Columns

ભારતની પ્રજા સદીઓથી ‘મિશન લાઇફ’નો અમલ કરતી આવી છે

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા કોલોની ખાતે યુનોના અધ્યક્ષની હાજરીમાં પર્યાવરણની રક્ષા કરવા માટેના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ ‘મિશન લાઇફ’નું ઉદ્ઘાટન કર્યું તે સમગ્ર વિશ્વ માટે ઐતિહાસિક ઘટના છે. ભારતની પ્રજા, ખાસ કરીને ગામડાંની પ્રજા સદીઓથી પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન થાય તે રીતે જીવતી આવી છે. તેથી વિરુદ્ધ યુરોપ અને અમેરિકાના દેશોની પ્રજા ‘યુઝ એન્ડ થ્રો’ના કલ્ચર દ્વારા પૃથ્વીનાં મર્યાદિત સંસાધનો વેડફતી આવી છે. એકલું અમેરિકા પર્યાવરણનો જે કચ્ચરઘાણ કાઢી રહ્યું છે તેવો કચ્ચરઘાણ સમગ્ર એશિયાના અને આફ્રિકાના દેશો મળીને પણ કાઢી શકતા નથી. અમેરિકાને પોષણક્ષમ વિકાસની વિદ્યા શીખવવાને બદલે યુનો અને તેની સંસ્થાઓ ભારતને પર્યાવરણનું જતન કરવાનો ઉપદેશ આપે છે તે તેનો દંભ છે. જો અમેરિકાની પ્રજા પર્યાવરણનો દાટ કાઢવાનું બંધ નહીં કરે તો ભારતને બોધપાઠ આપવાનો કોઈ મતલબ નથી.

ભારતની પ્રજા હંમેશા કુદરતી સંસાધનોનો સંયમપૂર્વક ઉપયોગ જ કરતી આવી છે. પશ્ચિમના દેશોમાં ભોજન માટે પ્લાસ્ટિકના ડિસ્પોઝેબલ પ્લેટ અને ગ્લાસની ફેશન ચાલી રહી છે, પણ ભારતમાં તો દાયકાઓથી ભોજન કરવા માટે વૃક્ષોના પાંદડાંમાંથી બનાવેલી પતરાવળી અને પડિયા ચાલી રહ્યા છે, જે બાયોડિગ્રેડેબલ હોવાથી માટીમાં મળી જાય છે. પશ્ચિમમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકની ઝભલાં થેલી જોઈને આપણે તેમને રવાડે ચડ્યા તે પહેલાં આપણાં લોકો કપડાંની થેલી લઈને જ બજારમાં ખરીદી કરવા જતા હતા. કરિયાણાંનો વેપારી પણ પ્લાસ્ટિકને બદલે કાગળની કોથળીમાં માલ આપતો હતો. અનાજ ભરવા માટે પણ પ્લાસ્ટિકની નહીં, પણ શણની ગુણીનો ઉપયોગ થતો હતો. પશ્ચિમના રવાડે ચડીને આપણે ત્યાં ઝભલાં થેલીનો વપરાશ વધી ગયો તે પર્યાવરણનો વિનાશ કરનારો બની ગયો છે. ભારતે પોતાની જૂની લાઇફસ્ટાઇલ તરફ પાછું વળવું પડશે; એટલું જ નહીં, સમગ્ર વિશ્વે આ બાબતમાં ભારતના અનુભવનો લાભ લેવો પડશે.

પૃથ્વીમાં વર્તમાનમાં જે પર્યાવરણીય સંકટ પેદા થયું છે, તેના મૂળમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું વધી રહેલું ઉત્સર્જન છે. કાર્બન ડાયોક્સાઇડનું ઉત્પાદન વધવાનાં બે મોટાં કારણો છે : એક, વીજળીનો વધી રહેલો વપરાશ અને બે, વાહનોમાં વપરાતું પેટ્રોલ અને ડિઝલ. ભારતનાં કરોડો લોકો લાખો વર્ષો સુધી વીજળી વગર સુવિધાયુક્ત જિંદગી જીવતાં હતાં. ભારતનાં ગામડાંઓની પ્રજા અંધારું થાય તે પહેલાં ઘરભેગી થઈ જતી હતી અને સાંજે વાળુ કરીને પથારીભેગી થતી હતી. સવારે બ્રાહ્મમુહૂર્તે ઊઠીને તેઓ યોગાસનો કરતાં અને ભગવાનની ભક્તિ કરતાં હતાં.

