Comments

નેપાળ વિવાદે રાહુલની આંખો ખૂલવી જોઇએ

કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ નેપાળમાં એક પત્રકાર મિત્રના લગ્નપ્રસંગે હાજરી આપતી વખતે છેડેલા વિવાદ માટે આનાથી વધુ ખરાબ ન હોઇ શકે. પક્ષને ફરી ચેતનવંતો બનાવવા માટે ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર સાથે પક્ષનાં પ્રમુખ શ્રીમતી સોનિયા ગાંધી સહિતના ટોચના નેતાઓની બેઠક હતી તે જ સમયે ગાયબ થવાનો રાહુલનો જાદુનો પ્રયોગ થયો! આ ઉપરાંત પક્ષની પડતી કઇ રીતે અટકાવવી તે બાબતે પક્ષના એક માત્ર ગઢ રાજસ્થાનમાં ચિંતન શિબિર થવાનો હતો તે પહેલાં આ ‘જાદુ’ થયો.

કાઠમંડુ વિવાદ દર્શાવે છે કે રાહુલ પાસે વિવાદ સર્જવાના વિચારોની કમી નથી અને ભારતીય જનતા પક્ષ આવા વિવાદનો છેડો પકડી તેને ચગાવવાની તકની રાહ જોઇને જ બેઠો હોય છે અને પત્રકારો પણ આવા મામલે કયાં ઝોકાં ખાતાં હોય છે? તેઓ પણ હકીકતોને નેવે મૂકી વિવાદ જગાવતા જ હોય છે. વારંવાર ઊભો થતો પ્રશ્ન છે કે રાજકીય નેતાઓને જાહેરમાં ઓચિંતા ગુમ થવાનો વ્યકિતગત અધિકાર હોય છે કે તેમાં પણ રાજકારણ વર્ચસ્વ ભોગવે છે? તેમનાં અંગત જીવન અને જાહેર જીવન વચ્ચેનો વિવાદ ચાલતો જ રહેતો હોય છે અને રાહુલે તેને પાછો જીવંત રાખ્યો. એમાં રાહુલના વ્યકિતગત અધિકારનો પ્રશ્ન તો રહ્યો છે જેનું રાહુલે ફુરસદે વિશ્લેષણ કરવું જ રહ્યું.

રાજકારણ અને નૈતિકતા કયારેય સાથે રહ્યાં હોવાનું જણાવા મળ્યું નથી. જૂના યુગમાં પણ. રાજકારણ અને નૈતિકતા વચ્ચે તો સંબંધનો મુદ્દો આધુનિક યુગમાં ઊંડા કૂવામાં ગયો છે અને તેને બહાર કાઢવાના છે આકાશમાં! રાજકારણમાં બધું જ વાજબી છે એવો સિધ્ધાંત આજે ચલણી બન્યો છે. રાહુલ ગાંધી મિત્રના લગ્નમાં જાય અને પીઠામાં પાર્ટી માણે તેમાં કંઇ ખોટું નથી પણ જયારે તેઓ અને તેમનો પક્ષ લોકોની નજરમાં પણ અસ્તિત્વની ભયંકર કટોકટીમાંથી પસાર થતો હોય ત્યારે?! અને તેમના કટ્ટર રાજકીય હરીફ કાગનો વાઘ કરવા માટે અને પહાડ બનાવવા માટે રાઇને પણ મહત્ત્વ ન આપતો હોય ત્યારે? અને આ ‘પવિત્ર’ કામમાં ન્યૂઝ ચેનલો પણ સતત પ્રવૃત્તશીલ હોય ત્યારે?

