Editorial

શિનજિયાંગમાં ચીનના દમન અંગેના યુએનના અહેવાલમાં નવું કશું નથી

જેની ઘણી રાહ જોવાતી હતી તે ચીનમાં માનવ અધિકાર ભંગ અંગેનો યુએનનો અહેવાલ છેવટે બહાર પડી ચુક્યો છે. ચીન તેના શિનજિયાંગ પ્રાંતમાં માનવ અધિકારોનો વ્યાપક ભંગ કરે છે તેવા આક્ષેપો વર્ષોથી થતા હતા અને તે સંદર્ભમાં જ યુએન દ્વારા એક વિશ્લેષણ હાથ ધરવામાં આવ્યુ હતું અને તેના પછી તૈયાર કરવામાં આવેલ અને બહાર પાડવામાં આવેલ અહેવાલમાં ચીન પર માનવ અધિકાર ભંગનો આરોપ મૂકવામાં આવ્યો છે અને આ આરોપ પણ બહુ સ્પષ્ટ શબ્દોમાં મૂકવામાં આવ્યો નથી. ચીન દ્વારા તેના પશ્ચિમી પ્રાંત શિનજિયાંગમાં ભેદભાવભરી રીતે યુઘુર તથા અન્ય મોટે ભાગે મુસ્લિમ એવા વંશિય જૂથોના લોકોની ભેદભાવભરી રીતે કરાતી અટકાયતોમાં સંભવિતપણે માનવતા વિરુદ્ભના અપરાધો બનતા હોઇ શકે છે એ મુજબ યુએનની માનવ અધિકાર કચેરીએ જેની લાંબા સમયથી પ્રતિક્ષા થઇ રહી હતી તેવા આ અહેવાલમાં જણાવ્યું છે.

જો કે આ અહેવાલ પાસેથી બહુ અપેક્ષા રખાતી પણ ન હતી અને તે મુજબ જ તેમાં ગોળ ગોળ ભાષામાં વાત કરવામાં આવી છે. ખરેખર તો આ અહેવાલમાં નવું કશું નથી, અગાઉ ઘણા સ્વતંત્ર તપાસ કારો અને પત્રકાર જૂથો દ્વારા શિનજિયાંગમાં માનવ અધિકારોના ભંગ અંગે અહેવાલો તૈયાર કરીને આપવામાં આવ્યા જ છે અને તે અહેવાલો યુએનના આ અહેવાલ કરતા વધુ સ્પષ્ટ જણાય છે. આ અહેવાલમાં ફેર એટલો છે કે તે વૈશ્વિક સંસ્થા યુનાઇટેડ નેશન્સની માનવ અધિકાર કચેરી દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે અને તેના કારણે તેનુ વજન વધી જાય છે, જો કે ચીને અપેક્ષા મુજબ જ આ અહેવાલને નકામો ગણાવીને ફગાવી દીધો છે.

આ અહેવાલ બુધવારે જારી કરવામાં આવ્યો હતો જે ત્રાસવાદને નાબૂદ કરવાના બૈજિંગના અભિયાનમાં સતામણી તથા અન્ય માનવ અધિકાર ભંગના બનાવોના આક્ષેપો અંગે તાકીદના આંતરરાષ્ટ્રીય પ્રતિસાદની હાકલ કરે છે. યુએનના માનવ અધિકારોના વડા મિશેલ બેકલેટે આ અહેવાલ અટકાવી રાખવા માટેની ચીનની હાકલ ફગાવી દીધી હતી. મે મહિનામાં મિશેલ પોતે શિનજિયાંગની યાત્રાએ ગયા હતા અને તેના પછી આ અહેવાલ આવ્યો છે, જે અહેવાલ અંગે ચીન કહે છે કે તે અહેવાલ ચીનની પ્રતિષ્ઠા ખરડવા માટેના પશ્ચિમી દેશોના અભિયાનના ભાગરૂપે છે.

