Madhya Gujarat

આંકલાવ GIDC માટે હજુ લડત આપવી પડશે: અમીત ચાવડા

આંકલાવ : આંકલાવ ખાતે કોંગ્રેસ પરિવાર દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન ભરતસિંહ સોલંકી, અમિત ચાવડા, અને રાજેન્દ્રસિંહ પરમારે સરકાર પર તેજાબી ચાબખા માર્યા હતા. આ ઉદબોધન દરમિયાન આગેવાનોએ ભાજપની સરકાર દ્વારા આણંદ અને આંકલાવ સહિત સમગ્ર ગુજરાત અને દેશમાં જે અન્યાય થઈ રહ્યો છે.તેની સામે જાગૃત થવા અને લડત આપવા લોકોને આહવાન કર્યું હતું.

ગુજરાત વિધાનસભા ગૃહના કોંગ્રેસ પક્ષના નેતા અને આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાએ ગુજરાત સરકારને આડે હાથ લેતાં જણાવ્યું હતું કે, છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભાજપ સત્તામાં છે. 14 વર્ષે તો પ્રભુ શ્રીરામનો વનવાસ પણ પૂરો થઈ ગયો હતો. પરંતુ આણંદ જીલ્લો બને 25 વર્ષ થયા પરંતુ 25 વર્ષ બાદ પણ જિલ્લાને સિવિલ હોસ્પિટલ મળી નથી. જેના કારણે સામાન્ય જનતાને ખાનગી હોસ્પિટલોમાં જઈને લાખો રૂપિયા ખર્ચવા પડે છે. આંકલાવમાં જીઆઇડીસી બનાવવા માટે સરકાર સામે લડત આપી રહ્યા છે.જેને લઈને સરકારે જીઆઇડીસીની જાહેરાત તો કરી દીધી,પરંતુ હજુ સુધી આંકલાવમાં જીઆઈડીસીનો પથ્થર પણ મૂકી શક્યા નથી . જો ગુજરાત સરકાર આ મુદ્દે ગંભીરતા નહીં લેતો આવનારા સમયમાં આંકલાવમાં જીઆઇડીસી માટે આક્રમક રીતે લડત આપવા માટે પણ આપણે તમામે તૈયાર રહેવું પડશે.

આ પ્રસંગે ઉપસ્થિત કેન્દ્રીય પૂર્વ મંત્રી ભરતસિંહ સોલંકી, આણંદ અમુલના પૂર્વ વાઇસ ચેરમેન અને બોરસદના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર, પૂર્વ મંત્રી ભીખાભાઈ રબારી, પૂર્વ ધારાસભ્ય મહુધા નટવરસિહ ઠાકોર, આણંદ જિલ્લા કોગ્રેસ પ્રમુખ વિનુભાઇ સોલંકી, આંકલાવ એપીએમસી ચેરમેન મનુભાઈ પઢીયાર, આણંદ જિલ્લા પંચાયત પૂર્વ કારોબારી અધ્યક્ષ પ્રતાપસિંહ સોલંકી, આણંદ જિલ્લાના પુર્વ શિક્ષણ સમિતિના ચેરમેન ફતેસિંહ સોલંકી , આકલાવ તાલુકા પંચાયત પ્રમુખ ઉષાબેન પઢીયાર, ઉપપ્રમુખ સંજયભાઇ, આકલાવ નગર પાલિકા પૂર્વ પ્રમુખ અંબાલાલભાઇ પઢીયાર, આણંદ તાલુકા કોગ્રેસ પ્રમુખ યશપાલસિહ, ઉમરેઠ તાલુકા કોગ્રેસ પ્રમુખ ભુગુરાજસિહ, આકલાવ તાલુકા કોગ્રેસ પ્રમુખ મહેન્દ્રસિંહ પઢીયાર, નશરુદીનભાઇ નાપાડ, અનવરખાન આકલાવ, સહિત તા. પં સભ્યો, સરપંચો, આગેવાનો સહિત ખુબજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

મોંઘવારી, ભાવ વધારો એ બુદ્ધિપૂર્વકની છે
‘મોંઘવારી, ભાવ વધારો એ ભાજપ સરકારની અણ આવડતથી નહીં પરંતુ તેમની સમજ અને બુદ્ધિપૂર્વકની છે. આ બધા પૈસા મોંઘવારીના અને ભાવ વધારાના કારણે તેમના ઉદ્યોગપતિઓ અદાણી અને અંબાણીના તિજોરીમાં જાય તે રીતે પ્લાનિંગ કરીને એ ચીજ વસ્તુનો ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. અને આ તમામ રૂપિયા તેમની તિજોરીમાં જઈ રહ્યા છે. જેને લઇને સામાન્ય માણસ મોંઘવારી અને ભાવ વધારાનો સામનો કરી રહ્યો છે.’ – ભરતસિંહ સોલંકી, પૂર્વ કેન્દ્રિય મંત્રી.

ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે
‘છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર ચાલી રહી છે, જેને લઇને આજે સરેઆમ ખુલ્લો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. ઠેર ઠેર ભ્રષ્ટાચારની દુકાનો ખુલી ગઈ છે 30% ટકા 40% કમિશન પર કામો થઈ રહ્યા છે. અને ભ્રષ્ટાચાર એ આખા ગુજરાત સહિત આખા દેશમાં માજા મૂકી છે. આ લોકશાહીમાં આપણે નહીં બોલીએ તો કોણ બોલશે અને જો લોકશાહીમાં આપણે નહીં બોલીએ તો આ દેશ કેવી રીતે બચશે.’ – રાજેન્દ્રસિંહ પરમાર, પૂર્વ ધારાસભ્ય, બોરસદ.

Most Popular

To Top