Columns

જાસૂસી કાંડમાં ભારતની સુપ્રિમ કોર્ટની અગ્નિપરીક્ષા થવાની છે

રશિયા અને ચીન જેવા સરમુખત્યારશાહી દેશોમાં સરકાર દ્વારા જે રીતે નાગરિકોની જાસૂસી કરવામાં આવે છે તે રીતે ભારતમાં કેટલાક લોકોની જાસૂસી માટે ઇઝરાયલના પેગાસસ સ્પાયવેરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ભારત સરકાર મગનું નામ મરી પાડવા તૈયાર નથી. ભારત સરકાર કબૂલ કરતી નથી કે તેણે આ રીતે જાસૂસી કરવાનો આદેશ આપ્યો હતો. ભારત સરકાર ઇનકાર પણ કરતી નથી કે તેણે જાસૂસી કરવાનો આદેશ આપ્યો નહોતો. ભારત સરકાર આ પ્રકરણમાં તપાસનો આદેશ આપવા પણ તૈયાર નથી. ઇઝરાયલની કંપની કહે છે કે તેમનું સોફ્ટવેર તેઓ માત્ર સરકારોને જ વેચે છે. આ સ્પાયવેરનો ઉપયોગ રીઢા ગુનેગારો અને આતંકવાદીઓ ઉપર નજર રાખવા માટે જ કરવાનો હતો.

ભારતમાં તેનો ઉપયોગ રાજકારણીઓ, પત્રકારો અને ઉદ્યોગપતિઓ ઉપર નજર રાખવા માટે કરવામાં આવતો હતો. સુપ્રિમ કોર્ટના રિટાયર્ડ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ પર જાતીય સતામણીના ગંભીર આક્ષેપો કરનાર મહિલા કર્મચારી અને તેની સાથે સંકળાયેલા દસ મોબાઇલ નંબરો ઉપર પણ વોચ રાખવામાં આવતો હતો. ચૂંટણી પંચના એક અધિકારી અને સીબીઆઈના બે અધિકારીઓ પણ જાસૂસીજાળનો ભાગ હતા. કેન્દ્ર સરકારે પોતાના પ્રધાનોને અને માનીતા ઉદ્યોગપતિઓને પણ છોડ્યા નહોતા. જો સરકારનો દાવો હોય કે આ જાસૂસી કાંડમાં તેની કોઈ ભૂમિકા નથી; તો તે દાવો પુરવાર કરવા માટે પણ તેણે તપાસનો આદેશ આપવો જોઈએ.

ભારતની સરકાર જ્યારે જાસૂસી કાંડને કારણે શંકાના દાયરામાં છે ત્યારે ભારતની લોકશાહીને જીવંત રાખવાની જવાબદારી હવે સુપ્રિમ કોર્ટના શિરે આવી ગઈ છે. સુપ્રિમ કોર્ટ આજે પેગાસસના દુરુપયોગ સામે જાહેર હિતની સંખ્યાબંધ અરજીઓની સુનાવણી કરવાની છે. તેમાંની એક અરજી ચોથી જાગીરના ભાગ સમાન પ્રેસ ગિલ્ડ ઓફ ઇન્ડિયાની છે. જો સુપ્રિમ કોર્ટ આ પ્રકરણમાં તળિયાઝાટક તપાસનો આદેશ આપશે તો ભારતની લોકશાહી બચી જશે.

