Business

ફુગાવા સામે ઝઝૂમી રહેલું વિશ્વ, ભારત પણ લક્ષ્યાંકથી દૂર!

વિશ્વભરના દેશોએ કોરોના કાળના લોકડાઉનથી બેસી ગયેલા અર્થતંત્રને ઉભરવા માટે લીકવીડીટી ઇનફલો તેમજ વ્યાજદરને તળિયે લઇ ગયા હતા. જેના લીધે અર્થતંત્રમાં ઝડપી રીકવરી પણ જોવા મળી હતી. બીજી તરફ, જીયો પોલીટીકલ ઇસ્યુ સહિતના કારણોના લીધે અર્થતંત્રમાં દિવસે ન વધે તેટલો રાતે ફુગાવો વધતો જોવા મળ્યો હતો આ ફુગાવાથી આજે સમગ્ર વિશ્વ ઝઝુમી રહ્યું છે, જેમાં વિશ્વના કેટલાક દેશોમાં મોંઘવારી દર એક નહિં પણ ચાર-ચાર દસકની ઉપર પહોંચી ગયો છે.

આ માજા મુકી દીધેલા ફુગાવાને કાબુમાં લેવા માટે વિશ્વભરની સેન્ટ્રલ બેન્કોએ એક પછી એક પગલાંઓ ભર્યા હતા, પરંતુ નિષ્ફળ નિવડ્યાં હતા. અંતે બ્રહ્માસ્ત્ર એવા વ્યાજદરમાં વધારો શરૂ કરી દીધો હતો. એક પછી એક વ્યાજદરમાં અવિરત વધારો કરવા છતાં ફુગાવાને કાબુમાં લાવી શક્યા નહતા, અને મોંઘવારી દર વિશ્વ માટે ચિંતાનો વિષય બની ગયો છે. પરંતુ ભારતની વાત કરીએ તો આ સ્થિતિ કંઇક જૂદી જ જોવા મળી રહી છે, વિશ્વના મોટા ભાગના વિકસીત દેશોમાં ફુગાવો ડબલ ડીજીટને વટાવી ચુક્યો છે. જ્યારે ભારતમાં ફુગાવાનો દર 7.4 ટકા જેટલો છે. જે ઉંચો છે પરંતુ હજુય વિકસીત દેશો જેવી સ્થિતિ નથી.

વિશ્વભરમાં વધતા ફુગાવાથી ચિંતિત છે અને વાર્ષિક ફુગાવાનો દર અસામાન્ય રીતે ઉંચા સ્તરે85 ટકા સુધી પહોંચી ગયો છે. ફુગાવાને કાબુમાં રાખવા માટે વિશ્વભરની સેન્ટ્રલ બેન્કો વ્યાજદરમાં અવિરત વધારો કરી રહી છે, જેમાં ભારતીય રિઝર્વ બેન્કનો પણ સમાવેશ થાય છે. અમેરિકાની ફેડરલ રિઝર્વ દ્વારા બુધવારે વ્યાજદરમાં 0.75 ટકાનો વધારો કર્યો છે. જે આ વર્ષે છઠ્ઠો વધારો હતો. તેજ સમયે, બેન્ક ઓફ ઇગ્લેન્ડ પણ વ્યાજદરમાં 2.25 ટકાથી વધારીને 3 ટકા એટલે કે 0.75 ટકા વધારો કર્યો છે. જે 33 વર્ષમાં સૌથી વધુ છે.

વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સ દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા અનુસાર, તુર્કી અને આર્જેન્ટિનામાં વિશ્વમાં સૌથી વધુ ફુગાવાનો દર છે, જ્યાં વાર્ષિક ફુગાવાનો દર 83 ટકાથી વધુ છે. તુર્કીમાં ફુગાવો 85.51 ટકા છે, જે 24 વર્ષની ઊંચી સપાટી છે. ઉચ્ચ ફુગાવો હોવા છતાં, સેન્ટ્રલ બેંક રાષ્ટ્રપતિ તૈયપ એર્દોગનના આદેશ પર તેના નીતિ દરોમાં ઘટાડો કરી રહી છે. જે એક આશ્ચર્ય સર્જી રહ્યું છે. ફુગાવાનો દર વૈશ્વિક ઉંચાઇએ હોવા છતાં વ્યાજદર વધારવાના બદલે ઘટાડી રહ્યા છે. જેનાથી ફુગાવાનો દર નવી ઉંચાઇ સર કરતું જોવા મળી રહ્યું છે.

વધતી જતી ફુગાવાના સંદર્ભમાં તુર્કી પછી આર્જેન્ટિના આવે છે, જ્યાં ફુગાવાનો દર હાલમાં 83 ટકા છે. નેધરલેન્ડમાં 14.5 ટકા છે; રશિયા 13.7 ટકા, ઇટાલી 11.9 ટકા, જર્મની 10.4 ટકા, યુકે 10.1 ટકા, યુએસ 8.2 ટકા અને દક્ષિણ આફ્રિકા 7.5 ટકા. ભારતમાં ફુગાવો પણ આરબીઆઈના અંદાજ કરતા વધારે છે હાલમાં ભારતમાં ફુગાવાનો દર 7.4 ટકા છે. તે પછી ઓસ્ટ્રેલિયા 7.3 ટકા, બ્રાઝિલ 7.1 ટકા, કેનેડા 6.9 ટકા, ફ્રાન્સ 6.2 ટકા, ઇન્ડોનેશિયા 5.9 ટકા, દક્ષિણ કોરિયા 5.6 ટકા, સાઉદી અરેબિયા 3.1 ટકા, જાપાન 3 ટકા છે. અને ચીન 2.8 ટકા.

ભારતની વાત કરીએ તો ભારતીય રિઝર્વ બેન્કના અંદાજની સરખામણીએ ઘણો ઉંચો જોવા મળી રહ્યો છે. ભારતમાં ફુગાવો છેલ્લા નવ મહિનાથી ભારતીય રિઝર્વ બેંકના 4 ટકા (+- 2 ટકા)ના લક્ષ્યાંક કરતાં સતત ઉપર રહ્યો હોવા છતાં, ભારતમાં ભાવ વધારાનો દર અન્ય મુખ્ય વૈશ્વિક અર્થતંત્રોની તુલનામાં નીચો છે. તેમાં યુએસ, યુકે, રશિયા, જર્મની, તુર્કી, દક્ષિણ આફ્રિકા અને ઇટાલીનો સમાવેશ થાય છે.

ભારત સરકાર દ્વારા ફુગાવાના દરને નિયંત્રણમાં લાવવામાં નિષ્ફળ નિવડ્યાં હોવાથી ભારતીય રિઝર્વ બેન્કની એક ખાસ બેઠક બોલાવી હતી અને આ બેઠકમાં ફુગાવાને કેવી રીતે કાબુમાં લેવાય અને હજુય સુધી પગલાં લેવા છતાં ફુગાવો કાબુમાં આવ્યો નથી તેના કારણો અંગેની બેઠક મળી હતી. આ બેઠકમાં ચર્ચા વિચારણા હાથ ધરાઇ છે અને આ અંગેનો એક વિસ્તૃત અહેવાલ પણ સરકારને મોકલવામાં આવી રહ્યો છે. આમ, વિશ્વના અન્ય દેશોની સરખામણીએ ભારતમાં ફુગાવાનો દર ઓછો છે પરંતુ હજુય લક્ષ્યાંકથી ત્રણ ટકા જેટલો ઉંચો હોવાથી તંત્ર ચિંતિત છે. જેને કાબુમાં લેવાના આવનારા દિવસોમાં કડક પગલાં ભરાય તેવું માનવામાં આવી રહ્યું છે.

Most Popular

To Top