Editorial

ભારતમાં સાયકલના વપરાશને ઉત્તેજન આપતી યોજનાઓની ખાસ જરૂર છે

દુનિયામાં વધતા પ્રદૂષ્ણ માટે વાહનોને પણ ઘણે અંશે જવાબદાર ગણવામાં આવે છે. ધુમાડા ઉત્સર્જનના નિયમોનું સખતાઇથી પાલન કરાવાય તો પણ પેટ્રોલ, ડીઝલથી ચાલતા વાહનો વાયુનું પ્રદૂષણ કરે જ છે અને વાતાવરણના કાર્બનમાં ઉમેરો કરે જ છે અને ભારત જેવા દેશોમાં, જ્યાં પ્રદૂષણ નિયંત્રણના નિયમોનું યોગ્ય પાલન થતું નથી ત્યાં તો સ્થિતિ વધુ બગડે છે. આવા સંજોગોમાં બેટરી સંચાલિત વાહનોના ઉપયોગ પર ભાર મૂકાઇ રહ્યો છે પણ તેમાં ચાર્જિંગ સહિતની વિવિધ સમસ્યાઓ તો છે જ. આ સ્થિતિમાં ખાસ કરીને બહુ દૂરના અંતરે નહીં જવું હોય તે માટે સાયકલને એક શ્રેષ્ઠ વાહન ગણવામાં આવે છે. સાયકલથી પ્રદૂષણ પણ થતું નથી, ઉપરાંત પાર્કિંગની સમસ્યા પણ ઘણે અંશે હળવી બની શકે છે.

વિશ્વભરના દેશોએ શહેરી વિસ્તારોમાં સાયકલના વપરાશને વેગ આપવાની જરૂર છે, પરંતુ તે માટે પુરતા પ્રયાસો થતા નથી ત્યારે બ્રિટનની સરકારે હાલમાં એક નોંધપાત્ર પગલું ભર્યું છે. બ્રિટનની સરકારે રોગચાળા પછી સક્રિય પ્રવાસને વેગ આપવાના તેના કાર્યક્રમના ભાગરૂપે સાયકલિંગ અને વૉકિંગને વેગ આપવા માટે ૩૩૮ મિલિયન પાઉન્ડનું એક પેકેજ ખુલ્લું મૂકયું છે. યુકેના પરિવહન મંત્રી ગ્રાન્ટ શેપ્સ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આ યોજનાઓમાં ઇન્ફ્રાસ્ટ્રચર અપગ્રેડ્સ, હાઇવે કોડ્સમાં ફેરફાર અને સક્રિય પ્રવાસની યોજનાઓ માટેની નવી જરૂરિયાતોનો સમાવેશ કરવામાં આવે છે.

આ એના એક વર્ષ પછી આવ્યું છે જ્યારે ગયા વર્ષે અગાઉના ૨૦ વર્ષ ભેગા મૂકીએ તેના કરતા પણ વધુ સાયકલિંગ વધ્યું હતું. બ્રિટનના રસ્તાઓ પર સાયકલિંગના પ્રમાણમાં ગયા વર્ષે ૪૫.૭ ટકા વધુ સાયકલિંગ થયું હતું જે પ અબજ માઇલ જેટલું થાય છે. લોકો સાયકલિંગ વધુ પ્રમાણમાં અપનાવતા થાય તે માટે ગયા વર્ષથી યોજનાઓ શરૂ કરવામાં આવી હતી જેમાં ગયા વર્ષે ૨૫૭ મિલિયન પાઉન્ડની જાહેરાત કરવામાં આવી હતી તેમાં ૩૦ ટકા વધારા સાથે આ વખતે ૩૩૮ માઇલ પાઉન્ડના પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

આ ભંડોળ સેંકડો માઇલ લાંબી નવી હાઇ ક્વોલિટી સાયકલ લેન્સ બનાવવા સહિતના આયોજનોનો સમાવેશ થાય છે. તેમાં ઇ-સાયકલ સપોર્ટ પ્રોગ્રામ તથા સાયકલિસ્ટોની સુરક્ષા સુધારવાના કાર્યક્રમનો સમાવેશ થાય છે. સાયકલિંગ અને વોકિંગ એ ફિટ રહેવાના ઘણા સારા રસ્તા છે અને આ ઉપરાંત પર્યાવરણ રક્ષણમાં પણ તેનાથી તમે ફાળો આપી શકો છો એમ મંત્રીએ જણાવ્યું હતું. સાયકલિંગના અંગત લાભો પણ છે જ, અને સાયકલિંગ પાછળ સરકાર ખર્ચ કરે તે લાંબા ગાળે સારા ફળ આપી શકે છે. ભારત જેવા એશિયન વિકાસશીલ દેશોમાં પેટ્રોલથી ચાલતા દ્વિચક્રી વાહનોનું પ્રમાણ ઘણુ વધારે છે અને ભારતના શહેરોમાં તો આ વાયુના પ્રદૂષણમાં આ દ્વિચક્રી વાહનોનો ફાળો ઘણો મોટો જણાયો છે.

છેલ્લા કેટલાક દાયકાઓમાં બેંકોની લોન યોજનાઓને કારણે ભારતમાં ટુ-વ્હીલરોના વેચાણમાં ઘણો મોટો વધારો થયો છે. આજે તો એવી સ્થિતિ છે કે કોઇ શહેર કે નગરમાં મધ્યમ વર્ગીય શેરીમાં પણ તમને મોટર સાયકલો અને સ્કૂટર, મોપેડોની આખી હરોળ ઉભેલી જણાય છે. ઘરે ઘર આવા વાહનો આવી ગયા છે અને આના કારણે શહેરોમાં તો પાર્કિંગની પણ ઘણી સમસ્યા ઉભી થાય છે. દાયકાઓ પહેલા સાયકલ એ મધ્યમવર્ગના લોકોનું માનીતું વાહન હતું, પણ હવે ભારતમાં લોકોને જાણે સાયકલ ચલાવવાની નાનમ લાગે છે. હવે તો ગામડાઓમાં પણ દ્વિચક્રી વાહનો ખૂબ વધી ગયા છે.

લોકો નજીકમાં જવું હોય તો પણ આવા ટુ-વ્હીલરોનો જ ઉપયોગ કરે છે, પેટ્રોલનો ધુમાડો કરે છે અને પ્રદૂષણમાં વધારો કરે છે. ખરેખર તો શહેરોમાં અને ગામમાં નજીકના અંતરે જવા માટે સાયકલ એ શ્રેષ્ઠ વાહન છે. ભારતમાં લોકોને સાયકલિંગ માટે પ્રોત્સાહન આપતા પગલાઓ ભરવાની ખાસ જરૂર છે.ભારતમાં સાયકલના વપરાશને ઉત્તેજન આપતી યોજનાઓની ખાસ જરૂર છે

Most Popular

To Top