Madhya Gujarat

ડાકોરમાં કલેક્ટરની મુલાકાતને પગલે દબાણ હટાવાયાં

નડિયાદ: ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આગામી તારીખ ૧૭ થી ૧૯ માર્ચ દરમિયાન ફાગણી પૂનમનો મેળો ધામધૂમથી ઉજવવામાં આવનાર છે. ફાગણી પૂનમના મેળાને આડે હવે માંડ બાર દિવસ જ બાકી રહ્યાં હોવાથી ખેડા જિલ્લા વહીવટી તંત્ર દોડતું થયું છે. મેળા દરમિયાન મંદિરમાં દર્શનાર્થે આવનાર લાખો શ્રધ્ધાળુઓ-પદયાત્રિકોને કોઈ તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સમગ્ર મેળાના સુચારૂ આયોજન માટે બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. જે અંતર્ગત શુક્રવારના રોજ ખેડા જિલ્લા કલેક્ટર કે.એલ.બચાણી, ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક અર્પિતાબેન પટેલ, નાયબ પોલીસ અધિક્ષક, ઠાસરા પ્રાંત અધિકારી રિધ્ધી શુક્લા સહિતના ઉચ્ચ અધિકારીઓએ યાત્રાધામ ડાકોરની મુલાકાત લઈ ફાગણી પૂનમના મેળાની તૈયારીઓ તેમજ વ્યવસ્થા અંગે માહિતી મેળવી હતી. તેમજ વિવિધ સરકારી વિભાગના અધિકારીઓ સાથે મિટીંગ કરી જરૂરી સુચનો અને માર્ગદર્શન આપ્યાં હતાં. ખેડા જિલ્લા કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ ડાકોરની મુલાકાતને પગલે સ્થાનિક તંત્ર દોડતું થયું હતું. અધિકારીઓનો કાફલો આવે તે પહેલાં જ તંત્ર દ્વારા મંદિર આસપાસના વિસ્તારોમાં ઠેર-ઠેર ઉભાં રાખવામાં આવતાં લારી-ગલ્લાંઓ તેમજ દુકાનો દ્વારા બહાર કાઢવામાં આવેલાં દબાણો હટાવવામાં આવ્યાં હતાં. જેને પગલે નગરના રાજમાર્ગો આજે ખુલ્લા જોવા મળી રહ્યાં હતાં અને દિવસભર ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ ન હતી.

ઓવરબ્રિજની બંને સાઈડે લગાવાયેલાં પતરાં કાઢી રસ્તો ખુલ્લો કરવા સુચના
ડાકોર ચોકડી ઉપર છેલ્લાં નવેક મહિનાથી ફ્લાય ઓવરબ્રિજનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે. આ નિર્માણાધીન ઓવરબ્રિજની બંને બાજુ પતરાં લગાવી વાહનવ્યવહાર માટે સર્વિસ રોડ બનાવવામાં આવ્યો છે. ખુબ જ સાંકડા આ સર્વિસ રોડ પર પૂનમના મેળા દરમિયાન મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ તેમજ એસ.ટી બસની અવરજવરથી અકસ્માત સર્જાવાની શક્યતા હોવાનું જિલ્લા કલેક્ટરના ધ્યાને આવ્યું હતું. જેથી કલેક્ટરે લાગતાં વળગતાં અધિકારીઓ સાથે ડાકોર બસસ્ટેન્ડમાં ચર્ચા કરી હતી અને ઓવરબ્રિજની બંને બાજુ લગાવવામાં આવેલાં પતરાં કાઢીને રોડ પહોળો કરવા તેમજ માર્ગ પરના ખાડા પુરવા સુચના આપી હતી.

