Business

રિઝર્વ બેન્કે રેપો રેટ વધારતા લોન મોંઘી થઈ, પહેલાં કરતા વધુ હપ્તા ભરવા પડશે

નવી દિલ્હી: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ની મોનેટરી પોલિસી કમિટીની બેઠક પૂરી થઈ ગઈ છે. બેઠક પૂરી થયા બાદ RBIના ગવર્નર શક્તિકાંત દાસે વ્યાજ દરને લઈને મહત્વની જાહેરાત કરી છે. RBIના ગવર્નરે રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટ એટલે કે 0.25%નો વધારો કરવાની જાહેરાત કરી છે. જેના પરિણામે વ્યાજ દર એટલે કે રેપો રેટ 6.25% થી વધીને 6.50% થયો છે. મોનેટરી પોલિસી કમિટી (MPC)ની ત્રણ દિવસીય બેઠક સોમવારે શરૂ થઈ હતી. આ મીટિંગના પરિણામ વિશે માહિતી આપતાં આજે એટલે કે બુધવારે આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે, “વર્તમાન આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને MPCએ પોલિસી રેટ 0.25 ટકાથી વધારીને 6.50 ટકા કરવાનો નિર્ણય લીધો છે.”

આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે મોનેટરી પોલિસી કમિટીના 6 સભ્યોમાંથી 4 સભ્યોએ રેપો રેટ વધારવાની તરફેણમાં મત આપ્યો હતો. જોકે રેપો રેટમાં થયેલો આ વધારો અગાઉના પાંચ વખતના વધારા કરતાં ઓછો છે. પોલિસી રેટ નક્કી કરતી વખતે, મધ્યસ્થ બેંક મુખ્યત્વે રિટેલ ફુગાવાને ધ્યાનમાં લે છે. ડિસેમ્બરમાં રિટેલ ફુગાવાનો દર 5.72 ટકા અને જથ્થાબંધ ફુગાવાનો દર 5.95 ટકા હતો, જે આરબીઆઈ દ્વારા નિર્ધારિત 6 ટકાની રેન્જમાં છે. વધુમાં ગર્વનર શક્તિકાંત દાસે કહ્યું કે છેલ્લા લગભગ 3 વર્ષોમાં વિવિધ પડકારોને કારણે વિશ્વભરની કેન્દ્રીય બેંકો માટે નાણાકીય પોલિસીના સ્તરે પડકાર ઉભો થયો છે. નબળી વૈશ્વિક માંગ, વર્તમાન આર્થિક વાતાવરણ સ્થાનિક વૃદ્ધિને અસર કરી શકે છે.

રેપો રેટમાં વધારાથી લોન પર શું અસર પડશે?
રિઝર્વ બેંકના આ પગલાંથી ફરી એકવાર સામાન્ય પ્રજા પર બોજો વધશે. લોનધારકોની લોન મોંઘી થશે. જે લોકોની લોન ચાલે છે તેમના EMI વધી જશે. રેપો રેટ એ દર છે જેના પર આરબીઆઈ બેંકોને લોન આપે છે. તેથી જો રેપો રેટમાં વધારો થાય છે, તો લોનના વ્યાજ દરમાં પણ વધારો થાય છે. જ્યારે તેનાથી વિપરિત રેપો રેટમાં ઘટાડાથી લોનના વ્યાજ દરમાં પણ ઘટાડો થાય છે.

RBIએ સતત છઠ્ઠી વખત રેપો રેટમાં વધારો કર્યો છે
તમને જણાવી દઈએ કે RBIએ સતત છઠ્ઠી વખત રેપો રેટમાં વધારો કર્યો છે. અગાઉ, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ડિસેમ્બર 2022 માં ફુગાવાને નિયંત્રિત કરવા માટે રેપો રેટમાં 35 બેસિસ પોઈન્ટના વધારાની જાહેરાત કરી હતી. તે અગાઉ સપ્ટેમ્બર 2022માં રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટ્સ, ઓગસ્ટ 2002માં 50 બેસિસ પોઈન્ટ્સ, જૂનમાં 50 બેસિસ પોઈન્ટ્સ અને મે 2022માં 40 બેસિસ પોઈન્ટ્સનો વધારો કરવામાં આવ્યો હતો.

ચાલુ નાણાકીય વર્ષમાં છૂટક ફુગાવો 6.5 ટકા રહેવાનો અંદાજ
RBI ગવર્નર શક્તિકાંત દાસે બેઠક બાદ જણાવ્યું હતું કે FY2023 ના ચોથા ક્વાર્ટરમાં ફુગાવાનો દર 5.9 ટકાથી ઘટીને 5.6 ટકા થવાની ધારણા છે. તે જ સમયે, રિટેલ ફુગાવો ચાલુ નાણાકીય વર્ષમાં 6.5 ટકા અને આગામી નાણાકીય વર્ષમાં 5.3 ટકા રહેવાનો અંદાજ છે.

આગામી નાણાકીય વર્ષમાં જીડીપી વૃદ્ધિ દર 6.4 ટકા રહેવાની ધારણા
કેન્દ્રીય બેંકે ચાલુ નાણાકીય વર્ષ 2022-23 માટે જીડીપી વૃદ્ધિનું અનુમાન 6.8 ટકાથી વધારીને 7 ટકા કર્યું છે. તે જ સમયે, આગામી નાણાકીય વર્ષમાં જીડીપી વૃદ્ધિ દર 6.4 ટકા રહેવાનો અંદાજ છે. આરબીઆઈ ગવર્નરે કહ્યું કે નાણાકીય વર્ષ 2024 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જીડીપી વૃદ્ધિ દર 7.8 ટકા રહેવાની સંભાવના છે. તે જ સમયે, તેમણે નાણાકીય વર્ષ 2024 ના બીજા ક્વાર્ટર માટે જીડીપી વૃદ્ધિનો અંદાજ 5.9% થી વધારીને 6.2% કર્યો છે.

આરબીઆઈના નિર્ણયની શેરબજારમાં કોઈ અસર જોવા મળી નથી
એક તરફ રિઝર્વ બેંકે રેપો રેટમાં વધારો કરીને જનતા પર મોંઘવારીનો બોજ વધાર્યો છે, તો બીજી તરફ કેન્દ્રીય બેંકની આ જાહેરાતની શેરબજાર પર કોઈ અસર જોવા મળી નથી. સવારે 10.43 વાગ્યે BSE નો 30 શેરો ધરાવતો સેન્સેક્સ ઇન્ડેક્સ 0.51% અથવા 306.99 પોઈન્ટના વધારા સાથે 60,593.03 ના સ્તર પર ટ્રેન્ડ કરતો જોવા મળ્યો હતો. NSE નો નિફ્ટી પણ 100 પોઈન્ટ અથવા 0.56 ટકાના વધારા સાથે 17,821.50 ના સ્તર પર ટ્રેન્ડ કરી રહ્યો હતો.

Most Popular

To Top