Comments

સંસદનું વિશેષ સત્ર એજન્ડા જેટલું દર્શાવે છે તેનાથી વધુ છુપાવે છે

કેન્દ્ર સરકારે નિયમિત ચોમાસું સત્રના માંડ એક મહિના પછી અચાનક બોલાવેલા સંસદના વિશેષ સત્ર માટે એજન્ડા જાહેર કર્યો ન હોવા છતાં આ પગલા પાછળના ચોક્કસ હેતુ વિશે અનુત્તરિત પ્રશ્નો રાષ્ટ્રને પરેશાન કરે છે. શું સરકાર દ્વારા જાહેર કરાયેલ મર્યાદિત એજન્ડાના સ્વરૂપમાં જે દેખાય છે તેના કરતાં વધુ કંઈક છે? શું સરકાર પાસે છેલ્લી ક્ષણે પ્રગટ કરવા માટે વધુ કંઈક છે? શું વિશેષ સત્ર બોલાવવાનો અર્થ વહેલા સામાન્ય ચૂંટણી કરાવવાની છે? કે પછી આ સળગતા મુદ્દાઓ પરથી દેશનું ધ્યાન હટાવવાનું એક ષડયંત્ર છે?

મહત્ત્વની વાત એ છે કે, જી20 સમિટ પછી જ બોલાવવામાં આવેલા વિશેષ સત્રનો ઉદ્દેશ્ય સંસદીય મંચ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતા કાર્યક્રમને વધુ પ્રસિદ્ધિ આપવાનો પ્રસંગ ઊભો કરવાનો છે? આ અને બીજા અનેક સવાલો દેશવાસીઓના મનમાં ઉદ્ભવ્યા છે. આતુરતા સ્વાભાવિક છે. કારણ કે, એ સમજી લેવામાં મન અસ્વસ્થતા અનુભવે છે કે, છેલ્લા એક મહિના દરમિયાન એવું તે શું થયું કે એક વિશેષ સત્રની આવશ્યકતા ઊભી થઈ. ઉપરોક્ત મુદ્દાઓ સિવાય અન્ય જે પ્રશ્નો ઊભા થયા છે.

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ એજન્ડામાં એ નિયમિત બિલોની જાહેરાત કરવામાં આવી છે જેને તે પસાર થવા માંગે છે. શું આ બિલો પસાર કરવા માટે આ સમગ્ર કવાયત શરૂ કરવામાં આવી છે? શું તેઓ શિયાળુ સત્રની રાહ જોઈ શકતા ન હતા? તે ફરીથી ચોંકાવનારું છે. કારણ કે, સરકારનો એજન્ડા ન તો વિશ્વાસપાત્ર છે કે ન તો સંસદના વિશેષ સત્રની ફરજ પાડવા માટે કોઈ અસામાન્ય પરિસ્થિતિનું પ્રદર્શન કરે છે. તાજેતરમાં પૂરા થયેલા ચોમાસુ સત્ર દરમિયાન લોકસભામાં માત્ર 20 અને રાજ્યસભામાં માંડ પાંચ બિલ રજૂ કરવામાં આવ્યાં હતાં. સત્તાવાર રેકોર્ડ દર્શાવે છે કે, લોકસભામાં 22 અને રાજ્યસભામાં 25 બિલ પાસ થયાં છે.

