Top News

ચીન કંઈક મોટું કરવા જઈ રહ્યું છે? નાગરિકોને ખાદ્યપદાર્થનો સ્ટોક કરવા સૂચના અપાઈ: સોશિયલ મીડિયા પર તરેહ તરેહની ચર્ચા ઉઠી

ચીનની (China)ની શી જિનપિંગ (Xi Jinping) સરકારે નાગરિકોને ખાદ્યપદાર્થોનો સ્ટોક કરવાની સૂચના આપી દેતાં ચીનમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. સરકાર કંઈક મોટું કરવા જઈ રહી હોવાની ચર્ચા ઉઠી છે. ખાદ્યપદાર્થનો સંગ્રહ કયા કારણોસર કરવાનો છે તે અંગે ચીન સરકાર દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નહીં હોય નાગરિકો ભયમાં છે. તાજેતરમાં લદાખ (Ladakh) બોર્ડર પર ભારત (India) સાથે અને તાઈવાન (Taiwan) મુદ્દે અમેરિકા (America) સાથે ચીનનો સંઘર્ષ ચાલી રહ્યો હોય સરકારના આદેશ બાદ તરેહતરેહની ચર્ચા ઉઠી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ચીનની સરકારે સ્થાનિક અધિકારીઓને ઠંડીની મોસમમાં ખાદ્યપદાર્થોનો પૂરતો પુરવઠો સુનિશ્ચિત કરવા સૂચના આપી છે. આ સાથે જ લોકોને હવેથી તેમના ઘરોમાં આવશ્યક ચીજવસ્તુઓનો પૂરતો સ્ટોક રાખવા માટે સૂચના આપવામાં આવી છે. ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીની સરકારના આ નિર્દેશને કારણે ત્યાંના સોશિયલ મીડિયા પર ભારે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. લોકો અનેક પ્રકારની અટકળો લગાવી રહ્યા છે. શી જિનપિંગની સરકાર આગામી દિવસોમાં કયું મોટું કામ કરવાની યોજના બનાવી રહી છે? જો કે, જિનપિંગ સરકાર તરફથી એવું કહેવામાં આવી રહ્યું છે કે લોકો ચિંતા નહીં કરે અને સરકારી સૂચનાઓનું પાલન કરે.

ચીનના વાણિજ્ય મંત્રાલયે સ્થાનિક તંત્રને આવશ્યક ચીજવસ્તુઓની કિંમતોને નિયંત્રિત કરવા અને શાકભાજી સહિત આવશ્યક ચીજવસ્તુઓની પૂરતો સ્ટોક લોકોને મળી રહે તે સુનિશ્ચિત કરવા સૂચના આપી છે. શિયાળાના મહિનાઓ માટે આ સૂચનાઓ આપવામાં આવી છે. પરંતુ, ચિંતા વધી છે કારણ કે સામાન્ય નાગરિકોને પણ શિયાળાના મહિનાઓ અથવા કોઈપણ કટોકટી માટે તેમના ઘરોમાં રોજિંદા જરૂરિયાતોનો પૂરતો સ્ટોક રાખવા માટે કહેવામાં આવી રહ્યું છે.

સોશિયલ મીડિયા પર હોટ ટોપીક બન્યા બાદ એકાએક કોમેન્ટ્સમાં આશ્ચર્યજનક રીતે ઘટાડો થયો

‘વાણિજ્ય મંત્રાલય પરિવારોને જરૂરિયાત મુજબ દૈનિક જરૂરિયાતોનો સંગ્રહ કરવા સૂચના આપે છે’ – આ વિષય ટ્વિટર જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Weibo પર પોસ્ટ કરવામાં આવ્યો હતો, સ્થાનિક સમય અનુસાર મંગળવારે બપોરે 1.70 વાગ્યે બેઇજિંગમાં કરોડો વ્યૂઝ મળ્યા હતા. 5,000 લોકોએ જવાબ આપ્યો. પરંતુ, સાંજે 6.13 વાગ્યા સુધીમાં વ્યૂવર્સની સંખ્યા વધીને 4.30 કરોડ થઈ ગઈ હતી. મોટાભાગની કોમેન્ટમાં ખાદ્ય ચીજોનો સંગ્રહ કરવાની સલાહને તાઇવાન પરના સંભવિત હુમલા સાથે જોડવામાં આવી રહી છે. જો કે, સાંજ સુધીમાં પ્રતિભાવોની સંખ્યા શંકાસ્પદ રીતે ઘટવા લાગી (4,809), જે સામ્યવાદી ચીનની લાક્ષણિકતા જણાય છે. ઉદાહરણ તરીકે, બપોરે એક પ્રતિભાવમાં તાઇવાન પર સંભવિત હુમલાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, પરંતુ તે પછીથી પડતો મૂકવામાં આવ્યો હતો.

