Sports

ગુજરાત ટાઇટન્સ પાંચ રન છેટુ રહી જતાં મુંબઇ ઇન્ડિયન્સની પાંચ રને જીત

મુંબઇ : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની આજે અહીં રમાયેલી એક મેચમાં (Match) કેપ્ટન રોહિત શર્મા અને વિકેટકીપર બેટ્સમેન ઇશાન કિશને અપાવેલી સારી શરૂઆત અને અંતિમ ઓવરોમાં ટિમ ડેવીડની આક્રમક ઇનિંગની મદદથી મુંબઇ ઇન્ડિયન્સે (MI) મૂકેલા 178 રનના લક્ષ્યાંક સામે ગુજરાત ટાઇટન્સ (GT) પાંચ રન છેટુ રહી જતાં મુંબઇ ઇન્ડિયન્સે પાંચ રને જીત (Win) મેળવી હતી.

લક્ષ્યાંક આંબવા માટે મેદાને ઉતરેલી ગુજરાત ટાઇટન્સને રિદ્ધિમાન સાહા અને શુભમન ગીલે અર્ધસદી ફટકારવાની સાથે શતકીય ભાગીદારી કરીને સારી શરૂઆત અપાવી હતી. 111 રનના સ્કોર સુધીમાં આ બંનેની વિકેટ ગુમાવી હતી. સાઇ સુદર્શન અંગત 14 રન કરીને પોલાર્ડના બોલે હિટ વિકેટ આઉટ થયો હતો અને તે હિટ વિકેટ થનારો આ સિઝનનો પહેલો અને આઇપીએલમાં ઇતિહાસનો 14મો ખેલાડી બન્યો હતો. હાર્દિક પણ અંગત 24 રન કરીને રનઆઉટ થયો હતો. અંતિમ ઓવરમાં 9 રન કરવાના હતા અને રાહુલ તેવટિયા અને ડેવિડ મિલર ક્રિઝ પર હોવા છતાં ડેનિયલ સેમ્સે માત્ર ત્રણ જ રન આપીને મુંબઇને 5 રને જીત અપાવી હતી.

ગુજરાત ટાઇટન્સે ટોસ જીતીને ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યા પછી પ્રથમ દાવ લેવા ઉતરેલી મુંબઇ ઇન્ડિયન્સને રોહિત અને ઇશાનની જોડીએ શરૂઆતમાં 74 રનની ભાગીદારી કરી સારી શરૂઆત અપાવી હતી. રોહિત 28 બોલમાં 43 રન કરીને આઉટ થયો હતો. તે પછી 15 ઓવરમાં સ્કોર 119 સુધી પહોંચ્યો ત્યાં સુધીમાં મુંબઇએ ચાર વિકેટ ગુમાવી દીધી હતી. અંતિમ 5 ઓવર બાકી હતી ત્યારે ટિમ ડેવિડ બેટીંગમાં આવ્યો હતો અને તે આક્રમક ઇનિંગ રમીને 21 બોલમાં 4 છગ્ગા અને 2 ચોગ્ગાની મદદથી 44 રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો. તેની આ ઇનિંગને પ્રતાપે જ મુંબઇ 177 રન સુધી પહોંચી શક્યું હતું.

Most Popular

To Top