Gujarat

રાજ્યનું ડેરી માર્કેટ આજે 1 લાખ કરોડ પર પહોંચ્યુ : મોદી

આજે સાબરકાંઠા જિલ્લાના ગઢોડા ખાતે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા સાબર ડેરી પ્લાન્ટની નજીક રૂા. ૬૦૦ કરોડના ખર્ચે બનનાર ૩૦ મેટ્રિક ટન પ્રતિદિનની કેપેસિટીના ચીઝ પ્લાન્ટનું ખાતમુહુર્ત અને ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. જ્યારે રૂા. ૧૨૫ કરોડના ખર્ચે નિર્મિત દૈનિક ૩ લાખ લીટર કેપેસિટીના અલ્ટ્રા હાઇ ટ્રીટમેન્ટ (UHT) ટેટ્રાપેક પ્લાન્ટનું લોકાર્પણ તેમજ રૂપિયા ૩૦૫ કરોડના ખર્ચે બનેલા દૈનિક ૧૨૦ ટન કેપેસિટીના પાવડર પ્લાન્ટનું લોકાર્પણ પણ વડાપ્રધાનએ કર્યું હતું.

પીએમ મોદીએ એ સાબરકાંઠાના ગઢોડામાં સાબર ડેરી સંકુલની મુલાકાત પણ લીધી હતી. ગઢોડાખાતે પીએમ મોદીએ કહ્યું હતું કે રાજ્ય-રાષ્ટ્રના વિકાસમાં ડેરી વ્યવસાયનું અનેરૂ મહત્વ છે. ગુજરાત સહકારીતા-સંસ્કારના સમન્વયનું શ્રેષ્ઠ પ્રતિક છે. ગુજરાત સહકારી પ્રવૃત્તિમાં અગ્રેસર રહ્યું છે. રાજ્યનું ડેરી માર્કેટ આજે 1 લાખ કરોડ પર પહોંચ્યુ છે તે આવકારદાયક છે. સાથે સાથે ડેરી વ્યવસાયમાં મહિલાઓની ભાગીદારી વધી છે. તત્કાલિન સમયે દૂઘ ભરાવવા નાંણા સીધા મહિલાઓને મળે તેવો નિર્ણય કર્યો હતો તેનો સીધો લાભ મહિલાઓને મળ્યો છે અને મહિલાઓનું સશક્તિકરણ વધ્યું છે. પીએમ મોદીની સાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ સાથે રહ્યાં હતાં.

મોદીએ સાબર ડેરીના વિવિધ બહુહેતુક પ્લાન્ટ્સના લોકાર્પણ અને ખાતમહૂર્ત પ્રસંગે ખેડૂતો-પશુપાલકોને સંબોધન કરતા હતું કે, કરોડો રૂપિયાના પ્રોજેક્ટ આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી નિર્માણ પામનારા પ્રકલ્પોના કારણે સાબર ડેરીની ક્ષમતા અનેક ગણી વધશે. એટલું જ નહી ડેરીનું સામર્થ્ય વધારવામાં ઉપયોગી થશે અને સાથે સાથે ડેરી સાથે સંકળાયેલા પશુપાલકોના જીવનમાં પ્રકાશ પથરાશે. ડેરીના સ્થાપક સ્વ. ભૂરાભાઇ પટેલે વર્ષો પહેલા સેવેલું સ્વપ્ન આજે લાખો ખેડૂતોના જીવનમાં બદલાવનો પથ બન્યો છે.

સાબરકાંઠા જિલ્લામાં કરેલા પરિભ્રમણનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું હતું કે, સાબરકાંઠાના સંસ્મરણો આજે પણ યથાવત છે. જિલ્લાના અગ્રણીઓ-સાથીઓ સાથેના સંસ્મરણોને તેમણે યાદ કરતા મોદીએ કહ્યું હતું કે, બે દશક પહેલાં અહીંની સ્થિતિ અલગ હતી પરંતુ એ સ્થિતિમાં બદલાવ લાવવાનો સંકલ્પ કર્યો હતો અને આજે ખેતી-પશુપાલનની પ્રવૃતિને વ્યાપક બનાવી અને ડેરીએ આ વ્યવસ્થાને વધુ પ્રગતિદાયક અને મજબૂત બનાવી તે આનંદની વાત છે.

