Columns

દુનિયા હજી પાંચ વરસ ફડકામાં જીવશે: શી ઝિનપિંગ લલાટે લખાયા છે

સપ્ટેમ્બરના મધ્યમાં ઉઝબેકિસ્તાનના સમરકંદ ખાતે મળેલી શાંઘાઇ કોઓપરેશન ઓર્ગેનિઝેશન નામક ચાઇના પ્રેરિત આર્થિક સંગઠનની બેઠકમાંથી હડબડાટ સાથે ચીનના પ્રમુખ શી ઝિનપિંગે વિદાય લીધી હતી. બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યા હતા. ઝિનપિંગ પરત ફર્યા બાદ ચીનમાં ગાયબ થઇ ગયા હતા. કોઇને જોવા ન મળ્યા તેથી જગતભરમાં મિડિયામાં ખબર ફેલાઇ કે ઝિનપિંગ સામે લશ્કરે બળવો કર્યો છે. એમને નજરકેદ રાખવામાં આવ્યા છે વગેરે. આ ઓકટોબરની ગઇ સોળ તારીખે ચીનની સત્તાધારી સામ્યવાદી પક્ષની એક સપ્તાહ લાંબી ચાલનારી પરિષદ યોજાવાની હતી તેના બરાબર એક મહિના અગાઉ શી ઝિનપિંગ લગભગ દસ દિવસના ગુપ્તવાસમાં જતા રહ્યા તેથી એ સમાચારોને વધુ હવા અને વધુ સમર્થન મળ્યાં.

એક મજબૂત પ્રિમિયર આ રીતે ગાયબ થઇ ગયા તે બાબતમાં ચીન દ્વારા પણ કોઇ સ્પષ્ટતા કરવામાં ન આવી. બીઇજિંગના ઝોંગનહાઇ કમ્પાઉન્ડ તરીકે ઓળખાતા એક કોમ્પ્લેકસમાં સામ્યવાદી પક્ષ અને તેની સરકારનાં મુખ્ય કાર્યાલયો છે. પક્ષના પોલીટ બ્યુરોના સાત સભ્યો છે તેઓ જે નિર્ણય લે તે માત્ર સાત જણ અને બે-ચાર નિર્ણયોનું પાલન કરાવનારા અધિકારીઓ જાણતા હોય છે. એટલી હદે ગુપ્તતા સેવવામાં આવે છે કે ચીન વિશે કલ્પનાશીલ, ઉપજાવી કાઢેલા મૌલિક સમાચારો ખૂબ ફેલાય તો પણ તેનું ખંડન કરવામાં આવતું નથી.

વર્તમાન યુગના ચીને બહારની દુનિયા સાથેનો સાંસ્કૃતિક મેલમિલાપ, વિદ્યાર્થીઓ, નિષ્ણાતોની અદલાબદલી વગેરે બંધ કરી દીધા છે એટલે ચીનની પ્રજાના વિચારો પણ બહારની દુનિયા જાણી શકતી નથી અને બહારની દુનિયા વિષે એકસો ચુમાલીસ કરોડની જનતા સાવ બેખબર રહે છે એટલું જ નહીં, પોતાના દેશનો સત્તા, શાસકોના નિર્ણયોથી પણ અજાણ રહે છે. કહો કે ઇરાદાપૂર્વક રાખવામાં આવે છે. તેઓએ સરકારને કોઇ સવાલ કરવાનો રહેતો નથી. કહે તો જવાબમાં જેલ મળે. વધુ પ્રમાણમાં સવાલો કરે તો મોત મળે.

ચીનમાં સોશ્યલ મીડિયાના પ્લેટફોર્મ્સ જેવા કે ફેસબુક, ટવીટર, વ્હોટસએપ, ઇન્સ્ટાગ્રામ વગેરેને કામ કરવાની છૂટ અપાઇ નથી. ચીને પોતાના પ્લેટફોર્મ્સ શરૂ કર્યા છે જે માત્ર ચીનની પ્રજા જ વાપરે છે. સરકારી ટી.વી. પર સરકારની ઇચ્છા મુજબ સો ગળણીએ ગાળીને સમાચારો પીરસાય. જેમાં મોટા ભાગની સામ્યવાદની ચીન સરકારની પ્રશંસાઓ અને સિધ્ધિઓ બનાવવામાં આવે. તે બોર કરી દે તેવી હોય. આવા બંધિયાર વાતાવરણમાં, પારદર્શિતાના અભાવે સાચી કરતાં ખોટી વાતો વધુ ફેલાય તે પણ એટલું જ સ્વાભાવિક છે.