તેઓ રાતે ઉજાગરા કરતાં ન હોવાથી તેમને વીજળીની જરૂર જ પડતી નહોતી. તેમનાં મકાનો ગારમાટીનાં બનાવાતાં હોવાથી તેમાં બારેય મહિના ઠંડક રહેતી હતી, જેથી પંખાની કે એર કન્ડિશનરની બિલકુલ જરૂર પડતી નહોતી. ગામડાંનાં લોકો બેડરૂમમાં નહીં, પણ ફળિયામાં લીમડાના ઝાડ નીચે ખાટલો ઢાળીને સૂતા હતા, જેનાથી તેમનું આરોગ્ય પણ જળવાઈ રહેતું હતું. તેઓ માટલાંનું ઠંડું પાણી પીતાં હોવાથી તેમને ફ્રીઝની જરૂર જ નહોતી પડતી. ફ્રીઝનાં ઠંડાં પીણાંઓથી દૂર રહેવાને કારણે તેમને કદી મંદાગ્નિની સમસ્યા નડતી નહોતી.

કપડાં ધોવા તેઓ નદી કે તળાવે જતાં. તેમને વોશિંગ મશીનની જરૂર પડતી નહોતી. લોટ દળાવવા તેઓ ઘરઘંટીનો ઉપયોગ કરતા હતા. તેમાં વીજળીની જરૂર પડતી નહોતી. તદુપરાંત ઘંટી ચલાવવાને કારણે સ્ત્રીઓને વ્યાયામ મળી જતો હતો. ઘર સાફ કરવા માટે તેમને વેક્યુમ ક્લિનરની જરૂર નહોતી પડતી. વાસણ ધોવા માટે ડીશવોશરનો વિચાર પણ તેમને નહોતો આવતો. મનોરંજન માટે તેમને ટી.વી.ની જરૂર નહોતી. વગર મોબાઈલે તેઓ સગાંવહાલાંઓના અને પડોશીઓના જીવંત અને રૂબરૂ સંપર્કમાં રહી શકતાં હતાં. આ જીવનપદ્ધતિને કારણે તેઓ તંદુરસ્ત રહેતાં હતાં અને પર્યાવરણની રક્ષા પણ કરતાં હતાં.

વીજળીના ઉત્પાદન પછી કાર્બન ડાયોક્સાઇડનું ઉત્પાદન વધવાનું બીજું મોટું કારણ આજનો વાહનવ્યવહાર છે. જૂના જમાનાનાં લોકો પગપાળા યાત્રા કરતાં હતાં. તેનાથી તેમનું આરોગ્ય સારું રહેતું અને વાહનોની જરૂર પણ પડતી નહીં. જરાક દૂર જવું હોય તો તેઓ પરિવહન માટે ઘોડાગાડી, બળદગાડી કે ઊંટગાડીનો ઉપયોગ કરતા હતા. તેમાં પેટ્રોલ કે ડિઝલનો બિલકુલ વપરાશ નહોતો થતો અને વાયુપ્રદૂષણ પણ પેદા થતું નહોતું. પશુઓ દ્વારા પેદા થતી મફતની ઊર્જા છોડીને આપણે પેટ્રોલ-ડિઝલ તરફ વળ્યાં તેને કારણે પર્યાવરણનો વિનાશ થયો છે. શું યુનોના ‘મિશન લાઇફ’માં મોટર કાર અને ટ્રકને બદલે ઘોડાગાડી અને ઊંટગાડી તરફ વળવાની વાત છે?

