Top News Main

100 દિવસથી વધુ સમય બાદ ખામેનેઈને અંતિમ વિદાય: 9 જુલાઈએ મશહદમાં થશે દફનવિધિ, ઈરાને જાહેર કર્યો ભવ્ય કાર્યક્રમ

ઈરાનના પૂર્વ સર્વોચ્ચ નેતા Ali Khameneiના અંતિમ સંસ્કારને લઈને લાંબા સમયથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. ઈરાનની સત્તાવાર મીડિયા રિપોર્ટ્સ અનુસાર ખામેનેઈના અંતિમ સંસ્કારનો કાર્યક્રમ આગામી 4 જુલાઈથી શરૂ થશે અને 9 જુલાઈએ તેમના વતન અને પવિત્ર શહેર મશહદમાં દફન વિધિ સાથે પૂર્ણ થશે. ખામેનેઈના નિધન બાદ 100 દિવસથી વધુ સમય સુધી તેમની દફનવિધિ ન થવાથી આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક સવાલો ઉભા થયા હતા.

અહેવાલો મુજબ ખામેનેઈનું નિધન 28 ફેબ્રુઆરી, 2026ના રોજ થયેલા હુમલામાં થયું હતું. ત્યાર બાદ ઈરાનમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ અને સુરક્ષા ચિંતાઓને કારણે અંતિમ સંસ્કાર વારંવાર મુલતવી રાખવામાં આવ્યા હતા. જો કે હવે પરિસ્થિતિમાં સુધારો થતાં ઈરાન સરકારે સત્તાવાર રીતે કાર્યક્રમ જાહેર કર્યો છે. મહત્વ નું છે કે અંતિમ સંસ્કારની શરૂઆત 4 જુલાઈએ રાજધાની તેહરાનમાં થશે. અહીં હજારો નહીં પરંતુ લાખો લોકો ખામેનેઈને શ્રદ્ધાંજલિ આપવા પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અનેક ધાર્મિક અને રાજકીય આગેવાનો પણ કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ 7 જુલાઈએ પવિત્ર શહેર કુમમાં વિશેષ ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવશે.

કાર્યક્રમનો સૌથી મહત્વપૂર્ણ તબક્કો 9 જુલાઈએ મશહદમાં યોજાશે, જ્યાં ખામેનેઈને દફનાવવામાં આવશે. મશહદ ઈરાનનું એક મહત્વપૂર્ણ ધાર્મિક કેન્દ્ર માનવામાં આવે છે અને અહીં આવેલું Imam Reza Shrine શિયા મુસ્લિમો માટે અત્યંત પવિત્ર સ્થળ છે. ખામેનેઈનો જન્મ મશહદમાં થયો હતો અને તેમના પિતાની કબર પણ અહીં આવેલી હોવાનું જણાવવામાં આવે છે. ઈસ્લામિક પરંપરા મુજબ સામાન્ય રીતે મૃત્યુ બાદ 24 કલાકની અંદર દફનવિધિ કરવામાં આવે છે.યુદ્ધ, સુરક્ષા જોખમો અને વિશેષ પરિસ્થિતિઓમાં અપવાદો માન્ય હોય છે. ખામેનેઈના કેસમાં પણ યુદ્ધકાળની સ્થિતિ અને મોટા પાયે આયોજનને કારણે અંતિમ સંસ્કારને લાંબા સમય સુધી મુલતવી રાખવામાં આવ્યા હતા.

ખામેનેઈ લગભગ 36 વર્ષ સુધી ઈરાનના સર્વોચ્ચ નેતા તરીકે કાર્યરત રહ્યા હતા. તેમના કાર્યકાળ દરમિયાન ઈરાને મધ્યપૂર્વમાં પોતાનો પ્રભાવ નોંધપાત્ર રીતે વધાર્યો હતો. તેઓ અમેરિકાની નીતિઓના કટ્ટર વિરોધી તરીકે જાણીતા હતા અને ઈરાનના રાજકીય તથા ધાર્મિક માળખામાં તેમનું વિશેષ સ્થાન હતું. ખામેનેઈના નિધન બાદ સત્તા પરિવર્તન પણ ચર્ચાનો વિષય બન્યું હતું. અહેવાલો અનુસાર તેમના પુત્ર Mojtaba Khameneiને નવા સર્વોચ્ચ નેતા તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. આ પરિવર્તન ઈરાનના રાજકીય ભવિષ્ય માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

વિશ્લેષકોનું માનવું છે કે ખામેનેઈના અંતિમ સંસ્કાર માત્ર ધાર્મિક વિધિ નહીં પરંતુ એક મોટું રાજકીય પ્રદર્શન પણ સાબિત થશે. ઈરાન સરકાર કાર્યક્રમ દ્વારા દેશની એકતા, સ્થિરતા અને સત્તાની સતતતા દર્શાવવાનો પ્રયાસ કરશે. લાખો લોકોની હાજરી વચ્ચે યોજાનાર આ કાર્યક્રમ પર સમગ્ર વિશ્વની નજર રહેશે.ખામેનેઈના દફનવિધિ કાર્યક્રમની જાહેરાત એવા સમયે થઈ છે જ્યારે ઈરાન અને અમેરિકા વચ્ચે શાંતિ કરાર અંગે પણ ચર્ચાઓ ચાલી રહી છે. આથી આગામી અઠવાડિયામાં મધ્યપૂર્વની રાજનીતિમાં મહત્વપૂર્ણ ફેરફારો જોવા મળી શકે છે.

Most Popular

To Top