uncategorized

કિષ્કિંધામાં બનશે વિશ્વની સૌથી ઊંચી હનુમાન પ્રતિમા

ગત તા.15મીને હનુમાન જયંતીના અવસરે ગુજરાતના સૌરાષ્ટ્રમાં મોરબી ખાતે હનુમાનજીની 108’ ઊંચી મૂર્તિનું પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ ઓનલાઇન લોકાર્પણ કર્યું હતું. છેલ્લા 8 વરસોમાં વિશાળ પ્રતિમાઓ અનેક જગ્યાએ પ્રસ્થાપિત થઇ ચૂકી છે. વિશ્વની સૌથી ઊંચી મનાતી સરદાર પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત દેશના વિવિધ રાજયોમાં અધધધ ઊંચાઇ ધરાવતી વિવિધ દેવી-દેવતાઓની મૂર્તિ પ્રસ્થાપિત થઇ છે તો કેટલીક બનવા માટે જેતે સ્થળોના ભૂમિપૂજન પણ થયા છે. મોરબીમાં પ્રસ્થાપિત 108’ની આ મૂર્તિ ‘હનુમાન ચારધામ પ્રોજેકટ’ના એક ભાગરૂપ છે.

ઓરલ કેર ઇન્ડસ્ટ્રીના ધનવાન અને હનુમાન ભકત માલિક નિખિલ નંદા દ્વારા દેશની ચારેય દિશામાં હનુમાન પ્રતિમા પ્રસ્થાપિત કરવાના નિર્ણય અનુસાર ઉત્તરમાં શિમલાના જાખુ હિલ ખાતે 108’ની વિશાળ પ્રતિમા પ્રસ્થાપિત કર્યા બાદ મોરબી ખાતે દ્વિતીય હનુમાન પ્રતિમાનું પ્રધાન મંત્રી દ્વારા લોકાર્પણ કરાયું. દક્ષિણમાં રામેશ્વર ખાતે સરકાર પાસેથી જમીન મેળવી ભૂમિપૂજન કરીને મૂર્તિ બનાવવાનું કાર્ય સોંપી દેવાયું છે. જે 2024 સુધીમાં તૈયાર થઇ જશે તો આ ચારધામ પ્રોજેકટ અંતર્ગત ચોથી પ્રતિમા પ.બંગાળમાં પ્રસ્થાપિત કરાશે. તેના માટે જમીન મેળવવાની કાર્યવાહી ગતિમાન કરાઇ છે. આ બધી જ પ્રતિમા 108’ ઊંચી છે. જેનો પ્રતિમા દીઠ 100 કરોડથી વધુ ખર્ચ થઇ રહ્યો છે. ધનવાન હોવું એક વાત છે પણ ધનનો યોગ્ય દિશામાં સદુપયોગ કરવો એ મોટી વાત છે. હનુમાનજી એટલા સરળ અને કૃપાળુ દેવ છે જે આંકડાની માળા અને પાવરું એક તેલ ચઢાવવાથી પ્રસન્ન રહે છે.

જો કે હનુમાન પ્રતિમાની વાત અહીં અટકતી નથી પણ શરૂ થાય છે. વિશ્વની સૌથી ઊંચી હનુમાન પ્રતિમા કર્ણાટકના કિષ્કિંધામાં બનવા જઇ રહી છે. કિષ્કિંધાનુ પંપાપુર શ્રીરામના આગમનથી પાવન બન્યું હતું તો આજે હજારો વર્ષ પછી હનુમાનજીની 215 મીટર ઊંચી પ્રતિમા થકી ફરી આ નામ લોકજીભે ફરતું થયું છે. સ્વામી ગોવિંદ આનંદ સરસ્વતીના અધ્યક્ષપદે શ્રી હનુમંત જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ રચવામાં આવ્યું છે.

આ ટ્રસ્ટ દ્વારા 1200 કરોડના ખર્ચે હનુમાનજીની પ્રતિમા પ્રસ્થાપિત કરાશે. સરકાર તરફથી મદદ લીધા વિના જ દાનમાં મળનારી રકમમાંથી મૂર્તિ બનાવાશે. અયોધ્યામાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા શ્રી રામની બનવાની છે. સરયૂ તટ પર બનનારી આ પ્રતિમા માટે સરકારે જમીન અને બજેટ ફાળવી આપ્યું છે. આ રામ પ્રતિમા 251 mt. ઊંચાઇ ધરાવતી હશે. હનુમાનજી ભગવાન શ્રીરામના ભકત હોવાથી કિષ્કિંધામાં બનનાર વિશાળ પ્રતિમા ભગવાન રામની પ્રતિમા કરતાં ઊંંચી ના બને એ બાબત ધ્યાનમાં રાખીને કિષ્કિંધામાં બનનારી હનુમાન પ્રતિમાની ઊંચાઇ 215 mt. રખાઇ છે.

