Columns

આ નક્ષત્રનો જાતક કલાઓમાં રૂચિ ધરાવનાર અને પ્રભાવી સરકારી અધિકારી હોઈ શકે છે

પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર
ગ્રહમંડળનું અગિયારમું નક્ષત્ર પૂર્વ ફાલ્ગુની છે. પૂર્વ ફાલ્ગુનીના રાશિ સ્વામી સૂર્ય છે કારણ કે આ નક્ષત્ર સિંહ રાશિમાં હોય છે. આ ક્રૂર નક્ષત્ર છે. નક્ષત્રનાં ચાર ચરણ હોય છે. આ નક્ષત્રના ચારેય ચરણ સિંહ રાશિમાં આવે છે. નક્ષત્રના ચરણના સ્વામીથી નક્ષત્રનું સટીક અધ્યયન કરી શકાય છે. પહેલા ચરણનો સ્વામી સૂર્ય, બીજા ચરણનો સ્વામી બુધ, ત્રીજા ચરણનો સ્વામી શુક્ર અને ચોથા ચરણનો સ્વામી મંગળ છે. નક્ષત્રપતિ શુક્ર, દેવ ભગા જેને નસીબના દેવ કહેવાય છે. બાર આદિત્યમાંના એક આદિત્યનું નામ ભગા છે. યોનિ ઉંદર છે અને ચિહ્ન પલંગ છે.

આગળ આપણે મઘા નક્ષત્રમાં જોયું કે જાતક કંઈ પણ મેળવવા માટે અત્યંત પ્રયત્નશીલ રહે. બધી વસ્તુ મેળવ્યા બાદ જાતકને બધું ભોગવવાનો સમય ન મળે. એટલે આ નક્ષત્રમાં જાતક સ્વાર્થી પોતાના માટે જ વિચારનાર, જાતે સારા દેખાવાના પ્રયત્નો કરે, સમાજમાં નામના પ્રાપ્ત કરવાની ઈચ્છા,આડંબર હોઈ શકે, સંગીત કળા ક્ષેત્રમાં સારી જાણકારી ઈમાનદાર અને નૈતિકતામાં માને. જો જાતકને ભોગવિલાસમાં કમી આવે તો ક્રૂર બની જાય, નાની વાતની મજાક પણ સહન ન કરી શકે. પૈસા સારા હોય તો અહંકાર વધે. ભોગવિલાસના બધાં સાધનો ગમે. જીવનમાં કોઈ એક ક્ષેત્રમાં વિશેષ ઉન્નતિ મેળવી શકે. દિમાગી કસરતથી જોડેલ કામ કર્યા કરે. શાંતિપ્રિય, વાત કરીને વિવાદનો ઉકેલ લાવનાર અને લડાઈથી ડરનાર હોય.

વિપરીત લિંગમાં વધુ નામના મેળવે. વ્યવસાયમાં ઉન્નતિ કરે. કોઈની નીચે કામ ન કરે. હંમેશા બીજાની સમસ્યાના ઉકેલ માટે કાર્યશીલ રહે, પરંતુ પોતાના જિંદગીના પ્રશ્નોનો ઉકેલ લાવી ન શકે. પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં સ્થિત ગ્રહો માટે શાસ્ત્રોમાં નીચે મુજબ જણાવ્યું છે. આ નક્ષત્રમાં સૂર્ય હોય તો આર્થિક ઉતાર ચઢાવ પોતાના સ્વભાવને કારણે જોવા મળે. જો મંગળ હોય તો લગ્નજીવનમાં આનંદ રહે, પરંતુ જાતક અનૈતિક હોવાનો સંભવ રહે. જો બુધ હોય તો સંતાનને ભાઈઓ સાથે વધુ મતભેદ રહે, પરંતુ જાતક ધનવાન અને પ્રસિદ્ધ હોઈ શકે.

જો ગુરુ હોય તો જાતકને સંશોધનકાર્યમાં ઘણો રસ હોય અને બીજા માટે કોઈની સાથે તકરાર પણ કરી શકે. આ નક્ષત્રમાં શુક્ર હોય તો મહિલાઓથી લાભ લગ્નજીવન સારું પરંતુ મધ્યમ વયે કાર્યક્ષેત્રમાં બદલાવ આવવાની શક્યતા રહે. જો શનિ હોય તો બાળપણમાં કષ્ટ જિંદગીમાં અપમાનિત થવાની સંભાવના અને જીવનસાથી પોતાથી મોટા દેખાય અને વધારે મેચ્યોર હોય. જો રાહુ હોય તો જાતક સ્વાવલંબી ધાર્મિક મહેનતુ હોય અને વિદેશયાત્રાની સંભાવના દર્શાવે. આ નક્ષત્રમાં જો કેતુ હોય તો લગ્નજીવનમાં સુખનો અભાવ અને 35 વર્ષ પછી ભાગ્યોદય થવાની શક્યતા રહે.

નીચેની પ્રવૃત્તિ શરૂ કરવા માટે આ નક્ષત્ર યોગ્ય નથી.
નવા પ્રોજેક્ટ શરૂ કરવા, હીલિંગ માટે જ્ઞાન મેળવવું, માંદગીમાં દવાની શરૂઆત કરવી અને સામાજિક કાર્ય શરૂ કરવા.
જાતકનો સરકારમાં વધુ પ્રભાવ હોય, સરકારી અધિકારી હોઈ શકે.આ નક્ષત્રમાં નીચેની પ્રવૃત્તિ કરવી ફાયદાકારક છે.
સંઞીત, નૃત્યકળા શરૂ કરી શકાય. લગ્ન માટે સારું નક્ષત્ર છે. નવું ઘર ખરીદવું, કોઈ જૂની તકરારનું નિરાકરણ લાવવા માટે મંત્રણા કરી શકાય, સરકારનાં કાર્યો માટે ઊંચા પદના માણસો સાથે મંત્રણા કરી શકાય અને આનંદ માટેની પ્રવૃત્તિ શરૂ કરી શકાય.

Most Popular

To Top