આજકાલ જ્યારે પણ સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટની વાત કરવામાં આવે છે, ત્યારે વૈકલ્પિક ઊર્જાના સાધન તરીકે સૌર ઊર્જાની અને પવન ઊર્જાની વાત કરવામાં આવે છે, પણ પશુઓ દ્વારા પેદા થતી અત્યંત સસ્તી અને ઇકો ફ્રેન્ડલી ઊર્જાની વાત કોઈ કરતું નથી. પશુઓ દ્વારા મળતી ઊર્જા રિન્યુએબલ છે, કારણ કે પશુઓ રોજ છાણ અને મૂત્ર આપે છે. ભારત એક કૃષિપ્રધાન દેશ છે. ભારતની ખેતીમાં પશુઓનો જ વધુ વપરાશ થતો હતો. પશુઓના છાણમાંથી મફતમાં ખાતર મળતું હતું અને મફતમાં બળતણ મળતું હતું.

વળી પશુઓ પરિવહનની કરોડરજ્જુ હતાં. પશુને બદલે યંત્રો લાવવાને કારણે પર્યાવરણીય સંકટ પેદા થયું છે. ખેતરમાં હળને બદલે ટ્રેક્ટર લાવવાને કારણે કાર્બનનું ઉત્સર્જન વધ્યું છે. બળદગાડાંને બદલે ટ્રકોનો ઉપયોગ કરવાને કારણે પૃથવીનું તાપમાન વધ્યું છે. જો સરકાર સૌર ઊર્જાની વાત કરતી હોય તો તેણે પશુઊર્જાની વાત પણ કરવી જોઈએ. તે માટે ખેતીમાં ટ્રેક્ટરના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવો જોઈએ અને માલના પરિવહન માટે ટ્રકો અને ટ્રેનોને બદલે બળદગાડાં, ઘોડાગાડી તેમ જ ઊંટગાડીના ઉપયોગને પ્રોત્સાહન આપવું જોઈએ.

આજે પેટ્રોલ અને ડિઝલથી સંચાલિત વાહનોની ભયંકરતા સરકારને સમજાઈ ગઈ હોવાથી તે બેટરીથી ચાલતાં ઇલેક્ટ્રિક વેહિકલને પ્રોત્સાહન આપી રહી છે. તેને કારણે કાર્બનનું ઉત્સર્જન ઘટે તેવી બિલકુલ સંભાવના નથી. તેનું કારણ એ છે કે વીજળીનું ઉત્પાદન કરવા મોટા ભાગે કોલસાનો ઉપયોગ થાય છે, જેમાંથી ચિક્કાર કાર્બન ડાયોક્સાઇડ વાયુ પેદા થાય છે. ફરક એટલો છે કે વાહનો દ્વારા પેદા થતું પ્રદૂષણ શહેરની સડકો પર દેખાય છે, જ્યારે થર્મલ પાવર પ્લાન્ટો ગામડાંમાં અને જંગલમાં આવ્યા હોવાથી ત્યાં પ્રદૂષણ પેદા કરે છે. બીજા શબ્દોમાં શહેરનાં લોકોને પ્રદૂષણથી બચાવવા માટે ગામડાંના લોકોને પ્રદૂષણનો ભોગ બનાવવા ઇલેક્ટ્રિક વેહિકલ લાવવામાં આવી રહ્યાં છે.

જો સરકાર ઇલેક્ટ્રિક વેહિકલને બદલે પશુની ઊર્જાથી ચાલતાં વેહિકલનો પ્રચાર કરે તો ગામડાંના કારીગરોને રોજી મળે અને પર્યાવરણની પણ સાચી રક્ષા કરી શકાય તેમ છે.આજે સરકારો દ્વારા જે પર્યાવરણને બચાવવાની યોજનાઓ ચાલી રહી છે, તેમાં પણ કેટલાક ઉદ્યોગપતિઓને લાભ પહોંચાડવાની મેલી મુરાદ છે. દાખલા તરીકે ઇલેક્ટ્રિક વેહિકલના પ્રચારનો લાભ એલન મસ્ક જેવા ઉદ્યોગપતિને જ વધુ થવાની સંભાવના છે. એક બાજુ ભારત સરકાર રિયુઝ કરવાનો બોધ આપી રહી છે તો બીજી બાજુ ગુજરાતમાં જૂનાં વાહનોનો નાશ કરવા માટેની ફેક્ટરી શરૂ કરવામાં આવી છે. રાજકારણીઓની આ રમતને પારખી લેવાની જરૂર છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top