Comments

મહેનત પર ભરોસો

એક ૧૮ વર્ષની યુવતી બીમાર માતાની દવા લેવા માટે, ઘરે બનાવેલા નાસ્તાના પેકેટ વેચવા નીકળી; ગલી ગલીમાં નાસ્તાના પેકેટ વેચવા માટે તે ફરી રહી હતી પણ કોઈ તેનો નાસ્તો ખરીદતું ન હતું.એકદમ નિરાશ થઈને આંખોમાં આંસુ સાથે વિચારી રહી હતી કે ઘરમાં જે હતું તેમાંથી મેં નાસ્તો બનાવ્યો પણ આ નાસ્તાના પેકેટ તો વેચાયાં નહિ હવે શું કરીશ? મમ્મીને શું ખવડાવીશ અને તેની દવા કેવી રીતે લઈશ? રડતી રડતી ઘર તરફ જઈ રહી હતી.  રસ્તામાં સામેથી એક સારા ઘરની દેખાતી સ્ત્રી તેને મળી અને પૂછ્યું, ‘કેમ રડે છે?’ છોકરીએ રડતાં રડતાં બધી વાત કરી દીધી.

તે સ્ત્રીએ કહ્યું, ‘લે આ ૨૦૦૦ રૂપિયા અને બધો નાસ્તો મને આપી દે.’ આ સાંભળી છોકરીને પોતાના કાન પર વિશ્વાસ ન બેઠો. તેણે પૂછ્યું, ‘બધાં પેકેટ આપી દઉં.પણ તેની કિંમત તો ૧૫૦૦ રૂપિયા જ છે.અને મારી પાસે કોઈ પૈસા નથી તમને આપવા માટે હું હમણાં છુટ્ટા કરાવીને આવું.’ પેલી સ્ત્રીએ કહ્યું, ‘ના ના કોઈ જરૂર નથી, તું ૨૦૦૦ રૂપિયા રાખ અને બધો નાસ્તો મને આપી દે.’ છોકરીએ બધાં પેકેટ સાથેની થેલી તેને આપી દીધી અને હાથમાં ૨૦૦૦ રૂપિયા લઈને કરિયાણાની દુકાને ગઈ અને કહ્યું, ‘મારા બાકી નીકળતા ૬૦૦ રૂપિયા લઇ લો ,૪૦૦ રૂપિયાનો સામાન આપો અને ૧૦૦૦ રૂપિયા છુટ્ટા આપો, જેથી હું મમ્મીની દવા લઇ આવું.’

કરિયાણાવાળાએ પૂછ્યું, ‘આ પૈસા તને કોણે આપ્યા?’ છોકરીએ બધી વાત કરી કે મેં ઘરમાં જે હતું તેમાંથી નાસ્તા બનાવ્યા …પહેલાં તો કંઈ વેચાયું નહિ, પણ એક દયાળુ સ્ત્રીએ ૧૫૦૦ રૂપિયાનાં પેકેટના મને ૨૦૦૦ રૂપિયા આપ્યા.’ કરિયાણાવાળાએ ૨૦૦૦ ની નોટ આગળ પાછળ અને ઉપર નીચે કરીને જોઈ અને પછી કહ્યું, ‘આ નોટ તો ખોટી છે..હું નહિ લઉં..’ છોકરીની આંખોમાં આંસુ આવી ગયા.કરિયાણાની દુકાનના ગલ્લા પર ૭૦ વર્ષના દાદા બેઠા હતા.તેઓ આ બધી વાત સાંભળી રહ્યા હતા.તેમણે પોતાના માણસને કહ્યું, ‘ભાઈ, બતાવ મને ૨૦૦૦ ની નોટ..’ માણસે દાદાને નોટ આપી દાદાએ નોટ ઉપર નીચે જોઈ અને કહ્યું, ‘અરે ભાઈ તને ખબર નથી પડતી, આ નોટ સાચી જ છે…લે દીકરા, આ તારા ૧૦૦૦ રૂપિયા જ દવા લઇ આવ.ત્યાં સુધી તારો માલ તૈયાર રખાવું છું.’

છોકરી આંસુ લૂછતી ખુશ થઈ; પૈસા લઈને દવા લેવા દોડી ગઈ.માણસે કહ્યું, ‘દાદા ૨૦૦૦ ની નોટ ખોટી જ છે.તમે શું કામ તેને પૈસા અને માલ આપો છો?’ દાદા બોલ્યા, ‘ભાઈ, તારી ભૂલ નથી, આ નોટ ખોટી જ છે પણ તેણે જરૂરિયાતમાં કોઈ પાસે હાથ લાંબો કરવાને બદલે મહેનત કરી અને કોઈએ નાદાન છોકરીને છેતરી પણ તેનો મહેનત પર ભરોસો ટકી રહે તે માટે મેં આ ખોટી નોટને સાચી કહી સ્વીકારી છે.’ અનુભવી દાદાએ છોકરીની મહેનત પર ભરોસો તૂટવા ન દીધો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top