આ અહેવાલ પછી ચીન અને પશ્ચિમી દેશો વચ્ચે વાક્યુદ્ધ શરૂ થયું છે. આ અહેવાલ અંગે પશ્ચિમી રાજદ્વારીઓ અને યુએનના અધિકારીઓએ જણાવ્યું હતું કે તે મહિનાઓથી તૈયાર હતો પણ બેચલેટની ચાર વર્ષની ટર્મ પુરી થાય તેની થોડી મીનિટો પહેલા જ તેને પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ અહેવાલ જો કે કોઇ નવી વાત લાવે તેવી અપેક્ષા હતી પણ નહીં, કારણ કે આ પહેલા સ્વતંત્ર અધિકારવાદી જૂથો અને પત્રકારો દ્વારા કરવામાં આવેલી તપાસોના તારણોમાં શિનજિયાંગમાં માનવ અધિકારોના ભંગ થતા હોવાનું જણાવાઇ જ ચુક્યું છે.

યુએનની માનવ અધિકાર કચેરીનો આ અહેવાલ પ્રગટ થતો અટકાવવા ચીને દેખીતા ધમપછાડા કર્યા હતા. આ અહેવાલ જારી કરાય તેના કલાકો પહેલા યુએન ખાતેના ચીનના રાજદૂત ઝાંગ જૂને કહ્યું હતું કે આ હેવાલ જારી કરવા સામે ચીનનો મક્કમ વિરોધ છે. આ અહેવાલ કંઇ પણ સારી વાત રજૂ કરશે એવું અમે માનતા નથી એમ તેમણે કહ્યું હતું. જો કે ચીનનો વિરોધ ચાલ્યો નહીં, આ કોઇ વિટો લાગુ પડે તેવી બાબત હતી નહીં અને અહેવાલ ધરાર જારી થયો.

યુએનનો માનવ અધિકાર અંગેનો અહેવાલ જારી થવા અંગે કંઇક આંચકો ખાઇ ગયેલ ચીને આ અહેવાલને અમેરિકા દ્વારા સર્જવામાં આવેલ અહેવાલ ગણાવ્યો હતો અને તેને ગેરકાયદે, રદબાતલ અને વ્યર્થ ગણાવ્યો હતો. શિનજિયાંગ અંગેની આવી ગેરમાહિતીનો ઉપયોગ અમેરિકા તથા અન્ય પશ્ચિમી દેશો ચીનને રોકવા માટેના સાધન તરીકે કરે છે. એ મુજબ તેણે કહ્યું હતું. યુએન માનવ અધિકાર કચેરી દ્વારા શિનજિયાંગમાં ચીનના વર્તન અંગેનો આ જે અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે તે શિનજિયાંગમાં યુઘુર વંશીય લોકો તથા અન્ય મોટે ભાગે મુસ્લિમ એવા સમુદાયો સામે ચીન દ્વારા આચરવામાં આવતી દમનકારી નીતિઓના ગંભીર આક્ષેપોના પગલે તૈયાર કરવામાં આવ્યો છે.

ચીન સામે મોટા પાયે ગંભીર આક્ષેપો થયા પછી વર્ષ ૨૦૧૭ના અંતભાગે મૂલ્યાંકનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી અને તેના આધારે આ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. આ અહેવાલ જો કે યુએનના કોઇ પદાધિકારીઓએ શિનજિ્યાંગની મુલાકાત લઇને, જાતે તપાસ કરીને વ્યવસ્થિત રીતે તૈયાર કર્યો નથી પણ જે દસ્તાવેજી સામગ્રી ઉપલબ્ધ હતી તેના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. યુએન માનવ અધિકાર કચેરીના વડા મિશેલ બેકલેટ જો કે મે મહિનામાં શીનજિયાંગ ગયા હતા ખરા, પણ ત્યાં તેઓ કોઇ વ્યવસ્થિત તપાસ પ્રક્રિયામાં જોડાયા હોય તેવું જણાયું નથી. ચીની સરકારની નીતિ, તેના નિવેદનો તથા જે દસ્તાવેજી સામગ્રી ઉપલબ્ધ હતી તેનું વિશ્લેષણ કરીને આ અહેવાલ તૈયાર કરાયો છે અને તેથી તેમાં કોઇ નક્કર વાતો જણાતી નથી. ફરીથી કહીએ તો આ અહેવાલમાં નવું કશું નથી.

Most Popular

To Top