ભારતીય જનતા પક્ષનો વિજયરથ જમીનથી બે વેંત અધ્ધર ચાલતો હોય ત્યારે અને કોંગ્રેસ બેઠા થવા માટે બાખોડિયા ભરે ત્યારે?! વાત એમ છે કે રાહુલ ગાંધીની બાર સેકંડની એક વીડિયો બહાર પડી છે, જેમાં તે પીઠામાં મોંગોલ વંશની એક સ્ત્રી સાથે દેખાય છે. ભારતીય જનતા પક્ષના મ્યાનમાંથી તરત જ ખંજર બહાર ખેંચાઇ ગઇ કે રાહુલ એક ચીની રાજદ્વારી સાથે દેશ સામે કાવતરું ઘડવાની ચર્ચા કરે છે. એ જોગાનુજોગ નથી કે ટી.વી. સ્ટારમાંથી રાજકારણી બનેલ સ્મૃતિ ઝુબીન ઇરાની રાહુલ ગાંધીના લોકસભાના મત વિસ્તાર કેરળના વાયનાયડમાં ગયા અને લોકો માટે શું ઊણપો રહી ગઇ એ બતાવી કોંગ્રેસને માનસિક ફટકો માર્યો. હકીકત એ બહાર આવી કે વીડિયોમાં દેખાયેલી સ્ત્રી એક જાણીતી નેપાળી ગાયિકા છે, ચીની રાજદ્વારી નહીં!

પણ ભારતીય જનતા પક્ષના માહિતી ટેકનોલોજી વિભાગના વડા અમિત માલવિયાએ તરત ટ્વીટ કર્યું. રાહુલ ગાંધી એક નેપાળી રાજદ્વારીની દીકરી સુમ્નીમા ઉદાસના લગ્નમાં ગયા હતા. આ નેપાળી રાજદ્વારી ભારતના ઉત્તરાખંડના કેટલાક પ્રદેશો પરના નેપાળના દાવાને ટેકો આપે છે! ભારતની પ્રાદેશિક અખંડિતતાને પડકારનારાઓ સાથે જ રાહુલે શા માટે સંબંધ રાખવા જોઇએ? ચીનથી નેપાળ સુધી રાહુલ આવા જ નેતાઓને ટેકો આપે છે? આ લગ્નમાં  પેલા ભારતના લોકોમાંથી માત્ર રાહુલ ગાંધી  એક માત્ર ન હતા.

માલવિયા દાવો કરે છે કે ઉત્તરાખંડના પ્રદેશ પર નેપાળના દાવાનું સમર્થન કરનાર વ્યકિતની નવી દિલ્હીમાં સી.એન.એન.ના ખબરપત્રી તરીકે કામ કરનાર દીકરીના લગ્નમાં આમંત્રણ અપાયેલા અન્ય ભારતીય અગ્રણીઓ હાજર ન હતા? શાસક પક્ષને એનાથી કંઇ લાભ નહીં થાય એટલે એ ઘટનાને સમાચારમાં ઝાઝું મહત્ત્વ નહીં અપાય, પણ આવી વ્યકિતની દીકરીના લગ્નમાં હાજરી આપી રાહુલ ગાંધીએ જઘન્ય ગુનો કરી નાંખ્યો હોય તો એ લગ્નમાં હાજર રહેનાર અન્ય લોકોને એ જ રીતે જોવા જોઇએ. પણ વિવાદ જગાવવા માટે આ મુદ્દો નથી કે કોઇ ઇરાદો નથી.

મોદી સત્તા પર આવ્યાને આઠ વર્ષ થયાં અને રાહુલ ગાંધી સામે વ્યૂહાત્મક રીતે ઝેરીલો પ્રચાર ચાલે છે અને કોંગ્રેસ બચાવમાં આવી ગઇ છે અને ખમીર ગુમાવે છે. તે યોગ્ય રીતે પ્રતિક્રિયા આપવામાં નિષ્ફળ ગયો છે. રાહુલ ગાંધી પણ ભારતીય જનતા પક્ષનું નિશાન બનવાથી દૂર નથી રહેતા. પક્ષના પ્રમુખ બનવું કે નહીં તે બાબતમાં પણ નિર્ણય લેવાનો તેમનો ખંચકાટ તેમને રાજકીય હરીફોનું વધુ નિશાન બનાવે છે. કાઠમંડુ વિવાદે તેમની આંખ ખોલી નાંખવી જોઇએ. વિવાદ એની જાતે શમી જશે એવી લાગણી દર્શાવવાને બદલે તેમણે અને તેમના પક્ષે આક્રમક બનવું જોઇએ.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top