પેગાસસ જાસૂસીકાંડ બહાર આવ્યો ત્યારથી ભારત સરકાર એક જ ગાણું ગાઈ રહી છે કે આ પ્રકરણ ભારતની આંતરરાષ્ટ્રીય ઇમેજને ધક્કો પહોંચાડવા માટે ચગાવાઈ રહ્યું છે. તેના પુરાવા તરીકે તેઓ તા. ૧૮ જુલાઈના રોજ પ્રકરણનો ધડાકો કરવામાં આવ્યો તેને ટાંકે છે. સરકારના કહેવા મુજબ તા. ૧૯ જુલાઇથી સંસદનું સત્ર ચાલુ થવાનું હોવાથી ૧૮ જુલાઈના તેનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો. સરકારને કદાચ એ વાતની ખબર નહીં હોય કે સંસદનું સત્ર ૧૯ જુલાઈના યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો તે પહેલાંથી ઘટસ્ફોટ ૧૮ જુલાઈના કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. વળી જે કૌભાંડમાં દુનિયાના અનેક દેશોની સરકારો સંડોવાયેલી છે, તેનો ભાંડો ફોડવાથી ભારત સરકાર સામે જ કાવતરું કરવામાં આવ્યું છે, તેવું કેમ કહી શકાય? ભાજપના મીડિયા સેલે તો ભારતનાં નાગરિકોની જાસૂસી પણ જરૂરી હોવાની વાતો વહેતી મૂકી છે.

ભારત સરકારે એક સાદા સવાલનો જ જવાબ આપવાનો છે : ‘‘શું તેણે પેગાસસનો ઉપયોગ તેના પોતાના જ નાગરિકોની જાસૂસી કરવા માટે કર્યો હતો?’’ બે વિદેશી લેબે પ્રમાણિત કર્યું છે કે ભારત પેગાસસનું માર્કેટિંગ કરતી કંપની એનએસઓનું ગ્રાહક છે. સરકાર ક્યાં સુધી આ હકીકતનો ઇનકાર કર્યા કરશે? જો સરકાર આ હકીકત સ્વીકારી લે તો તેણે સાબિત કરવું પડે કે જે રાજકારણીઓ, પત્રકારો, સુપ્રિમ કોર્ટના કર્મચારીઓ, પ્રધાનો અને સીબીઆઈના અધિકારીઓ પર જાસૂસી કરવામાં આવી હતી તેઓ દેશની સલામતી માટે ખતરારૂપ હતા. સરકાર આવું સાબિત કરી શકે તેવી સ્થિતિમાં નથી.

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આક્ષેપ છે કે ૨૦૧૪ માં તેઓ સત્તામાં આવ્યા તે પછી તેમણે ક્રમશ: લોકશાહીનું સંરક્ષણ કરતી એક પછી એક સંસ્થાઓને ખતમ કરવા માંડી હતી. તેમાં સુપ્રિમ કોર્ટ, ચૂંટણી પંચ, સીવીસી, કેગ, મીડિયા, સીબીઆઈ વગેરેનો સમાવેશ થતો હતો. જો પેગાસસ જાસૂસી કાંડ માટે જવાબદાર લોકોને કોઈ સજા નહીં કરવામાં આવે તો તે ભારતની લોકશાહીની કબર પર આખરી ખીલો હશે.

આ જાસૂસીકાંડનો પ્રભાવ માત્ર ભારતની રાજકીય, મીડિયા અને કાનૂની સિસ્ટમ પૂરતો મર્યાદિત નથી. તેની અસર ભારતના મુક્ત ગણાતા અર્થતંત્ર, ભારતની શિક્ષણવ્યવસ્થા, ભ્રષ્ટાચારવિરોધી આંદોલન, કિસાન આંદોલન, બંધારણના મૂળભૂત અધિકારો, પ્રાઇવસીનો અધિકાર વગેરે ઉપર પણ પડશે. અહીં મુખ્ય સવાલ એ પૂછાઈ રહ્યો છે કે સરકાર કેમ આટલી ભયભીત છે કે તેણે પોતાના સામાન્ય નાગરિકો પર પણ જાસૂસી કરવી પડે છે? શું સરકારની આ પ્રવૃત્તિ ભારતની લોકશાહીના અસ્તિત્વ માટે ખતરનાક ન ગણી શકાય?