સરકારે વિશેષ સત્ર દરમિયાન જે બિલો રજૂ કરવાની જાહેરાત કરી છે તેમાંથી તેવા કોઈપણ ખરડો વિશેષ સત્રની આવશ્યકતા દર્શાવતો નથી. એજન્ડામાં ટોચ પર સંસદની 75 વર્ષની સફર પર વિશેષ ચર્ચા છે, જે સંવિધાન સભાથી શરૂ થઈ હતી. જેને પાંચ દિવસીય સત્રના પ્રથમ દિવસે લેવામાં આવનાર છે. આને ચોમાસા સત્રમાં ઉઠાવી શકાયું હોત. જો નહીં, તો શિયાળુ સત્રમાં જ. શાસક સરકારના રાજકીય એજન્ડાને અનુરૂપ સૌથી મહત્ત્વપૂર્ણ ખરડો મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોની નિમણૂકથી સંબંધિત છે. આ બિલ રાજ્યસભામાં ગયા સત્ર દરમિયાન રજૂ કરવામાં આવ્યું હતું અને વિશેષ સત્રમાં પસાર થવાની શક્યતા છે. 2024ની સામાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સત્તાધારી ભાજપ માટે તેના રાજકીય મહત્ત્વ ઉપરાંત, આ આપાતકાલીન રીતે વ્યવહાર કરવા માટે પ્રાધાન્યનો મુદ્દો નથી.

આ બિલ ચૂંટણી સમિતિમાં ટોચના અધિકારીઓની પસંદગી માટે ઉચ્ચ સત્તા ધરાવતી સમિતિની રચનામાં ફેરફાર કરવા માંગે છે. જેથી સરકાર પસંદગી સમિતિમાંથી ભારતના મુખ્ય ન્યાયાધીશનું નામ હટાવીને મજબૂત પકડ મેળવી શકે. મતદાનની મોસમમાં આ બિલ લાવવાની આતુરતા સ્વયં સ્પષ્ટ છે. લોકસભા માટે અન્ય લિસ્ટેડ કાર્યોમાં ‘ધ એડવોકેટ્સ (એમેન્ડમેન્ટ) બિલ, 2023’ અને ‘ધ પ્રેસ રજિસ્ટ્રેશન ઑફ પીરિયોડિકલ બિલ, 2023નો સમાવેશ થાય છે, જે રાજ્યસભા દ્વારા 3 ઑગસ્ટ, 2023ના રોજ પસાર થઈ ચૂક્યું છે. આ ઉપરાંત, એજન્ડામાં ‘ધ પોસ્ટ  ઓફિસ બિલ, 2023નો ઉલ્લેખ પણ જોવા મળે છે. આ બિલ અગાઉ 10 ઓગસ્ટ, 2023ના રોજ રાજ્યસભામાં પણ રજૂ કરવામાં આવ્યું હતું.

શું આ બધા માટે સંસદના વિશેષ સત્રની જરૂર છે? અથવા ખરેખર એવું કંઈક છે જે સરકાર છેલ્લી ક્ષણે આશ્ચર્યચકિત કરવા ઇચ્છે છે?  વર્તમાન સરકાર દ્વારા ભૂતકાળનું છેલ્લી ઘડીના આશ્ચર્યનું ઝળહળતું ઉદાહરણ છે. તત્કાલીન જમ્મુ અને કાશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370ને આંશિક રીતે રદ કરવા માટેનો વિવાદાસ્પદ બિલ રાજ્યસભામાં કોઈ પણ સૂચના વગર રજૂ કરવામાં આવ્યો હતો અને અવાજ મત દ્વારા યોગ્ય ચર્ચા વિના પસાર કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં વિપક્ષી દળોની બૂમો ઊઠે તે સ્વાભાવિક છે.

ત્રણ ક્ષેત્રો કે જ્યાં સરકાર સંબંધિત બિલ લાવીને આશ્ચર્યચકિત કરી શકે છે તે ‘એક રાષ્ટ્ર એક ચૂંટણી’, ‘સમાન નાગરિક સંહિતા’ અને ‘મહિલા આરક્ષણ’ પર વિશેષ બિલો હોઈ શકે છે. ફરીથી, આ મુદ્દાઓ શાસક વ્યવસ્થાના રાજકીય એજન્ડા અને યોગ્યતામાં સંપૂર્ણપણે ફિટ છે. અને ઉપર જણાવ્યા મુજબ ચોથું, વહેલી લોકસભા-ચૂંટણીઓ કરાવવાની જરૂર હોઈ શકે. વિપક્ષી વર્તુળોના આગ્રહ બાદ સરકારે આખરે એજન્ડાને સૂચિત કરવાની અને સત્રના એક દિવસ પહેલા સર્વપક્ષીય બેઠક યોજવાની જાહેરાત કરી. આ સત્ર માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવા માટે એક આયોજિત ચાલ કરતાં આ એક ધાર્મિક વિધિને પરિપૂર્ણ કરવાનું વધુ હતું.

