SURAT

સુરતના મેયરે હલવાનો મીઠો સ્વાદ માણી શહેરીજનોને આપી મોટી ગિફ્ટ

સુરત : સુરત મહાનગર પાલિકા ના ભાજપ શાસકો નો મોટો નિર્ણય બજેટની સભા માં બિન રહેણાક મિલકતના સામાન્ય વેરામાં પ્રતિ ચોરસ મીટર વાર્ષિક દર માં 10 ટકા રાહત અને ફાયર ચાર્જ માં 50 ટકા રાહત આપવાની દરખાસ્ત મેયર હેમાલી બોધાવાલાએ રજૂ કરી ત્યાર બાદ તે દરખાસ્તને સર્વાનુમતે સ્વીકારી લઈ વેરા યુજર ચાર્જમાં રાહત મંજૂર કરાઈ છે.

  • ભાજપ શાસકોએ વેરા વધારાના નિર્ણયમાં થૂંકેલું ચાટ્યું: કોમર્શિયલ મિલકતોમાં મોટી રાહત
  • મોવડી મંડળ નારાજ થયું હોય શહેર ભાજપના શાસકોએ વેરામાં કાપની દરખાસ્તને સર્વાનુમત્તે સ્વીકારી લીધી
  • બિન રહેણાક મિલકતના સામાન્ય વેરામાં પ્રતિ ચો.મી. વાર્ષિક દરમાં 10 ટકા અને ફાયર ચાર્જમાં 50 ટકા રાહત

સુરત મહાનગર પાલિકાના કમિશનરે પોતાના બજેટની દરખાસ્તમાં 307 કરોડનો વેરા અને યુઝર ચાર્જ વધારવા ભલામણ કર્યા બાદ. શાસકોએ સ્થાયી સમિતિમાં 6 કરોડની રાહત આપ્યા બાદ પણ મોવડીમંડળ નારાજ હતું. કેમ કે વેરા વધારામાં રાહત આપવાની સૂચનાનું આંશિક પાલન સ્થાયી સમિતિએ કર્યું હતું. તેથી મોવડી મંડળની સૂચનાને પગલે સુરત મહાનગર પાલિકાના ભાજપ શાસકોનો મોટો નિર્ણય બજેટની સભામાં લેવાયો છે. બિન રહેણાક મિલકતના સામાન્ય વેરામાં પ્રતિ ચોરસ મીટર વાર્ષિક દર માં 10 ટકા રાહત અને ફાયર ચાર્જ માં 50 ટકા રાહત આપવાની દરખાસ્ત મેયર હેમાલી બોધાવાલાએ રજૂ કરી સર્વાનુમતે વેરા યુજર ચાર્જ માં રાહત મંજૂર કરાઈ છે, જેના કારણે વેરાની આવક માં 75 કરોડથી વધુ નો ફરક પડી શકે છે.

મનપાના ઇતિહાસમાં પ્રથમ વખત બજેટની સભા પહેલાં ‘હલવા સેરેમની’ યોજાઈ
સુરત મનપાના ઇતિહાસમાં પ્રથમ વખત આજે બુધવારે બજેટ બોર્ડના પ્રારંભ પૂર્વે ‘હલવા સેરેમની’નું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 9.30 કલાકની આસપાસ સામાન્ય સભા ગૃહની બહાર મેયર સહિતના પદાધિકારીઓ, મનપા કમિશનરની હાજરીમાં કેન્દ્રીય નાણામંત્રીની સ્ટાઇલથી ‘હલવા સેરેમની’નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. મેયરે પોતાના હાથે પદાધિકારીઓને હલવો ખવડાવી તેઓનું મોંઢું મીઠુ કરાવ્યું હતું. ‘હલવા સેરેમની’માં શીરો-મીઠાઇ ખાધા બાદ મેયર સહિતના પદાધિકારીઓ, કોર્પોરેટરો સભાગૃહમાં ગયા હતા.

શાસકો વેરો ઘટાડશે તેવી આગાહી ગુજરાતમિત્રએ પહેલાં જ કરી દીધી હતી
સુરત: સુરત મહાનગરપાલિકા કમિશનર દ્વારા મોકલાયેલી વર્ષ 2023-24ના બજેટની દરખાસ્ત પર ચર્ચા કરી સ્થાયી સમિતિએ કમિશનરે સૂચવેલા રૂ.307 કરોડના વેરા-યૂઝર ચાર્જમાં કાપ મૂકી 6 કરોડ જેટલો વધારો રદ કર્યો છે. જો કે, મોવડીમંડળ આટલા નાના ઘટાડાથી નારાજ થયું હોય, ઉપરથી મળેલી સૂચનાના કારણે હવે સામાન્ય સભામાં કર અને દરની દરખાસ્ત મંજૂર કરતી વખતે સ્થાયી સમિતિએ મંજૂર કરેલા 301 કરોડના વેરા વધારામાં પણ 40 ટકાથી વધુનો કાપ મૂકે તેવી ગોઠવણ કરાઇ હોવા અંગેની આગાહી ગુજરાતમિત્ર દ્વારા સામાન્ય સભાના એક દિવસ પૂર્વે જ કરી દેવાઈ હતી. આજે ગુજરાતમિત્રનો રિપોર્ટ સાચો પડ્યો છે.

Most Popular

To Top