દુનિયાના અનેક દેશોની સરકારો દ્વારા ઇઝરાયલના સ્પાયવેરનો ઉપયોગ કરીને તેના નાગરિકો ઉપર જાસૂસી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. કેટલીક સરકારો દ્વારા તો તેમના દુશ્મન દેશના વડા પર પણ જાસૂસી કરવામાં આવતી હતી. દુનિયાના અનેક વિખ્યાત મીડિયા ગૃહોના વિખ્યાત પત્રકારો પર પણ જાસૂસી કરવામાં આવી હતી. તેમાંના કેટલાક દેશોમાં સરમુખત્યાર અને આપખુદ સરકાર છે.

જે આરબ દેશોમાં નાગરિકોને ગુલામ ગણવામાં આવે છે તેની સરકારો દ્વારા પણ પેગાસસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ભારત સરકાર પણ હવે આ પંક્તિમાં બેસી ગઈ છે. વિશ્વની અનેક સંસ્થાઓ દ્વારા લોકશાહીના પ્રમાણ બાબતમાં ભારતનું રેટિંગ સતત કથળી રહ્યું છે. કોવિડ-૧૯ નો પ્રચાર શરૂ થયો ત્યાર પછી સરકારે તેનો ડર બતાવીને નાગરિકોની હરવાફરવાની અને રોજીરોટી રળવાની સ્વતંત્રતા તો આંચકી જ લીધી છે. હવે પ્રજાની જાસૂસી કરીને ભારત આપખુદ સરકારો ધરાવતા સામ્યવાદી દેશોની પંગતમાં બેસી ગયું છે. અમેરિકા પર ૯/૧૧ નો આતંકવાદી હુમલો થયો તે પછી તેણે સલામતી ખાતર પોતાના નાગરિકો પર દેખરેખ વધારી હતી, પણ તેમાંના મોટા ભાગના લોકો આતંકવાદ સાથે જોડાયેલા હતા. મેક્સિકોમાં ડ્રગ માફિયાનું રાજ ચાલતું હોવાથી ત્યાંની સરકાર ડ્રગ માફિયાઓ પર નજર રાખવા માટે સ્પાયવેરનો ઉપયોગ કરે તો તે સમજી શકાય તેવી વાત છે.

ભારતે તો સ્પાયવેરનો ઉપયોગ સરકારના વિરોધીઓ ઉપરાંત ઘરનાં લોકો પર પણ નજર રાખવા માટે કર્યો હતો. આ યાદી જોઈને ખ્યાલ આવે છે કે ભારત સરકાર પોતાના જ લોકોથી કેટલી ભયભીત હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની ટીમ ઇસ્લામનો ડર બતાડીને સત્તા પર આવી છે. આ સરકાર સતત અસલામતીથી પીડાય છે. તેને ચારે તરફ દુશ્મનો નજરે પડે છે, જેની પર નજર રાખવી જરૂરી છે. ભારતમાં કટોકટીના કાળને બાદ કરતાં તેના નાગરિકો પર આ રીતે જાસૂસી કરવામાં આવી હોય તેવું પહેલી વખત બન્યું છે. કટોકટીની ટીકા કરવાની એક પણ તક ન ચૂકનારી સરકારે અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોવા જેવું છે.

પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ પેગસાસ કાંડની તપાસનો આદેશ આપ્યો છે, પણ કેન્દ્રના સહકાર વિના તેઓ કાંઇ પણ કરી શકે તેમ નથી. તાજેતરના અમુક કેસોમાં સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસ રામન્નાએ પોતાના સ્વતંત્ર મિજાજનો પરિચય આપી દીધો હતો. પેગાસસ જાસૂસી કાંડ ચીફ જસ્ટિસ માટે પણ કસોટી સમાન છે. શું તેઓ ભારતની વાઇબ્રન્ટ લોકશાહીની અને મજબૂત બંધારણની રક્ષા કરવામાં સફળ થશે ખરા?-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top