Feature Stories

આઝાદીને નજરો નજર જોનાર વડીલોનું કહેવું છે આઝાદી બાદ વિકાસ અફલાતૂન થયો પણ માનવતાનો દાટ વળ્યો

આ 15મી ઓગસ્ટે દેશની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થશે એટલે દેશવાસીઓમાં સ્વાતંત્ર્ય પર્વ ઉજવવા માટેનો થનગનાટ જોવા મળી રહ્યો છે. આઝાદીકા અમૃત મહોત્સવ અને હર ઘર તિરંગાની થીમ પર સ્વાતંત્ર્ય પર્વ મનાવવા માટેની તડામાર તૈયારીઓ દેશમાં સર્વત્ર ચાલી રહી છે. આઝાદી પહેલાંના સમયમાં અને અત્યારના સમયમાં ઘણું બધું બદલાઈ ગયું છે. દેશનો વિકાસ અફલાતૂન થયો છે પણ માનવમન સાંકડાં થયાં હોવાની વાતો પણ સાંભળવા મળી રહી છે. આપણી વચ્ચે એવા લોકો પણ છે જેમણે આઝાદી પહેલાંનો સમય પણ જોયો છે, આઝાદીનો સમય પણ જોયો છે અને આઝાદી બાદનો પણ સમય જોઈ રહ્યાાં છે. આ વડીલોની નજરમાં આઝાદી પહેલાંના સમય અને આઝાદી બાદના અત્યારના સમયમાં શું ફર્ક જોવા મળી રહ્યાાં છે તે આપણે તેમના જ શબ્દોમાં જાણીએ અને સાથે-સાથે આજના યંગસ્ટર્સ પાસેથી પણ જાણીએ કે તેઓ શું માને છે કે અત્યારે વિકાસની સાથે મૂલ્યોનું પતન થયું છે?

આપણા ખેતીપ્રધાન દેશમાં શહેરીકરણ વધી ગયું છે : સુમિત્રાબેન જરીવાળા
પીપળોદ વિસ્તારમાં રહેતાં 88 વર્ષીય સુમિત્રાબેન જરીવાળાએ જણાવ્યું કે, ‘‘દેશને આઝાદી મળી ત્યારે હું 13 વર્ષની હતી. એ સમયમાં ઘોડાગાડી અને સાઇકલ હતી જ્યારે મોટરકાર થોડી સંખ્યામાં હતી. હવે તો વાહનોની સંખ્યા વધતા રસ્તા પર ચાલવાનું મુશ્કેલ બની ગયું છે અને વાતાવરણ સ્વચ્છ નથી રહ્યું જેથી પ્રદૂષણ વધ્યું છે. આપણો દેશ ખેતીપ્રધાન દેશ હતો પણ હવે શહેરીકરણ વધી ગયું છે. રાસાયણિક ખાતરનો ઉપયોગ વધતાં શાકભાજીમાં મીઠાશ નથી રહી. એ સમયે દેશી ખાતરથી પાક લેવામાં આવતો. ત્યારે કતારગામની પાપડી, રાંદેરનો પોંક વખણાતો અત્યારે પણ વખણાય છે પણ ઓછું. હું તે સમયે ગાડી ચલાવતી, બાળકોને સ્કૂલેથી લેવા-મૂકવા ગાડી લઈ જતી. એ જમાનામાં સોંઘવારી હતી. ઓછા પગારમાં લોકોનું ગુજરાન ચાલતું. મને એ સમય ગમતો કારણ કે લોકોમાં એકતા હતી. સંયુક્ત પરિવાર હતા. ત્યારે સાત્ત્વિક ખોરાક લેવાતો અને અત્યારનો જમાનો ફાસ્ટ ફૂડનો બની ગયો છે.’’

