાઈ 2017ની તારીખ સુધી પાન કાર્ડ જારી કરવામાં આવ્યા છે અને તેઓ આધાર કાર્ડ માટે પાત્ર છે તેઓએ 31 માર્ચ 2023 સુધીમાં આધાર અને પાનને લિંક કરાવવું જોઈએ. હાલમાં PAN ને આધાર સાથે લિંક કરવાની અવધિ 30 જૂન સુધી લંબાવવામાં આવી છે. આવી સ્થિતિમાં જેમણે તેમના આધાર કાર્ડ અને પાન કાર્ડને લિંક કર્યા નથી તેમનો PAN 1 જુલાઈ 2023 થી નિષ્ક્રિય થઈ જશે.

Most Popular

To Top