સમરકંદથી ઉતાવળમાં રવાના થયા બાદ છેક અગિયારમા દિવસે લશ્કરના સૈનિકોની સલામી ઝીલતા શી ઝિનપિંગનો સત્તાવાર વીડિયો ચીનની સરકારે બહાર પાડયો ત્યારે પણ શંકાઓ વ્યકત થઇ કે એ વીડિયો કોઇ જૂના પ્રસંગનો છે. પરંતુ વીડિયો સાચો હશે એવું હવે સિંહાવલોકન બાદ લાગે છે. કારણ કે સોળમી ઓકટોબરે એ સામ્યવાદી પક્ષની દર પાંચ વર્ષે યોજાતી સર્વોચ્ચ પરિષદમાં હાજર રહ્યા અને પક્ષના લગભગ પોણા દસ કરોડ સભ્યોને બે કલાક સુધી સંબોધ્યા. ચીનના માઓ ઝેહીંગ (અથવા માઓત્સેતુંગ) પછીના સામ્યવાદી પક્ષના આજ સુધીના સૌથી મજબૂત અને પ્રભાવશાળી નેતા ગણાતા શી ઝિનપિંગ દસ બાર દિવસ માટે કયાં છૂપાઇ ગયા હતા?

ત્યારના સમાચારો કહેતા હતા કે ઝિનપિંગ સમરકંદમાં હતા ત્યારે સેનાના અમુક અધિકારીઓએ બળવો કર્યો હતો તેથી ઝિનપિંગ ઉતાવળમાં પાછા ફરી ગયા. સમરકંદમાં એક બે મિટિંગ ટાળી. બીજો રિપોર્ટ એમ કહેતો હતો કે સામ્યવાદી પક્ષની પોલીટ બ્યુરો સ્ટેન્ડિંગ કમિટી હવે શી ઝિનપિંગને વધુ પાંચ વર્ષની મુદત આપવા માગતી નથી. શી ઝિનપિંગને તેની ભનક આવી તેથી પોલિટ બ્યુરોના સભ્યોને મનાવવા સમજાવવા માટે જલ્દીથી રવાના થઇ ગયા હતા. ત્રીજા સમાચાર કહેતા હતા કે વિદેશમાં વિદેશી નેતાઓને મળ્યા બાદ શી ઝિનપિંગને કોવિડ લાગુ પડવાનો ડર પેસી ગયો હતો તેથી જલ્દી ઘરે પાછા ફરી કવોરેન્ટાઇન થઇ ગયા હતા.

પરંતુ કવોરેન્ટાઇન ત્યારે ચૌદ દિવસ માટે થવાનું હોય જયારે ઇન્ફેકશન લાગ્યું છે તેવી શંકા હોય. ચાર દિવસ બાદ ટેસ્ટ કરાવીને જાણી શકાય કે ચેપ લાગ્યો છે કે કેમ? આવડા મોટા સત્તાધીશ માટે તો તમામ સવલતો હાજરાહજૂર હોય. ચાર દિવસ બાદ જાણી શકાય કે ચેપ છે કે નથી. બાદમાં ખ્યાલ આવ્યો કે એમને ચેપ લાગ્યો ન હતો તો દસ દિવસ શા માટે અજ્ઞાતવાસમાં રહ્યા? શકય છે કે એ નેતાઓ વચ્ચે પોતાની સ્થિતિ મજબૂત બનાવી રહ્યા હશે અથવા કોરોનાથી વધુ પડતા ડરી ગયા હશે અથવા ખરેખર કોરોના લાગુ પડયો હશે. કોઇ સ્પષ્ટતા વગર જગતે ગેસવર્ક કરવું પડે અને આ ત્રણેય સંભાવનામાંથી કદાચ એક કે બે સાચી પણ હોઇ શકે તે માનવા માટેનાં કારણો છે.