આનાથી કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે એવો દાવો કરવા માટે એક બહાનું મળી ગયું કે, પક્ષના પીઢ નેતા સોનિયા ગાંધી દ્વારા વડા પ્રધાનને આ સંદર્ભમાં લખેલા પત્ર દ્વારા દબાણ કરવામાં આવ્યા પછી આ વિકાસ થયો છે. રમેશે કહ્યું કે, ‘’સરકારે સંસદના વિશેષ 5-દિવસીય સત્ર માટેના એજન્ડાની જાહેરાત કરવા માટે સંકોચ કર્યો છે. આ ક્ષણે જે એજન્ડા પ્રકાશિત કરવામાં આવ્યો છે તેમાં એવું કંઈપણ નથી. કારણ કે, આ બધું નવેમ્બરમાં શિયાળુ સત્ર સુધી રાહ જોઈ શકાઈ એવું છે. મને ખાતરી છે કે, હંમેશની જેમ વિધાનસભાના ગ્રેનેડ છેલ્લી ક્ષણે ફૂટવા માટે તૈયાર છે. પરદે કે પીછે કુછ ઔર હૈ!’’

કોંગ્રેસના અન્ય નેતા કે સી વેણુગોપાલે કેન્દ્રના ઇરાદા પર સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે, ‘’જાહેર કરાયેલ એજન્ડામાં સોનિયા ગાંધી દ્વારા તેમના પત્રમાં ઉઠાવવામાં આવેલા જાહેર મહત્ત્વના એક પણ મુદ્દાની વાત નથી. તેના બદલે તેઓએ હેડલાઇન મેનેજમેન્ટ પસંદ કર્યું છે.’’ સૌથી વધુ આશ્ચર્યજનક બાબત એ છે કે, સંસદીય બાબતોના પ્રધાન જોશીનો વિશેષ સત્ર બોલાવવાનો તર્ક- ગઈ 31 ઓગસ્ટના રોજની જાહેરાત કરી હતી. જોશીએ કહ્યું હતું કે, ‘’અમૃત કાલની વચ્ચે સંસદમાં ફળદાયી ચર્ચાઓ અને દલીલો થવાની આશા છે.’’

રસપ્રદ વાત એ છે કે, આખા ચોમાસા સત્ર દરમિયાન શાસક અને વિપક્ષ વચ્ચે હોબાળો થતો રહ્યો હતો. સરકાર તરફથી કોઈ પ્રયાસો કરાયા ન હતા, મુખ્યત્વે શાસક પક્ષની ફરજ છે કે તે આ બાબતે પહેલ કરે, યોગ્ય વાતાવરણ ઊભું કરે અને વિપક્ષો સાથે એક આમ સહમતિ બનાવે. એવું કહેવું કે, અમૃત કાલ દરમિયાન ફળદાયી ચર્ચા કરવા માટે વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે તો તે  એક ખામીયુક્ત દલીલ છે. આ પ્રકારની ચર્ચાઓ અને દલીલોને સમર્થન આપવા માટે અમૃત કાલ હમણાં કે 18 સપ્ટેમ્બરે શરૂ થયો નથી. તે ચોમાસા સત્ર દરમિયાન પણ હતો. કદાચ વધુ બુદ્ધિગમ્ય તર્ક કામ કરી શક્યું હોત.
-અંતઃ-
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top