મોદીએ જણાવ્યું હતું કે, ગુજરાત દેશનું એવું રાજ્ય છે જ્યાં પશુધન માટે હેલ્થકાર્ડ, પશુ આરોગ્ય મેળા યોજયા હતા અને પશુઓના મોતિયાના ઓપરેશનની સુવિધાઓ પણ કરી હતી. આ અભિયાન આજે પણ કાર્યરત છે. પશુઓના પેટના ઓપરેશન દરમ્યાન ૧૦-૧૫ કિલો પ્લાસ્ટિક નીકળતું હતું એટલે જ પ્લાસ્ટિક પર પ્રતિબંધની ઝુંબેશ પણ ચલાવી હતી.
મોદીએ કહ્યું કે, આજે ડેરીની મહિલા પશુપાલકો સાથે થયેલી વાતચીત દરમિયાન જાણ્યું કે જિલ્લાની મહિલાઓ દૂધ ઉત્પાદનમાં ખૂબ સક્રિય છે. પશુધનની માવજતમાં માહિર મહિલાઓ પશુધનના આરોગ્યની જાળવણીમાં આયુર્વેદિક દવાઓનો ઉપયોગ કરે છે તે ખૂબ આવકારદાયક છે.

રાજ્ય-રાષ્ટ્રના વિકાસમાં વીજળીની મહત્તાનો ઉલ્લેખ કરી તેમણે કહ્યું કે, રાજ્યમાં 24 કલાક વીજળી આપતી જ્યોતિ ગ્રામ યોજનાના પગલે રાજ્યના લોકોના જીવનમાં બદલાવ પણ આવ્યો છે. સાથે સાથે ગામડામાં મિલ્ક ચીલિંગ પ્લાન્ટ કાર્યાન્વિત થયા. તેના પગલે ગામડાઓ અને પશુપાલકોના જીવનમાં મોટો અને પરિણામલક્ષી બદલાવ આવ્યો છે.
મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં આજે 10 હજાર કિસાન ઉત્પાદક સંઘના નિર્માણનું કામ ચાલું છે. તેના પગલે વેલ્યુ એડેડ સપ્લાય ચેન સાથે ખેડૂતો સીધા જોડાશે. જેનાથી કિસાનોની આવક વધારવા પ્રયાસ કર્યો છે.

ગુજરાત સહિત દેશમાં કિસાનોની આવક વધી છે અને પશુપાલન તથા મત્સ્ય ઉત્પાદન પણ વધ્યું છે. ભૂમિહીન ખેડૂતોની આવકમાં પણ સૌથી વધુ વૃદ્ધિ થઇ છે. એટલું જ નહીં, ખાદી-ગ્રામોદ્યોગનું ટર્ન ઓવર રૂપિયા 1 લાખ કરોડથી વધુ છે તેના લીધે ગામડાઓમાં દોઢ કરોડ લોકોને રોજગારી મળી છે. કેન્દ્ર સરકારે છેલ્લા 2 વર્ષમાં 3 કરોડથી વધુ ખેડૂતોને કિસાન ક્રેડિક કાર્ડ આપ્યાનો ઉલ્લેખ કરી મોદીએ કહ્યું હતું કે, ખેતીની લાગત ઘટાડવા પણ સરકાર કાર્યરત છે. કેન્દ્ર સરકારે નેનો ફર્ટિલાઇઝરની દિશામાં કામ હાથ ઘર્યું છે અને સાથે-સાથે કૃષિ માટે જરૂરી ખાતર ઉપલબ્ધ કરવા કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે.