ઘરમાં વડીલો એકલાં પડી ગયાં છે: શોભનાબેન ઠક્કર
પાર્લેપોઇન્ટ વિસ્તારમાં રહેતાં અને અખિલ હિંદ મહિલા પરિષદ બૃહદ શાખા-સુરતનાં પ્રમુખ રહી ચૂકેલાં 89 વર્ષીય શોભનાબેન ઠક્કર કહે છે કે, ‘‘જ્યારે દેશને આઝાદી મળી ત્યારે હું 10 વર્ષની હતી. એ સમયે ઘરની છોકરીઓ, મહિલાઓ ઘરની બહાર નહીં જઈ શકતી. જયારે અત્યારે ઘરની વહુ-દીકરી નોકરી કરવા બહાર જવા માટે સ્વતંત્ર છે. અત્યારે દેશનો વિકાસ ખૂબ સારો થયો છે પણ ભાઈચારાની ભાવના ઘટી ગઈ છે. અત્યારે દેશપ્રેમની લાગણી ઓછી થઈ ગઈ છે. અત્યારના લોકો પૈસા કમાવાની દિશા તરફ દોડતા જોવા મળી રહ્યા છે. પહેલાંના લોકો ડીસિપ્લીનમાં રહેતા. વાટકીવ્યવહાર પહેલાં હતો અત્યારે તો વાટકીવ્યવહાર વિસારે પાડી દેવામાં આવ્યો છે. તે જમાનામાં ખાળકૂવા હતા. ખાળકૂવા ભરાઈ નહીં જાય તે માટે ઘરની મહિલાઓ તાપી નદીએ કપડાં ધોવા જતી. અત્યારે ડ્રેનેજની સુવિધા વધી છે. એ સમયમાં પાણીના નળની સુવિધા નહોતી. કૂવામાંથી પાણી લાવવું પડતું. આમ છતાં એ સમયની લાઈફ પીસફુલ હતી. પહેલાં લોકો હળીમળીને રહેતાં અત્યારે તો પાડોશમાં કોણ રહે છે તેની પણ ખબર નથી હોતી. એ સમયમાં ટેલિફોન, ઈન્ટરનેટની સુવિધા હતી જ નહીં એટલે લોકો ભેગા મળીને રહેતા. એકબીજાને સમય આપી શકતા. અત્યારે લોકો મોબાઇલની દુનિયામાં રચ્યાપચ્યા રહેતાં હોવાથી માનવ-માનવ વચ્ચેનું અંતર વધતું જાય છે. પહેલાં ઘરમાં વસ્તી લાગતી અને હવે બહાર નીકળતા થઈ ગયા હોવાથી ઘરમાં વડીલો એકલાં પડી ગયા છે. મને આજના સમય કરતાં એ સમય વધારે ગમતો કેમ કે ત્યારે મોબાઇલ નહીં હોવા છતાં લોકો એકબીજાની સાથે કનેક્ટ રહેતાં. એ સમયમાં સ્કૂલોની સંખ્યા ઓછી હતી પણ હવે સારી વાત એ છે કે ઘરની બહેનો, દીકરીઓ ભણતી થઈ ગઈ છે. જો કે આજના સમયમાં સુવિધાઓ વધવા છતાં મને એ સમય ગમતો કેમ કે લોકો વાર-તહેવારે એક થઈ જતાં. એકતાની ભાવના હતી. અત્યારના સમયમાં તો જ્યાં જુઓ ત્યાં બીલ્ડિંગ અને બીલ્ડિંગ જ જોવા મળે છે. અત્યારે ઇન્ડસ્ટ્રી વધતાં ધુમાડાને કારણે શુદ્ધ વાતાવરણ જોવા મળતું નથી.’’

આઝાદી બાદ રાજકારણ આવ્યું અને દેશભાવના ઘટી: છગનભાઇ પટેલ
ચોર્યાસી તાલુકાના મોહણી ગામના 87 વર્ષના છગનભાઇ પટેલે જણાવ્યું કે, ‘‘આઝાદી પહેલાં લોકોમાં જે દેશભાવના હતી તે હવે જોવા નથી મળતી. આઝાદી પછી રાજકારણ આવ્યું અને સાથે દેશભાવના ઘટી છે. હવે આડંબર વધારે જોવા મળે છે. આઝાદી બાદ દેશનો ખૂબ સારો વિકાસ થયો તેમાં કોઈ બેમત નથી. આઝાદી પહેલાં રોડ-રસ્તાની એટલી સુવિધા નહોતી. હવે ગામોમાં પણ રોડ-રસ્તા સારા બન્યા છે. પહેલાં ગામોમાં ખેતરમાં જવું હોય તો પહેલાં કાદવ કાઢવો પડતો. હું મોહણી ગામની સ્કૂલનો રીટાયર્ડ પ્રિન્સિપાલ છું. હું જ્યારે નોકરીએ લાગ્યો ત્યારે મારો પગાર 75 રૂપિયા હતો એ પગારમાં ઘરખર્ચ ચાલવાની સાથે 20 રૂપિયાની બચત પણ થતી એટલી સોંઘવારી હતી. એ સમયમાં અમેરિકન ડોલર અને રૂપિયાનો ભાવ સરખો હતો. એક ડોલર બરાબર એક રૂપિયો હતો પણ અત્યારે એક ડોલર બરાબર 80 રૂપિયા થયા છે. પહેલાં બીમારીઓ હતી પણ ઘરગથ્થુ ઈલાજ થતાં અત્યારે બીમારીઓ વધી છે એટલે હોસ્પિટલોની સંખ્યા વધી છે. પહેલાં સાધનો ઓછાં હતાં એટલે પ્રદૂષણ ઓછું હતું જયારે હવે વાહનોની સંખ્યા વધતાં હવાનું પ્રદૂષણ વધ્યું છે. પહેલાંના લોકોમાં નૈતિકતા જોવા મળતી જેનું હવે અધઃપતન થયું છે. માનવતા અત્યારના સમયમાં જોવા મળવી થોડી મુશ્કેલ છે. આજના સમય કરતાં મને એ સમય વધારે ગમતો કેમ કે શુદ્ધ હવા અને ચોખ્ખો ખોરાક મળી રહેતો. અત્યારે હેલ્ધી ફૂડ કરતાં જંક ફૂડ વધારે ખવાય છે. એ સમયે લોકોમાં એકતાની ભાવના હતી જે હવે મરી પરવારી છે.’’

