Charchapatra

સુરતની ખરી ઓળખ

આપણું સુરત શહેર સદીઓથી એકતા અને સદ્ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. સુરતના દિલ્હી ગેટ જેવા વ્યસ્ત વિસ્તારમાં આવેલી ‘વૈરાગીની વાડી’ ની ગલીમાં જે દ્રશ્ય જોવા મળે છે, તે કદાચ આખા ભારતમાં વિરલ છે. અહીં વર્ષો જૂના પૌરાણિક મહાદેવના મંદિરની બિલકુલ બાજુમાં જ એક પવિત્ર દરગાહ આવેલી છે. આ સ્થળની સૌથી મોટી વિશેષતા એ છે કે આ ગલીમાં એક પણ મુસ્લિમ પરિવાર રહેતો નથી. આ પવિત્ર દરગાહની સારસંભાળ અને મર્યાદા જાળવવાની જવાબદારી પેઢીઓથી અહીં રહેતા સ્થાનિક ખત્રી, ગોલા અને મરાઠી પરિવારો દ્વારા ઉઠાવવામાં આવે છે.

સવારે મંદિરમાં શંખનાદ થાય અને સાંજે દરગાહ પર લોબાનનો ધૂપ અપાય, ત્યારે અહીંની હવામાં માત્ર માનવતા અને શ્રદ્ધાની સુગંધ પ્રસરે છે. આ વિસ્તારના હિંદુ પરિવારો આ દરગાહને પોતાના જ આસ્થાના કેન્દ્ર તરીકે માને છે. અહીં કોઈ ધાર્મિક વાડાબંધી નથી; હિંદુ પરિવારો દ્વારા જ દરગાહ પર ચાદર ચઢાવવામાં આવે છે અને ઉર્સના પ્રસંગોએ પણ આખું મહોલ્લું સાથે મળીને સેવા આપે છે.

ઐતિહાસિક રીતે જોઈએ તો, સુરત હંમેશા ‘બાબ-ઉલ-મક્કા’ રહ્યું છે અને અહીં વિવિધ સંસ્કૃતિઓનો સમન્વય થતો આવ્યો છે. વૈરાગીની વાડીની આ દરગાહ અને મંદિર વચ્ચે કોઈ ભૌતિક દીવાલ તો છે જ નહીં, પણ લોકોના મનમાં પણ કોઈ ભેદ નથી. જ્યારે પણ શહેરમાં કોમી તંગદિલીનો માહોલ સર્જાયો હોય, ત્યારે પણ આ વાડીમાં ક્યારેય આંચ આવી નથી, કારણ કે અહીંનો રક્ષક જ હિંદુ સમાજ છે.

આ સ્થળ આપણને શીખવે છે કે ધર્મ જોડવા માટે છે, તોડવા માટે નહીં. સુરતની નવી પેઢીએ આ વિરાસતને સમજવી જોઈએ અને ગૌરવ લેવો જોઈએ કે આપણે એવા શહેરના રહેવાસી છીએ જ્યાં ખત્રી, ગોલા અને મરાઠી ભાઈઓ દરગાહ સાચવે છે અને હિંદુ-મુસ્લિમ એક જ આંગણે પ્રાર્થના કરે છે. આ પરંપરા એ જ સુરતની સાચી ‘સુરત’ છે.
સુરત     – ડૉ. પંકજ ગાંધી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top