પ્રથમ તો શી ઝિનપિંગને વધુ પાંચ વર્ષ સત્તા પર બેસાડવા માટેની બેઠક ઓકટોબરમાં મળવાની હતી તેના એક મહિના અગાઉ એ ગુમ થઇ ગયા. શી ઝિનપિંગની ઝીરો કોવિડની પોલીસી ખાતર વારંવાર લોકડાઉન લાગુ પાડવાની નોંધપાત્ર ખેવના. ત્રીજું કારણ એ કે લોકડાઉનની પોલીસી સિવાય પણ ઝિનપિંગની આર્થિક નીતિઓને કારણે ચીનના ત્રણ દાયકાથી ચાલી રહેલા ઊંચા વૃધ્ધિદરના વિકાસમાં આ પ્રથમ વખત મહત્ત્વની કમી આવી છે. એમની નીતિને કારણે ચીનનો મકાન બાંધકામ ઉદ્યોગ ઠપ થઇ ગયો છે. લાખો કરોડોનું નુકસાન થયું છે. અલીબાબાના નિર્દોષ માલિક જેક માની પાછળ પડી જઇ એમને અને ચીનને પારાવાર નુકસાન કરાવ્યું.

લાંબા સમય સુધી જેક માને અજ્ઞાતવાસમાં જતું રહેવું પડયું હતું. આવાં અનેક ઉદાહરણો છે. લોખંડી પંજા હેઠળ કચડીને શાસન કરવા માટે અને વ્યકિતગત બદલો લેવા માટે ઝિનપિંગે ચીનના અર્થતંત્રને ભારે નુકસાન પહોંચાડયું છે. અમેરિકા એન્ડ કંપનીએ લાદેલા આર્થિક પ્રતિબંધોનું ચીન ભોગ બન્યું છે અને તેના મૂળમાં શી ઝિનપિંગની વિસ્તારવાદની નીતિને, તાઇવાન કબજે કરવાની મહેચ્છાને કારણભૂત ગણાવવામાં આવી રહી છે. અમેરિકન, કોરીઅન, યુરોપીઅન કંપનીઓ ચીનમાં મૂડીરોકાણ બંધ કરી વિકલ્પ તરીકે ભારત, વિયેતનામ, ઇન્ડોનેશિયા વગેરેને પસંદ કરી રહી છે. રશિયા, યુક્રેન યુધ્ધના સંદર્ભમાં તાઇવાન પરની ચીનની નજરને પણ સાંકળવામાં આવે છે.

ચીને રશિયાને ટેકો આપ્યો તેથી પશ્ચિમનું ઓલરેડી ચીનથી અકળાયેલું જગત વધુ અકળાયું છે. આથી એવા સમાચાર વહેતા થાય કે ચીનની પ્રજામાં શી ઝિનપિંગ સામેની નફરત અને આક્રોશ વધ્યા છે તો એ સમાચારો સાચા લાગે એવો માહોલ તો છે જ. એટલે આ સમાચારો પૈકીનું કશુંક બન્યું હોય અને કશું જ ન બન્યું હોય તે બધું શકય છે. એ મૌલિક વાર્તાઓ સમાચારોના રૂપમાં છપાઇ રહી હતી તે વખતે ઓકટોબરમાં યોજાનારી સામ્યવાદી કોંગ્રેસ પરિષદ વિષેનો કાર્યક્રમ ચીનની સરકારે જાહેર કર્યો જ હતો અને તેમાં એક નામ શી ઝિનપિંગનું પણ હતું.

તેનો અર્થ એ થયો કે ઝિનપિંગના નામ બાબતે એ સમયે કોઇ વિવાદ કે શંકાકુશંકા ચીનના સર્વોચ્ચ નેતાઓ વચ્ચે ન હતા. એ નામ છપાયા છતાં એમ મનાતું હતું કે ઝિનપિંગ પરિષદમાં જાતે હાજર થાય પછી જ સાચું મનાય. ચીનાઓના શબ્દો પર દુનિયા વિશ્વાસ કરતી નથી. પણ એક વાત શી ઝિનપિંગનાં કૃત્યોથી સાબિત થાય છે કે એ વ્યકિતગત રીતે કોરોના ફોલિયાથી પીડાઇ રહ્યા છે. આવા ફોલિયા ઘણાને ઘણી બાબતમાં હોય છે. અન્ય ઘણી બાબતોમાં બહાદુર જણાતી વ્યકિત અમક મામૂલી બાબતમાં ગંભીરપણે ડરપોક હોય છે.