પંખો નહોતો એટલે ગરમીથી બચવા ભીનાં કપડાંમાં સૂઈ જતાં: બડાના ચંદ્રશેખર નાયડુ
ઘોડદોડ રોડ વિસ્તારમાં રહેતા 93 વર્ષીય બડાના ચન્દ્રશેખર નાયડુએ જણાવ્યું કે, ‘‘હું છેલ્લાં 50 વર્ષથી સુરતમાં રહું છું. મારું વતન આંધ્રપ્રદેશમાં વિશાખાપટ્ટનમ છે. અંગ્રેજ લોકોએ આપણામાં ચા અને કોફીની બેડ હેબીટ પાડી છે. અંગ્રેજો તો પોતાનો ફાયદો જ જોતાં. અત્યારના સમયમાં કેમિકલ પલાન્ટ, સિમેન્ટ ફેકટરી, ટેક્સટાઇલને કારણે પોલ્યુશન વધ્યું છે. હું આ ઉંમરે પણ એક્સરસાઈઝ કરું છું, પ્રાણાયમ કરું છું એટલે 93 વર્ષે પણ મારી હેલ્થ સારી છે. અત્યારના સમયમાં દરેક પાસે દવાનું બોક્સ હોય છે. તે સમયનો માઈનસ પોઇન્ટ એ હતો કે વીજળી, ગેસની, રોડની સુવિધા નહોતી. આજના સમયમાં આ સુવિધાઓ વધી છે. અત્યારે તો વિકાસ ઝડપી ગતિએ થઈ રહ્યો છે. ઈન્ટરનેટ, મોબાઈલની સુવિધા ડેવલપ થવાથી લોકો એકબીજા સાથે કનેક્ટ રહે છે. એરોપ્લેનને કારણે એક દેશથી બીજા દેશનું અંતર ઘટ્યું છે જે આજના સમયનો સારો પ્લસ પોઇન્ટ છે. પહેલાંના સમયમાં સ્કૂલોની સંખ્યા ઓછી હતી જ્યારે આજના જમાનામાં શિક્ષણનું લેવલ વધ્યું છે. અત્યારે ઈન્ડસ્ટ્રીઝ વધવાને કારણે રોજગારની તકો વધી છે. આમ છતાં મને એ સમય ગમતો કારણ કે અમારા ગામમાં એ સમયે હજામને, ધોબીને પૈસા નહીં આપવા પડતા. પૈસાને બદલે અનાજ અપાતું. એ જમાનામાં અમે 12 કલાક સૂતા અને 12 કલાક કામ કરતા. જો કે એ સમયમાં પંખા નહોતા એટલે ગરમી નહીં લાગે એના માટે ભીનાં કપડાં પહેરીને સૂઈ જતાં. આઝાદી મળી ત્યારે દેશની વસ્તી લગભગ 34 કરોડ હતી જે હવે 134 કરોડ જેટલી થઈ છે.વર્તમાન સમયમાં જંક ફૂડ, આઈસ્ક્રીમ, બેકરીની આઈટમ સ્વાસ્થ્યને બગાડે છે.’’