ખેતીમાં ખાતર તરીકે વપરાતા યુરિયાનો ભાવ વધ્યો છે પરંતુ તેનું ભારણ ખેડૂતો ઉપર આવવા દીધુ નથી. સરકાર રૂપિયા 3500 ભાવે યુરિયા ખરીદીને ખેડૂતોને માત્ર રૂપિયા 300માં આપે છે. આજ રીતે ડી.એ.પી પ્રતિ ૫૦ કિલોએ રૂપિયાનો 2500નો બોજ સરકાર ઉઠાવે છે. તેનો લાભ ગુજરાતના ખેડૂતોને પણ મળે છે.અરવલ્લી જિલ્લાના ખેડૂતોને અભિનંદન આપતા મોદીએ કહ્યુ હતું કે, આ જિલ્લાના ખેડૂતોએ ટપક સિંચાઇથી ખેતીને પ્રાધાન્ય આપ્યું છે તે આનંદની વાત છે. સાબરકાંઠા જિલ્લામાં પણ દરેક વિસ્તારમાં પાણી પહોચ્યું છે. શહેરોમાં હર ઘર જલ અભિયાન અંતર્ગત પાણી અપાય છે.


વિકાસના પાયામાં કનેક્ટિવિટી અને માળખા ગત સુવિધાઓની ભૂમિકાનો ઉલ્લેખ કરી મોદીએ કહ્યું હતું કે, સાબરકાંઠા અને આસપાસના વિસ્તારના કનેક્ટિવિટીનું વિસ્તૃત માળખું ઊભું કરાયું છે અને તેને પગલે રોજગારી અને પ્રવાસન વધ્યા છે. ફોર લેન રોડ મારફતે શામળાજી દક્ષિણ ગુજરાત – મધ્ય ગુજરાત સાથે જોડાઇ જશે. હિંમતનગર-ખેડબ્રહ્મા બ્રોડગેજ રેલવે લાઇનનું કામ ઝડપી ચાલી રહ્યું છે. હિંમતનગરથી અંબાજી ફોર લેન રસ્તો મુસાફરી માટે વધુ ઉપયોગી બન્યો છે.

તો 1300 કરોડના ખર્ચે અમદાવાદ શામળાજીનો 6 માર્ગીય રસ્તો પણ વિકાસની ઘરોહર બનશે એવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.વડાપ્રધાવને કહ્યું હતું કે, દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે ત્યારે સાબરકાંઠાની પાલદઢવાવની ઘટનાને પણ 100 વર્ષ થયા છે. મોતીલાલ તેજાવતના નેતૃત્વમાં તે સમયે આદિવાસી સમાજના યોદ્ધાઓએ અંગ્રેજોના પાયા હચમચાવી નાખ્યાં હતાં. એ સમયે અંગ્રેજોએ કરેલા હત્યાકાંડને આઝાદી પછી ભૂલાવવાનો પ્રયાસ થયો પરંતુ આદિવાસી સમાજના સ્વાતંત્રવીરોએ આપેલા યોગદાનને અમારી સરકારે ઉજાગર કર્યું.

આઝાદીના આ મહત્વપૂર્ણ પડાવ પર અનુસુચિત જનજાતિના દ્રોપદી મુર્મુ રાષ્ટ્રપતિ જેવા સર્વોચ્ચ પદે બિરાજમાન થયા છે એ ભારત માટે ગૌરવની ઘડી છે. અમારી સરકારે 15 નવેમ્બરને ભગવાન બિરસામૂંડાના જન્મદિને જનજાતિ ગૌરવ દિવસ તરીકે જાહેર કર્યો છે એટલું જ નહીં, મારી સરકાર દેશભરમાં આદિવાસી સ્વતંત્રતા સગ્રામ સેનાનીઓની યાદમાં એક વિશેષ સંગ્રહાલય ઉભું કરવા જઇ રહી છે એમ તેમણે ઉમેર્યું હતું.

સાબરકાંઠાની ભૂમિ પરથી પીએમ મોદીએ આહ્વવાન કરતા જણાવ્યું હતું કે, આગામી સમયમાં હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવા સાબરકાંઠા- અરવલ્લી ઉપરાંત સમગ્ર રાજ્ય અગ્રેસર ભૂમિકા ભજવે ‘ એક ભારત શ્રેષ્ઠ ભારતનો’ સંકલ્પ સાકાર કરે. મોદી આજે સાબરકાંઠાથી ચેન્નાઈ જવા રવાના થયા હતા. તે પછી આવતીકાલે બપોરે તેઓ ફરીથી ગિફ્ટ સિટીની મુલાકાતે આવશે.
….

Most Popular

To Top