પર્વતારોહણ કરનારી વ્યકિત સમુદ્રમાં હોડીમાં બેસતા ડરતી હોય છે. મારા બે ઓળખીતાને ગંભીરપણે કોરોના ફોલિયા લાગુ પડયો હતો. એમને ખૂબ સમજાવવા પડતા. બીજાને મામૂલી લાગતી વાત એમને ખૂબ પજવે. શી ઝિનપિંગને પણ એવી તકલીફ લાગુ પડેલી જણાય છે. પણ ઝિનપિંગની તકલીફની બીજી તકલીફ એ છે કે એ પોતાના ફોલિયાને આખા ચીનનો ફોલિયા ગણીને લોકડાઉન પર લોકડાઉન લગાવતા રહે છે. ચીનની પોતાની બનાવેલી વેકિસન પૂરી પડતી નથી અને ગુણવત્તામાં નબળી છે અને એમને આયાતી વેકિસનો પર એમને શંકા છે કે તેઓ રસી મારફતે ચીનાઓના શરીરમાં કોઇ બીજી તકલીફો ઘુસાડી દેશે. તેથી આયાત પણ કરતા નથી. કદાચ ચીનનું મહત્ત્વ વધુ ઊંચું રાખવાનો ઇરાદો હોય. પરંતુ તેના કારણે શી ઝિનપિંગ લોકપ્રિય થવાને બદલે ચીનમાં અળખામણા વધુ બની રહ્યા છે. આ બધા મુદ્દાઓ જોડવામાં આવે તો એ સંભાવના પણ લોકોને વાજબી જણાતી હતી કે પોલિટ બ્યુરો કદાચ શી ઝિનપિંગથી નારાજ હોઇ શકે અને હવે પછી બીજા પાંચ વરસ ગાદી સોંપાય તો શું નું શું થાય?

પણ ઝિનપિંગ સોળ ઓકટોબરે પરિષદમાં હાજર થયા અને વધુ મજબૂતાઇથી હાજર થયા અને ઘણી અટકળોનો અંત આવ્યો. પરંતુ સાથે સાથે અમુક ચીની લોકોએ જાનના જોખમે જાહેરમાં વિરોધ નોંધાવ્યો. તેનાથી પુરવાર થયું કે એ દમનના જોરે શાસન ચલાવે છે. એટલું જ નહીં, પણ બે કલાકના પ્રવચનમાં એમણે પોતે જ જાહેર કર્યું કે બળ વાપરીને શાસન ચલાવવાની નીતિ ચાલુ રહેશે અને તેનું વધુ સખતાઇથી પાલન કરાવાશે. તાઇવાનનો તાકાતના જોરે કબજો લેવાનો નિર્ધાર પણ જાહેર કર્યો.

ચીનમાં ૧૯૯૦ થી એ નિયમ લાગુ પાડવામાં આવ્યો હતો કે ચીનના કોઇ પણ પ્રમુખ વધુમાં વધુ માત્ર બે મુદત એટલે કે દસ વરસ સુધી પ્રમુખપદે રહી શકશે. જે રીતે અમેરિકામાં વધુમાં વધુ બે મુદત (આઠ વરસ) પ્રમુખપદે રહી શકે છે. પરંતુ વરસ ૨૦૧૮ શી ઝિનપિંગ પોતે અને એમની નેતાગીરીમાં ચીન ખૂબ શકિતશાળી બની ગયાં હતાં. ઝિનપિંગની તૂતી બોલતી હતી અને જીનપિંગ જે કહે તે પોલીટપ્યુરો માટે બ્રહ્મવાકય બની ગયું હતું. વાસ્તવમાં હોવું જોઇએ ઉલટું. વરસ ૨૦૧૮ માં ઝિનપિંગ ૧૯૯૦ ના નિયમમાં સુધારો કર્યો અને તે મુજબ હવે પ્રમુખપદ પર વ્યકિત બે કરતાં વધુ ટર્મ રહી શકે છે તે મુજબ હવે એ આજીવન પ્રમુખ બીજી ટર્મ, માટે પોલીટબ્યુરોની મંજૂરી મળવી જોઇએ.

