અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે ચાલી રહેલી વાટાઘાટોને લઈને મોટું નિવેદન આપતા દાવો કર્યો છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે લાંબા સમયથી અપેક્ષિત કરાર આજે થઈ શકે છે. ટ્રમ્પના જણાવ્યા મુજબ, આ કરાર પર હસ્તાક્ષર થતાં જ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ વેપારી સમુદ્રી માર્ગોમાંથી એક એવા હોર્મુઝ જળમાર્ગને તમામ દેશો માટે ખુલ્લો મૂકવામાં આવશે.
ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને જણાવ્યું કે કરાર પૂર્ણ થવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે અને તેની જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે. તેમણે કહ્યું કે આ સમજૂતીનો મુખ્ય હેતુ ઈરાનને ભવિષ્યમાં કોઈપણ પ્રકારના પરમાણુ હથિયારો મેળવવાથી અથવા વિકસાવવાથી રોકવાનો છે. આ સમગ્ર ઘટનાક્રમમાં હોર્મુઝ જળમાર્ગનું વિશેષ મહત્વ છે. વિશ્વના મોટા પ્રમાણમાં કાચા તેલ અને ગેસની હેરફેર આ જળમાર્ગ મારફતે થાય છે. છેલ્લા કેટલાક મહિનાઓથી વિસ્તારમાં તણાવ અને સૈન્ય ગતિવિધિઓને કારણે વૈશ્વિક બજારોમાં ચિંતા વધી હતી. જો આ માર્ગ સંપૂર્ણપણે ખુલ્લો મુકાય તો આંતરરાષ્ટ્રીય વેપાર અને ઊર્જા બજારોને મોટી રાહત મળી શકે છે.
ટ્રમ્પે દાવો કર્યો કે ઈરાન હવે પરમાણુ હથિયારો મેળવવા માંગતું નથી અને આ કરાર તે દિશામાં મજબૂત સુરક્ષા કવચ સાબિત થશે. તેમણે પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાના ઈરાન પરમાણુ કરારની ટીકા કરતાં કહ્યું કે નવી સમજૂતી અગાઉના કરારથી સંપૂર્ણપણે અલગ છે અને તે ઈરાનને પરમાણુ ક્ષમતા તરફ જવા નહીં દે. જોકે અમેરિકી પક્ષ તરફથી આશાવાદી સંકેતો મળી રહ્યા છે, ઈરાને હજુ સુધી કરારની સમયસીમા અંગે સ્પષ્ટ પુષ્ટિ કરી નથી. જો કે ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું છે કે રવિવારે હસ્તાક્ષર થવાની વાત નિશ્ચિત નથી અને હજુ કેટલીક પ્રક્રિયાઓ બાકી છે. તેમ છતાં તેમણે આગામી દિવસોમાં કોઈ સમજૂતી થઈ શકે તેવી શક્યતા નકારી નથી.
અહેવાલો અનુસાર, સંભવિત કરારમાં હોર્મુઝ જળમાર્ગને ફરીથી સંપૂર્ણ રીતે કાર્યરત બનાવવો, ક્ષેત્રમાં શાંતિ જાળવવી, પ્રતિબંધોમાં આંશિક રાહત અને ભવિષ્યમાં પરમાણુ કાર્યક્રમ અંગે અલગથી ચર્ચા શરૂ કરવાનો સમાવેશ થઈ શકે છે. કેટલાક આંતરરાષ્ટ્રીય મધ્યસ્થ દેશો પણ આ પ્રક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે પણ દાવો કર્યો છે કે અમેરિકા અને ઈરાન વચ્ચેનો કરાર આગામી 24 કલાકમાં અંતિમ સ્વરૂપ ધારણ કરી શકે છે. તેમણે જણાવ્યું કે શાંતિ પ્રક્રિયા માટે બંને પક્ષો વચ્ચે સતત સંપર્ક ચાલી રહ્યો છે અને ટેકનિકલ સ્તરની બેઠકો પણ યોજાવાની છે.
આ સમગ્ર ઘટનાક્રમ પર વિશ્વની નજર ટકેલી છે. જો કરાર સફળતાપૂર્વક થાય છે તો મધ્યપૂર્વમાં છેલ્લા ઘણા મહિનાઓથી ચાલતા તણાવમાં ઘટાડો થઈ શકે છે. સાથે જ વૈશ્વિક તેલ બજારમાં સ્થિરતા આવવાની શિપિંગ ઉદ્યોગને રાહત મળવાની શક્યતા છે. હાલ માટે સૌથી મોટો સવાલ એ છે કે ટ્રમ્પના દાવા મુજબ આજે ખરેખર ઐતિહાસિક કરાર થાય છે કે પછી ઈરાનના વલણ પ્રમાણે હજુ થોડો સમય લાગી શકે છે. જોકે એક વાત નિશ્ચિત છે કે અમેરિકા-ઈરાન સંબંધોમાં આ ક્ષણ અત્યંત મહત્વપૂર્ણ બની રહી છે અને તેના પરિણામો સમગ્ર વિશ્વની રાજનીતિ તથા અર્થવ્યવસ્થા પર અસર કરી શકે છે.