જો કે હનુમાન પ્રતિમા તૈયાર થવાની અવધિ 12 વર્ષ છે જયારે તેનાથી ઘણી વ્હેલી ભગવાન રામની પ્રતિમા બની જશે એવી ધારણા છે. અયોધ્યા પાસેના ગામ માંઝા બરહટા ખાતે ફાળવાયેલી 80 હેકટર જમીનમાં પ્રસ્થાપિત થનાર આ શ્રીરામની પ્રતિમા બનાવવાનું કામ વિખ્યાત મૂર્તિકાર રામસુથારને સોંપી પણ દેવાયું છે અને કામ ચાલુ પણ કરી દેવાયું છે. પદ્મભૂષણ, પદ્મશ્રી અને ટાગોર એવોર્ડ મેળવનાર રામ સુથાર 50 થી વધુ સ્મારક પ્રતિમાઓ બનાવી ચૂકયા છે.

મુંબઇ ખાતે સ્થાપિત થનાર 137 mt. ઊંચી બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા અને 212 mt. ઊંંચી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા બનાવવાનું કામ પણ તેની પાસે ચાલુ છે. વિશ્વના 450 જેટલા શહેરોમાં તેના દ્વારા બનાવાયેલી ગાંધીજીની મૂર્તિઓ પ્રસ્થાપિત છે. શ્રીરામની 251 mt. ઊંચાઇની મૂર્તિ પ્રસ્થાપિત થશે તેની નીચે 50 મીટરનો બેઝ હશે. આ બેઝની અંદર મ્યુઝિયમ બનશે જેમાં આધુનિક ટેકનોલોજી દ્વારા દશાવતાર દર્શન કરાવાશે. આ ડિજીટલ મ્યુઝિયમ ઉપરાંત ફૂડ પ્લાઝા, લાઇબ્રેરી અને રામાયણના ચિત્રોની અદ્‌ભુત ગેલેરી પણ બનાવાશે. રામમંદિરના નિર્માણ બાદ ખૂબ ઓછા સમયમાં શ્રીરામની મૂર્તિ પ્રસ્થાપિત કરવાનું આયોજન વિચારાયું છે.

કિષ્કિંધામાં બનનાર હનુમાન પ્રતિમા વિષે થોડું વિગતે જાણીએ. હનુમાનજીનું જન્મસ્થળ અંજનીપર્વત કિષ્કિંધામાં આવેલ છે. એ આખો વિસ્તાર દંડકારણ્ય તરીકે ઓળખાતો. હનુમાનજીના જન્મસ્થળ અંજનીપર્વત પર મંદિર આવેલું છે અને ત્યાં સુધી પહોંચવા 500 પગથિયાં ચઢીને જવું પડે છે. આ પગથિયાં પણ ચઢવા કપરા છે કારણ કે પર્વતના પથ્થરોને જ કોતરીને બનાવાયેલા છે. જો કે ત્યાં સરળતાથી પહોંચવા માટે હનુમાન જન્મભૂમિ તીર્થધામ ટ્રસ્ટ ઘણું બધું લાંબુ વિચારીને આયોજન કરી રહ્યું છે.

વાલી અને સુગ્રીવનું રાજય અહીં કિષ્કિંધામાં હતું. રામ સાથે મુલાકાત પણ અહીંં થયેલી તેથી ભગવાન શ્રીરામને પણ બનનારી વિશાળ હનુમાન પ્રતિમાના હૃદયમાં સ્થાન અપાશે. રામ, લક્ષ્મણ અને સીતાજીની પ્રતિમા હનુમાનજીના હૃદયમાં બનાવાશે અને લોકો એ દર્શન કરી શકે એટલા માટે છેક સુધી પહોંચવા બે લિફટનું આયોજન કરાશે. કિષ્કિંધામાંના અંજની પર્વત પાસે બ્રહ્મ સરોવર છે. જેને ખૂબ જ પવિત્ર મનાય છે. ઉપર પર્વતો વચ્ચે આવેલા આ સરોવરમાં પાણી કયાંથી આવે છે એ હંમેશ શોધનો વિષય રહ્યો છે. આ સરોવરને પંપા સરોવર પણ કહે છે જેનો પુરાણોમાં અનેક જગ્યાએ ઉલ્લેખ જોવા મળે છે. આ સરોવરમાં સ્નાન કરવાથી આધિ-વ્યાધિથી મુક્તિ સાથે મોક્ષ મળે છે એવી લોકોમાં ધાર્મિક માન્યતા છે. સરોવરથી નજીક શબરીની ઝૂંપડી છે જયાં રામે શબરીના ચાખેલા બોર ખાધા હતા. પહાડીઓની નીચે તુંગભદ્રા નદી ખળખળ વહે છે. આ બધા સ્થળોનો રામાયણમાં ખૂબ જ ઉલ્લેખ જોવા મળે છે.

Most Popular

To Top