શી ઝિનપિંગે પોતાની જાતને કેન્દ્રમાં રાખી આ સુધારો કરાવ્યો છે જેથી એ આજીવન પ્રમુખ રહી શકે. ઓકટોબરના મધ્યમાં સામ્યવાદી પક્ષ કોંગ્રેસની પરિષદ મળી તે અગાઉ શંકા કુશંકા ફેલાઇ કે પોલીટબ્યુરો કદાચ ઝિનપિંગને ચાલુ નહીં રાખે.અમેરિકન પ્રમુખ પછીની જગતમાં આ બીજા ક્રમની શકિતશાળી ગાદી છે. અમેરિકન પ્રમુખના હાથ લોકશાહીએ બાંધી રાખ્યા છે, તે જોતાં ચીનના પ્રમુખ ઘરઆંગણે વધુ સત્તા ધરાવે છે. અમેરિકાના પ્રમુખ ઘરઆંગણે અમેરિકનોને બંદૂકો રાખતા રોકી શકતા નથી. આ નિ:સહાયતા માટે પ્રમુખપદે હતા ત્યારે બરાક ઓબામાની આંખોમાં આંસુ આવી ગયાં હતાં.

શી ઝિનપિંગની સત્તા સામ્યવાદી તાનાશાહની છે. એ માત્ર એક હુકમ બહાર પાડીને શસ્ત્રો રાખવાની નાગરિકોને મનાઇ ફરમાવી શકે. કોઇ વિરોધીને ગાયબ પણ કરાવી દે અને અત્તોપત્તો ન મળે. મીડિયામાં કશું રિપોર્ટ જ ન થાય. પણ શી ઝિનપિંગ હવે પાંચ કે દસ વર્ષ ટકી જાય તો ઘરઆંગણે ચીનની પ્રજાને અને વિદેશોમાં અમેરિકા, યુરોપ, ભારત, ઓસ્ટ્રેલિયા સહિત ઘણા દેશોમાં આર્થિક અને લશ્કરી સર્વોપરિતા માટેનાં ઘર્ષણો સર્જાશે. ખાસ કરીને દેશ ગરીબ અને અર્ધશિક્ષિત હોય ત્યારે દેશની ઝડપી પ્રગતિ કરવી હોય તો શી ઝિનપિંગ અને સામ્યવાદની નીતિઓ સારી છે. પણ જે તે દેશની સિસ્ટમ અને નેતાઓ તે માટે કાયમને માટે પ્રતિબધ્ધ હોવા જોઇએ. જે ચીનમાં જોવા મળે છે.

બાકી બીજી સામ્યવાદી મહાસત્તા અને સત્તાઓએ વિનાશ અને વધુ ગરીબી પેદા કરી. અને છેવટે દેવાળું ફૂંકીને જતા રહ્યા. જેમ કે સોવિયેત સંઘ, પોલેન્ડ, કયુબા, કોલંબિયા વગેરે. સામ્યવાદીઓથી લોકશાહી દેશોને હંમેશા ડર લાગ્યો છે. અમેરિકામાં દાયકાઓથી સામ્યવાદ પર પ્રતિબંધ છે. એક નાનકડા ઉત્તર કોરિયાનો તાનાશાહ પણ અમેરિકાને ડરાવે છે. કિમ જોંગ ઉનને ચીનની ઢાલ મળે છે. ચીન અને અમેરિકા વચ્ચે તો આર્થિક સર્વોપરિતાની દોડ શરૂ થઇ છે તેમાં કોઇ અવકાશી કે અણધાર્યું વિઘ્ન ન આવે તો એકાદ દશકામાં ચીન અમેરિકાને પાછળ રાખી દેશે.
અનુ પાના 7 પર

Most Popular

To Top