Charchapatra

વિશ્વાસે વહાણ તરે

જીવનમાં વિશ્વાસ બહુ અણમોલ વસ્તુ છે. મનુષ્યો એકબીજા પર વિશ્વાસ રાખી ચાલે તો જીવન સુખમય વિતે છે. પરંતુ અંધવિશ્વાસ વહાણ ડૂબાડી દે છે. પરંતુ મનુષ્યને એક બીજા પર વિશ્વાસ બેસતા સમય જાય છે. એવું જ ભારત દેશની પ્રજા સાથે બન્યું છે. આઝાદી મળ્યા પછી બોંતેર વર્ષ વિત્યાં છતાં પ્રજાને સરકાર પર વિશ્વાસ રહેતો નહોતો. સરકાર જાહેર કરે, પરંતુ તેનો અમલ ન થાય. એમાં અમલદારોની ખાયકી શરૂ થઈ ગઈ. ખુદ કોંગ્રેસ સરકારનાં મોવડીઓ જ નાણાં અને ખુરશી પાછળ પડ્યા અને પ્રજા જાય ભાડમાં નીતિ અપનાવી.

પ્રજાનો સરકાર પરથી વિશ્વાસ જ ઊઠી ગયો હતો. ત્યાં પ્રજાના નસીબે 2014માં કોંગ્રેસે સત્તા ગુમાવી અને ભાજપ સરકાર આવી. શરૂઆતમાં તો ભાજપ સરકાર પર પણ પ્રજાને વિશ્વાસ બેસતો ન હતો કે પ્રજાનું ભલું કરે અને પ્રજાને સુખી બનાવે. જેમ વિશ્વાસ આવતાં સમય જાય છે તેમ ભાજપ સરકારને પણ છ વર્ષ થયાં ત્યારે પ્રજાને સરકાર પર વિશ્વાસ બેઠો કે હવે પોતાનું ભલું થશે અને ઉત્તરનાં રાજ્યો સિવાય ઘણી જગ્યાએ ભાજપ સરકાર જીતી. દક્ષિણ રાજ્યો ભાજપ સરકારથી એટલે નારાજ રહ્યાં કે ભાજપે હિંદી રાષ્ટ્રભાષાને વિકસાવી અને અંગ્રેજીને બીજા સ્થાને બેસાડી.

દક્ષિણનાં રાજ્યોમાં ભાગ્યે તમને હિંદી બોલનાર મળે. રીક્ષાવાળા પણ તામીલ યા તો અંગ્રેજીમાં જ સમજે. દક્ષિણ સિવાય બીજાં રાજ્યોમાં તો હિંદીને રાષ્ટ્રભાષા તરીકે અગ્રસ્થાન મળે છે. ધીમે ધીમે ભાજપ સરકારે પ્રજાલક્ષી કાર્યો કરવા માંડ્યાં એટલે હવે પ્રજાને ભાજપ સરકાર પર પૂરેપૂરો વિશ્વાસ બેસી ગયો છે. વિરોધ પક્ષોએ ભાજપ સરકારને હરાવવા કેટલીય વાર ભેગા થઈ ગઠબંધન બનાવ્યાં, પરંતુ ચૂંટણીઓમાં ભાજપ સરકારને હરાવી ન શક્યા. કારણ પ્રત્યેક વિરોધ પક્ષને પણ એકબીજામાં વિશ્વાસ નથી. બધાં પોતપોતાની રીતે ખાયકી અને ખુરશી પાછળ જ મસ્ત છે.

હવે બધા 2024માં થનારી સંસદની ચૂંટણી તરફ મીટ માંડી બેઠા છે. પરંતુ પ્રજામાંથી પણ ઘણાનો પોકાર છે કે 2024ની સંસદની ચૂંટણી ભાજપ પક્ષ જ બહુમતીથી જીતશે. પ્રજાને હવે ભાજપ પક્ષ પર મોટો વિશ્વાસ બેસી ગયો છે. ભારતનાં જ્યોતિષીઓ પણ કહે છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કુંડલીમાં છે કે તે ત્રીજી ટર્મ પણ વડા પ્રધાન બનશે. લોકોને પણ હવે વડા પ્રધાન પર પૂરેપૂરો વિશ્વાસ બેસી ગયો છે. માટે વિરોધ પક્ષો ગમે તેટલા ધમપછાડા મારે, પરંતુ 2024માં પણ ભાજપ સરકાર જ રહેશે.

બોંત્તેર વર્ષમાં ભારતનાં ઉચ્ચ શિક્ષણ લીધેલ યુવાનો બધાં પરદેશ જઇને વસ્યાં હતાં. છેલ્લાં છ વર્ષમાં ઓછાં જાય છે. કારણ સરકાર પર પૂરેપૂરો વિશ્વાસ છે કે નોકરીઓમાં પગારધોરણમાં સુધારો આવશે અને આવી પણ રહ્યો છે. જો ઉચ્ચ શિક્ષણ લીધેલ ભારતનાં યુવાનો ભારતનાં વિકાસમાં ફાળો આપશે તો સોનામાં સુગંધ મળ્યા જેવું થશે અને આપણે બધા એકી અવાજે હિંમતપૂર્વક બોલી શકીશું કે મેરા ભારત મહાન!
સુરત     – ડો. કે.ટી. સોની– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ડાહીબહેનના પત્રનો સાચો જવાબ કયું તંત્ર આપશે?
ગુડ ગર્વન્સની નંબર વન અને મોડેલ સ્ટેટના વહીવટી તંત્રમાં ડીજીટલ ભલે જાહેરમાં ચાલે પણ સાથે ફીઝીકલ અને સંવેદનશીલ પણ બની રહે તો તેને ગુજરાતી અસ્મિતા ગણી શકાય. બાકી વિજાણું માધ્યમોના ત્રાસવાદ સામે પ્રિન્ટ મિડિયામાં ‘ગુજરાતમિત્ર’ની વિશ્વસનીયતાના કારણે જ ડાહીબેને ડહાપણ વાપરીને ચર્ચાપત્રમાં અંગત વાત જાહેર કરીને નાની સિધ્ધિને મોટી ને ખોટી રીતે રજૂ કરવામાં ખુદ સરકાર જ દેવાના બોજને વધારતી હોય ત્યારે એની પણ ફિંગરપ્રિન્ટનો પ્રશ્ન ઊભો થાય જ ને?
ધરમપુર – ધીરુ મેરાઈ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top