વેપારીઓએ કલેક્ટરને રજુઆત કરી
રણછોડરાયજી મંદિર નજીક પ્રસાદની દુકાન ધરાવતાં કેટલાક વેપારીઓએ ફાગણી પૂનમની વ્યવસ્થા મુદ્દે ખેડા કલેક્ટરને રજુઆત કરતાં જણાવ્યું હતું કે, ફાગણી પૂનમના મેળા દરમિયાન નગરમાં ઠેર-ઠેર પતરાં મારી રસ્તા રોકી દેવાતાં હોવાને પગલે મંદિર પાસે આવેલી પ્રસાદ સહિતની દુકાનોમાં એક રૂપિયાનો પણ ધંધો થતો નથી. શ્રધ્ધાળુઓનો ઘસારો હોય તે વખતે રસ્તા બંધ કરવામાં આવે તેમાં અમારો સહયોગ છે. પરંતુ પૂનમના દિવસે બપોર બાદ શ્રધ્ધાળુઓનો ઘસારો ઓછો થઈ ગયાં બાદ તંત્ર દ્વારા પતરાં તેમજ આડબંધ હટાવી, રસ્તાં ખુલ્લાં કરી, મંદિર આસપાસના દુકાનદારોને પણ થોડો ધંધો કરવા દેવાય તેવી માંગ કરી હતી.

ડાકોરમાં પ્રવેશવાના ૭ માર્ગો પર ૧૫ થી ૧૯ માર્ચ દરમિયાન વાહનવ્યવહારનો પ્રતિબંધ
– એ.જી.શાહ પેટ્રોલપંપથી મુખ્ય રોડ થઈ વૃંદાવન સોસા. તરફનો માર્ગ
– ગુર્જરી ઓકટ્રોય નાકાથી ગણેશ સીનેમા થઈ મંદિર તરફ જતો માર્ગ
– ટ્રાફીક સર્કલ, ત્રણ દરવાજાથી મંદિર તરફ જતો માર્ગ
– ડોન બોસ્કો હાઈસ્કૂલથી નાની ભાગોળ થઈ મંદિર તરફ જતો માર્ગ
– રણછોડપુરા પાટીયાથી ડાકોર શહેર તરફ જતો માર્ગ
– ગાયોના વાડાથી ડાકોર શહેર તરફ જતો માર્ગ
– વેલકમ પાટીયાથી મંદિર તરફ જતો માર્ગ

મંજુરી મળશે તો બોડીવોર્મ કેમેરાનો પણ ઉપયોગ કરાશે : અર્પિતાબેન પટેલ
ફાગણી પૂનમના મેળાને અનુલક્ષીને શુક્રવારે ડાકોર ખાતે યોજાયેલી મિટીંગ બાદ ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક અર્પિતાબેન પટેલે મિડીયા સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, ફાગણી પૂનમના મેળા દરમિયાન ડાકોરમાં દર્શનાર્થે આવનાર લાખો યાત્રાળુઓ ઉપર સીસીટીવી કેમેરા મારફતે બાજ નજર રાખવામાં આવશે. તદુપરાંત જો વડી કચેરીમાંથી મંજુરી મળશે તો મેળા દરમિયાન સિલેક્ટેડ પોલીસ અધિકારીઓ ખાસ બોડીવોર્મ કેમેરા સાથે તૈનાત રખાશે.

મિંટીગમાં અધિકારીના જમાવડાથી ખુરશી ખુટી પડી
ડાકોર સર્કિટ હાઉસ ખાતે મિટીંગમાં વિવિધ સરકારી વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને જુનિયર અધિકારીઓ સહિતની ટીમો ઉપસ્થિત રહી હતી. મિટીંગ હોલમાં ખુરશીઓ ખુટી પડી હતી. જેને પગલે દરેક વિભાગમાંથી માત્ર એક-એક ઉચ્ચ અધિકારીને જ મિટીંગ હોલમાં જગ્યા આપવામાં આવી હતી.

મંદિરમાં શ્રધ્ધાળુના અવર-જવરની વ્યવસ્થા ચકાસી
ફાગણી પૂનમના મેળાને અનુલક્ષીને કલેક્ટર, એસપી સહિત સહિતના ઉચ્ચ અધિકારીઓએ રાજાધિરાજ શ્રી રણછોડરાયજી ભગવાનના દર્શન કર્યાં હતાં. જે બાદ પૂનમ દરમિયાન મંદિરમાં શ્રધ્ધાળુઓના પ્રવેશથી લઈ બહાર નીકળવા સુધીની વ્યવસ્થાની ચકાસણી કરી હતી.

Most Popular

To Top