જોકે, ઓનલાઈન પ્લેટફોર્મ પર ચાલી રહેલી અટકળો વચ્ચે ચીનના રાજ્ય મીડિયા ઈકોનોમિક ડેઈલીએ એક રિપોર્ટ દ્વારા દાવો કર્યો છે કે લોકોએ વાણિજ્ય મંત્રાલયના નિવેદનને લઈને વધુ પડતી ચિંતા ન કરવી જોઈએ. તેમાં દલીલ કરવામાં આવી હતી કે ખાદ્ય ચીજવસ્તુઓના સંગ્રહ પર ભાર મૂકવામાં આવ્યો છે જેથી કરીને લોકોને તૈયાર કરી શકાય કે કોવિડ-19ની વર્તમાન પરિસ્થિતિને કારણે જો તેમને ઘરે ક્વોરેન્ટાઈન કરવું પડે તો તેમની પાસે જરૂરી વસ્તુઓ ઘરમાં જ હોય. બીજી તરફ, સરકારી પ્રસારણકર્તા CCTVને આપેલા એક ઇન્ટરવ્યુમાં, વાણિજ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ પણ “આવશ્યક ચીજવસ્તુઓનો દૈનિક પુરવઠો દરેક જગ્યાએ પૂરતો છે અને પુરવઠાની સંપૂર્ણ ખાતરી આપવામાં આવશે” એમ કહીને લોકોને શાંત કરવાનો પ્રયાસ કર્યો છે.

Hot Winter Deal | Destination China

ખરાબ હવામાનની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે

જિનપિંગ સરકાર આગળ શું પગલાં લેવા જઈ રહી છે, તે ક્યાંકને ક્યાંક ચીનની જનતાની સમજની બહાર છે. આ કારણે, એવી પણ આશંકા છે કે અણધાર્યા હવામાનને કારણે શાકભાજીના ઉત્પાદન અને પુરવઠાને અસર થઈ શકે છે, કારણ કે તાજેતરના અઠવાડિયામાં તેના ભાવમાં પણ ઉછાળો આવ્યો છે. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં શાકભાજીનો પાક પણ નાશ પામ્યો છે. બીજી તરફ ચીનમાં પણ ઠંડીએ દસ્તક આપી છે અને અનેક વિસ્તારોમાં તાપમાનમાં 15 ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી કરવામાં આવી છે. શિયાળામાં શાકભાજી મોંઘા થઈ જાય છે.

કંપનીઓને સંગ્રહખોરીથી દૂર રહેવા આદેશ આપ્યો છે

ચીનમાં ખાદ્ય ચીજવસ્તુઓને લઈને સરકારની સૂચનાઓ બાદ સર્જાયેલા વાતાવરણને કારણે ત્યાં ઉત્પાદન કરતી કંપનીઓના શેરમાં ઉછાળો આવ્યો છે. નૂડલ્સ મેકર્સથી લઈને બ્રેડ મેકર્સ સુધીનો સ્ટોક 6.5% થી 10% સુધી વધ્યો છે. જો કે, ચીની સરકારે વસ્તુઓના સ્ટોકને લઈને આ પગલું એવા સમયે લીધું છે જ્યારે બે અઠવાડિયા પહેલા વિવિધ વિભાગોને કહેવામાં આવ્યું હતું કે કોઈ પણ કંપનીઓ આવશ્યક વસ્તુઓનો સંગ્રહ ન કરે.

Most Popular

To Top