હોલિવુડના દિગ્દર્શક ક્રિસ્ટોફર નોલાન ફરી એકવાર પોતાના ભવ્ય સિનેમેટિક વિઝનથી દુનિયાભરના દર્શકોને મંત્રમુગ્ધ કરવામાં સફળ રહ્યા છે. તેમની મચઅવેટેડ ફિલ્મ The Odysseyએ રિલીઝ થતાં જ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. માત્ર શરૂઆતના વીકએન્ડમાં જ ફિલ્મે વિશ્વભરમાં 257.8 મિલિયન ડૉલર એટલે કે અંદાજે 2,400 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરીને નોલાનના કરિયરની સૌથી મોટી વર્લ્ડવાઇડ ઓપનિંગનો નવો રેકોર્ડ નોંધાવ્યો છે. આ ફિલ્મે Oppenheimer અને The Dark Knight Rises જેવી બ્લોકબસ્ટર ફિલ્મોના ઓપનિંગ કલેક્શનને પણ પાછળ છોડી દીધા છે. ટ્રેડ રિપોર્ટ્સ અનુસાર, The Odysseyએ ઉત્તર અમેરિકામાંથી આશરે 125 મિલિયન ડૉલરનું કલેક્શન કર્યું છે, જ્યારે વિદેશી બજારોમાંથી ફિલ્મે 132.8 મિલિયન ડૉલરની કમાણી કરી છે. આમ, કુલ વર્લ્ડવાઇડ ઓપનિંગ 257.8 મિલિયન ડૉલર સુધી પહોંચી ગઈ છે. ફિલ્મને મળેલા જબરદસ્ત એડવાન્સ બુકિંગ, IMAX શોઝ હાઉસફુલ થવા અને દર્શકો તરફથી મળેલા સકારાત્મક પ્રતિસાદે આ સફળતામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
ભારતમાં પણ The Odysseyએ ક્રિસ્ટોફર નોલાન માટે નવો ઇતિહાસ રચ્યો છે. ફિલ્મે પહેલા દિવસે 17.4 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું, જ્યારે બીજા દિવસે 24.4 ટકાના જમ્પ સાથે 22 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. માત્ર બે દિવસમાં ફિલ્મે ભારતમાં 39.4 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન અને આશરે 47.03 કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન નોંધાવ્યું છે. આ સાથે જ The Odyssey ભારતમાં નોલાનની અત્યાર સુધીની સૌથી મોટી ઓપનિંગ મેળવનારી ફિલ્મ બની ગઈ છે. ભારતમાં ફિલ્મને 8,791 સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી છે. ખાસ કરીને IMAX સ્ક્રીન્સ પર ફિલ્મને જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. દર્શકો ફિલ્મના ભવ્ય વિઝ્યુઅલ્સ, સિનેમેટોગ્રાફી અને નોલાનની અનોખી સ્ટોરીટેલિંગના વખાણ કરી રહ્યા છે.
ફિલ્મની સ્ટારકાસ્ટ પણ તેની સૌથી મોટી તાકાત છે. The Odysseyમાં મેટ ડેમને પ્રખ્યાત યોદ્ધા ઓડિસિયસની ભૂમિકા ભજવી છે, જ્યારે એની હેથવે તેમની પત્ની પેનેલોપના રોલમાં જોવા મળે છે. ટોમ હોલેન્ડે તેમના પુત્ર ટેલીમેકસનું પાત્ર ભજવ્યું છે. ઝેન્ડાયાએ દેવી એથેનાની ભૂમિકા નિભાવી છે, જ્યારે રોબર્ટ પેટિનસન વિલન એન્ટીનસ તરીકે અને ચાર્લીઝ થેરોન સમુદ્રી અપ્સરા કેલિપ્સોના રોલમાં જોવા મળે છે.
17 જુલાઈએ વિશ્વભરમાં રિલીઝ થયેલી આ ફિલ્મનું સૌથી મોટું આકર્ષણ એ છે કે સમગ્ર ફિલ્મનું શૂટિંગ IMAX કેમેરાથી કરવામાં આવ્યું છે. ક્રિસ્ટોફર નોલાન હંમેશા મોટા પડદા પર શ્રેષ્ઠ સિનેમેટિક અનુભવ આપવા માટે જાણીતા રહ્યા છે અને આ ફિલ્મમાં પણ તેમણે તે પરંપરા જાળવી રાખી છે. અહેવાલો અનુસાર, The Odysseyનું અંદાજિત બજેટ લગભગ 250 મિલિયન ડૉલર છે. ભારતીય ચલણ પ્રમાણે આ રકમ અંદાજે 2,100 કરોડ રૂપિયાથી વધુ થાય છે. રિલીઝના પ્રથમ જ સપ્તાહમાં ફિલ્મે જોરદાર શરૂઆત કરતાં હવે ટ્રેડ એનાલિસ્ટ્સનું માનવું છે કે આવનારા દિવસોમાં ફિલ્મ અનેક નવા બોક્સ ઓફિસ રેકોર્ડ બનાવી શકે છે.