SURAT

રિંગરોડ પર પોલીસની નજર સામે યુવકને દોડાવી દોડાવી ફટકાથી મારી ગુંડાઓએ લૂંટી લીધો

સુરત(Surat): રિંગરોડ (RingRoad) સહારા દરવાજા નજીક શ્રમિકને પાઈપ અને લોખંડની ખુરશીથી દોડાવી દોડાવીને માર મારતો વિડીયો વાઇરલ (ViralVideo) થતા ચર્ચાનો વિષય બન્યો છે. એટલું જ નહીં પણ ટ્રાફિક પોલીસની હાજરીમાં જ યુવકને માર મારવામાં આવ્યો હોવાથી શ્રમિકોમાં ભયનો માહોલ પેદા થયો છે. અસામાજિક તત્ત્વો દ્વારા થયેલા હુમલાને લઈને સ્થાનિકો શ્રમિકોમાં ભારે રોષ દેખાય રહ્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ઘટના બુધવારની રાત્રે નવ વાગ્યની હતી. કામ પરથી પરત ફરી રહેલા યુવકને જાહેરમાં માર મારવામાં આવી રહ્યો હતો. યુવકે હાથ જોડી માફી માંગતો હોવા છતાં તેને માથાના ભાગે ફટકા મારી લોહી લુહાણ કરી દેવાયો હતો. મોપેડ પર આવેલા 3 ઈસમોએ માર માર્યો હતો. એટલું જ નહીં પણ શ્રમિકને રસ્તા પર દોડાવી દોડાવીને માર મરાતો જોઈ લોકોમાં ભયનો માહોલ ઉભો થયો હતો. ત્યારબાદ હુમલાખોર 25 હજારની લૂંટ ચલાવીને ભાગી ગયા હતાં. સમગ્ર ઘટના અંગે મહિધરપુરા પોલીસને જાણ પણ કરવામાં આવી હતી.

વધુમાં જણાવ્યું હતું કે, રીંગરોડ કાપડ માર્કેટ વિસ્તારમાં અસામાજી તત્ત્વો બેફામ બન્યા હોવાનું વધુ એકવાર સામે આવ્યું છે. કાપડ માર્કેટમાં શ્રમિકો પર હુમલા થતા હોવાનું કિસ્સાઓ પણ વધી રહ્યા છે. લાખોની સંખ્યામાં શ્રમિકો કાપડ માર્કેટમાં કામ કરી રહ્યાં છે. એટલું જ નહીં પણ શ્રમિકોને લૂંટવાના કેસ પણ વધતા હોવાનું કહી શકાય છે. શ્રમિકોને જાહેરમાં માર મારી ડરનો માહોલ ઉભો કરનારા સામે કડક પગલા ભરવા શ્રમિક આગેવાનો દ્વારા માગ કરાઈ છે.

Most Popular

To Top