Comments

સિંહની ભાષા

એક માણસ બહુ બધા પ્રયત્નો અને વર્ષોથી મહેનત કરી રહ્યો હતો. પશુઓની ભાષા શીખવાની …મહામહેનતે તે જંગલના રાજા ગણાતા સિંહની ભાષા શીખ્યો.પછી તે જંગલમાં જઈને સિંહોની વાતો સાંભળતો અને તેમની બુદ્ધિનું માપ લેવાની કોશિશ કરતો રહેતો. એક મિત્રે પૂછ્યું, ‘દોસ્ત, મને લાગે છે કે આ ગાંડપણ છે. સિંહની ભાષા શીખીને તેઓ શું વાત કરે છે તે જાણીને તારે શું કરવું છે?’માણસે કહ્યું, ‘સિંહ જંગલનો રાજા છે. આટલાં બધાં પશુઓથી ભરેલા જંગલ પર તે કઈ રીતે બધાને કાબૂમાં અને ડરાવીને રાખીને રાજ કરે છે એટલે નક્કી તેનામાં કોઈ ખાસ જાણકારી અને અક્કલ હોવી જોઈએ.

મારે તે રીત શીખવી છે ..મારે તે જાણવું છે કે સિંહમાં એવી તે કઈ વિશેષ બુધ્ધિ છે જે તેને રાજા બનાવે છે.’  એક દિવસ માણસ જંગલમાં ફરી ફરીને છુપાઈને સિંહની વાતો સાંભળી રહ્યો હતો.હજી આજ સુધી તેને ઘણું સાંભળ્યા બાદ પણ એવું કંઈ વિશેષ જાણવા મળ્યું ના હતું.આજે બે સિંહ કઈ વાત કરી રહ્યા હતા.બે સિંહની વાતમાં એક સિંહે કહ્યું, ‘મહારાજા, એક ઊડતી ઊડતી વાત આવી છે કે એક માણસ જંગલમાં છુપાઈ છુપાઈને ફરે છે, પણ શિકારી નથી અને તેનો આશય શું છે તે ખબર પડતી નથી.’ બે સિંહને પોતાના વિષે વાત કરતા સાંભળીને માણસ ખુશ થઇ ગયો. થોડી વાર તેણે વાતો સાંભળી પછી સામે જઈને સિંહોની સાથે તેમની ભાષામાં કહ્યું, ‘હું જ એ માણસ છું.

તમારી ભાષા જાણું છું અને તમને સમજવા અને તમારી બુધ્ધિશક્તિને જાણવા છુપાઈને વાતો સાંભળું છું. મારો કોઈ ઈરાદો નથી તમને નુકસાન પહોંચાડવાનો….’ આ માણસને જોઇને બે સિંહ હસવા લાગ્યા અને બોલ્યા, ‘અમારી ભાષા શીખીને શું મેળવ્યું?’ માણસ બોલ્યો, ‘હજી સુધી ખાસ કહેવાય એવું કંઈ નહિ.’ વળી સિંહ હસ્યા.  માણસે તેમને પૂછ્યું, ‘આમ હસો છો કેમ?’ સિંહે કહ્યું, ‘અમે સાંભળ્યું હતું કે માણસ બહુ લાલચુ અને ઈર્ષાળુ છે અને બુદ્ધિમાન પણ તેનાથી બચતાં રહેવું.અમે જંગલમાં રહીએ છીએ. તમારાથી દૂર અને તમે અહીં શિકાર કરવા આવી અમને નુકસાન પહોંચાડો છો.

અમે કંઈ તમારે ત્યાં આવી હુમલો કરતા નથી.અમે અમારી દુનિયામાં મસ્ત છીએ. અમને કોઈ સિંહ તમારી ભાષા શીખવાનો જાણવાનો પ્રયત્ન નથી કરતા અને અમને તમારી માણસની ભાષા શીખવાની જરૂર લાગતી પણ નથી અને તમને તમારી ભાષા આવડે છે તો અમારી ભાષા શીખીને શું કામ છે.જે નકામાં કામમાં સમય વેડફે તેની પર હસીએ નહિ તો શું કરીએ?’માણસ ચૂપ થઈ ગયો.  આવું આપણે રોજ કરીએ છીએ. આપણા કામ સાથે કામ રાખવાને બદલે અન્ય કામમાં માથું મારીએ છીએ અને પોતાની શક્તિ અને સમયનો વેડફાટ કરીએ છીએ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top