Vadodara

ભવ્ય વિકસતું ભાયલી તંત્રના પાપેભાંગેલું ભાયલી બની રહ્યું છે

વડોદરા: શહેરનો નવો વિકસતો વિસ્તાર એટલે ભાયલી. આ વિસ્તારમાં નવી નવી અનેક સ્કીમો આવી રહી છે પરંતુ તંત્ર દ્વારા આ વિસ્તારમાં માળખાકીય સુવિધાઓ પુરી પાડવામાં આવી નથી તેના કારણે મોંઘાદાટ મકાનો લેવા માટે પણ કોઈ રાજી નથી. અને વિકસતું ભાયલી હાલમાં તંત્રના પાપે ભાંગેલું ભાયલી બનવા તરફ આગળ વધી રહ્યું છે. વરસાદના કારણે ઠેર ઠેર ખાડા જ ખાડા જોવા મળી રહ્યા છે. અને અનેક વિસ્તારોમાં પાણીનો ભરાવો જોવા મળી રહયો છે. શહેરના નવા વિકસતા વિસ્તારો પૈકીનું એક ભાયલી છે. મહાનગરપાલિકા દ્વારા પુરી પાડવામાં આવતી માળખાકીય સુવિધાઓના અભાવે આ વિસ્તારના રહીશો હાલ હાલાકીનો સામનો કરી રહ્યા છે.

વરસાદ પડતાની સાથે જ આ વિસ્તાર પાણી પાણી થઇ જાય છે પાણીના નિકાલના અભાવે રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ જાય છે. અને લોકોએ ઢીંચણ સમા પાણીમાંથી પસાર થવાનો વારો આવે છે. અનેક સોસાયટીઓમાં પાણી ભરાઈ જવાથી સોસાયટીના રહીશો માટે બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે. ઉપરાંત રસ્તાઓ ઉપર પણ મસમોટા ખાડા પડી ગયા હોવાથી વાહનચાલકો માટે રોડ ઉપર વાહન ચલાવવું મુશ્કેલ બન્યું છે. આ વિસ્તારમાં મકાનોની કિંમત 30 લાખ થી 1 કરોડ સુધીની બોલાય છે પરંતુ આવી સ્થિતિના કારણે કોઈ અહીંના મકાનો ખરીદવા પણ રાજી નથી. ત્યારે પાલિકા દ્વારા આ વિસ્તારમાં માળખાકીય સુવિધાઓમાં વધારો કરવામાં આવે તેવી માંગ છે.

પાલિકાના કોર્પોરેટર અને અધિકારીઓએ નિરીક્ષણ કર્યું
ભાયલી વિસ્તારમાં પાણી ભરાવાના કારણે વિસ્તારના લોકોની ઉગ્ર રજૂઆત હતી અને ફરિયાદ હતી. જેના પગલે સ્થાનિક કોર્પોરેટર અને અધિકારીઓ સ્થળ પાર નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. અને આ પાણીનો નિકાલ કેવી રીતે કરવો તે અંગેની સમીક્ષા કરી હતી જો કે ત્યાર બાદ પમ્પ મંગાવી પાણીનો નિકાલ કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

પાણી ભરવાના કારણે શાળાના બાળકો અને વાલીઓને હાલાકી
ભાયલી વિસ્તારમાં અનેક શાળાઓ આવેલી છે પરંતુ શાળાઓની નજીક જ તૂટેલા રોડ અને રસ્તાઓ ઉપર વરસાદી પાણીના ભરાવાના કારણે બાળકો અને વાલીઓ મુશ્કેલીમાં મુકાયા છે. નાના ભુલકાઓને વાલીઓ પોતાના વાહનો ઉપર લેવા માટે આવે છે પરંતુ પાણીના ભરવાના કારણે હાલાકી વેઠી રહ્યા છે. અને ક્યારેક ટ્રાફિક જમણી પણ સ્થિતિ સર્જાય છે

શહેરના છાણી અને દાંડિયા બજારમાં ભુવો અને ઠેર ઠેર ખાડાઓની વણઝાર
શહેરમાં ચોમાસાની શરૂઆત થતા જ રોડ પર ખાડા પડવાની સાથે રોડ હલકી કક્ષાની કામગીરીને લીધે ધોવાઈ રહ્યા છે, બીજી બાજુ વિવિધ વિસ્તારમાં મોટા ભુવા પણ પડી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા કોર્પોરેશનમાં આવેદનપત્ર આપીને રોડ પર પડેલા ખાડા અને ભુવાના કારણે કોઈ જીવલેણ અકસ્માત ન થાય તેને ધ્યાનમાં રાખીને વેળાસર રીપેરીંગ અને પુરાણની કામગીરી કરવા માંગ કરી છે. બીજી બાજુ દાંડિયા બજાર વિસ્તારમાં અરવિંદ આશ્રમની બાજુમાં ટ્રાફિકથી જ ધમધમતા રોડ પર છેલ્લા બે દિવસથી પડેલા ભુવાનું રજૂઆત કર્યા પછી પણ રીપેરીંગ નહીં કરવામાં આવતા વોર્ડ નંબર 13ના કોર્પોરેટરે ભુવામાં બેસી જઈને તંત્રની નિષ્કાળજી સામે વિરોધ દર્શાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે હલકી કક્ષાની કામગીરી થવાના કારણે રોડ પર ભુવા પડી રહ્યા છે.

રોડ બનાવ્યા બાદ એક જ વર્ષમાં પાણી અને ગટરની લાઈનના ખોદકામ કરવામાં આવે છે, જેનું બાદમાં વ્યવસ્થિત પુરાણ નહીં કરવામાં આવતા અને કોન્ટ્રાક્ટર દ્વારા બેદરકારી રાખવામાં આવતા રોડ પર જોખમી ભુવા પડી રહ્યા છે. હાલ વરસાદની સિઝન ચાલુ છે અને રાત્રે વરસાદ આવે છે, ત્યારે આવા ભુવાના કારણે રોડ પરથી પસાર થનાર લોકો માટે મોટું જોખમ ઊભું થાય છે. એ જ પ્રમાણે શહેરના છાણી વિસ્તારમાં સ્મશાન રોડ પર રોડ પર ખાડા પડી ગયા છે, અને ભુવા પડ્યા છે. છાણી તળાવની પાળ પણ ધોવાઈ ગઈ છે, અને ત્યાં પણ અંદરથી પોલાણ ખુલ્લું થતાં ભુવો આકાર લઈ રહ્યો છે. હજી ભારે વરસાદની આગાહી છે, ત્યારે આ ભુવાના કારણે તળાવની પાળ વધુ ધોવાઈ જશે અને રેલિંગ વગેરે પણ તૂટી જશે. વેળાસર રીપેરીંગ કરવાની વોર્ડ 1 કોર્પોરેટર દ્વારા રજૂઆત કરવામાં આવી છે. તંત્રની નિષ્કાળજીના લીધે વડોદરા ભુવા નગરી બની ગયું છે તેમ લાગે છે, એમ તેમનું કહેવું છે.

Most Popular

To Top