અત્યારના લોકો ફેશનની પાછળ દોડે છે: સ્મૃતિ પંચાલ
જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી 28 વર્ષીય સ્મૃતિ પંચાલે જણાવ્યું કે, ‘‘હું યંગસ્ટર તરીકે આજનો સમય પસંદ કરું છું પણ મને લાગે છે કે પહેલાંના સમયમાં અને અત્યારના સમયમાં ખાસ્સો તફાવત છે. એ સમય એવો હતો કે લોકો એકબીજાને સમય આપતા. ટીવી અને ઈન્ટરનેટનો તે જમાનો નહોતો એટલે લોકો પાસે બીજા માટે પણ સમય હતો. જ્યારે આજે આપણને લોકો પાસેથી એ જ સાંભળવા મળે છે કે હું કામમાં છું. એ એવો સમય હતો કે લોકો ફેશન પાછળ નહીં દોડતા જ્યારે આજે તો લોકોની ફેશન જ લાઇફસ્ટાઇલ બની ગઈ છે. આજે પ્રગતિ બહુ સારી થઈ છે. ઈન્ટરનેટના આજના જમાનાને કારણે કામ ઝડપી ગતિએ થઈ રહ્યાં છે પણ માનવ મન સાંકડા થઈ રહ્યાં છે. બંને સમય પોત-પોતાની રીતે યોગ્ય છે. પહેલાંના લોકો ચોખ્ખું ખાઈને હેલ્ધી રહેતા પણ આજે તો લોકોને હોટેલ અને રેસ્ટોરન્ટનું ખાવા જોઈએ. અત્યારના સમયમાં એજ્યુકેશનનું સ્તર ઊંચું ગયું છે. હોસ્પિટલની સુવિધા વધી છે. રોડ,રસ્તા, સ્ટ્રીટલાઈટ, ડ્રેનેજ, પેયજળની સુવિધા આપણને મળી રહી છે. હા, સુખ-સુવિધા આજના સમયમાં ચોક્કસ વધી છે પણ શાંતિ છીનવાઈ ગઈ છે. માનવતા તો આજે પણ છે. કેટલાંય લોકો એક થઈને ઉજવે છે. આઝાદીના સમયે આપણી વસ્તી 34 કરોડની હતી અત્યારે આપણે વસ્તીવધારાની સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ અત્યારની વસ્તી 134 કરોડના આંકડાને પાર કરી ગઈ છે. વ્યક્તિગત આવક અત્યારના સમયમાં વધી છે. એજ્યુકેશન, હેલ્થ, ખેતીની બાબતમાં ખાસ્સો બદલાવ આવ્યો છે.’’

પહેલાં પુરુષપ્રધાન દેશ હતો જ્યારે અત્યારે સ્ત્રી-પુરુષ ઇકવલ થયાં છે: ક્રિષ્ના રેવડીવાળા
વેડરોડ વિસ્તારમાં રહેતી 21 વર્ષીય ક્રિષ્ના રેવડીવાળાએ જણાવ્યું કે, ‘‘આઝાદી પહેલાંના સમયની મેં જે વાતો સાંભળી છે તે પ્રમાણે કહું તો ત્યારના જમાનામાં ખાદ્ય વસ્તુઓમાં કોઈ મિલાવટ નહોતી થતી. ચોખ્ખું ખાવાનું મળતું. પ્રદૂષણમુક્ત વાતાવરણ હતું. જો કે એ સમયે મહિલાઓને એટલું ફ્રીડમ નહોતું. મહિલાઓ ઘર સાચવવાનું કામ કરતી. એ સમયે દેશ પુરુષપ્રધાન દેશ હતો જ્યારે અત્યારના સમયમાં સ્ત્રી-પુરુષ બંને ઇકવલ થયાં છે. મહિલાઓ ઘરની બહાર નીકળીને જોબ કરતી થઈ છે. હું યંગસ્ટર તરીકે આજનો સમય જ પસંદ કરું છું. આજનો જમાનો ટેક્નોલોજીનો યુગ છે. એ સમયે એક દેશથી બીજા દેશનું કનેક્શન એટલું નહોતું જ્યારે આજે ઇઝીલી કનેક્ટ થઈ શકે છે. આજના જમાનામાં યંગસ્ટર્સ પાસે રોજગારની વિપુલ તકો છે. આજના અને ત્યારના બંને સમયના પ્લસ અને માઈનસ પોઇન્ટ છે. અત્યારના લોકો પોત-પોતાનું જ જુએ છે, પોતાના કામથી જ મતલબ રાખે છે પણ એવું પણ નથી કે આજના સમયમાં કોઇ કશે અટવાયેલું હોય તો કોઈ મદદે નહીં આવે. આજે પણ એવા લોકો છે જે મદદે દોડી આવે છે. માનવધર્મ અત્યારે પણ છે.’’

અત્યારે વિકાસ સારો છે તેની સામે મોંઘવારી વધી છે: પાયલ છોવાળા
વેડરોડ વિસ્તારમાં રહેતી 23 વર્ષીય પાયલ છોવાળાએ જણાવ્યું કે, ‘‘આજના અને ત્યારના બંને સમયના પ્લસ અને માઈનસ પોઇન્ટ છે. એ સમયે સોંઘવારી હતી તો આજે મોંઘવારીએ માઝા મૂકી છે. ત્યારના કરતાં અત્યારે વિકાસ સારો થયો છે પણ તે સામે મોંઘવારી પણ વધી છે. ત્યારે પણ એકતા હતી અને આજે પણ એકતાનો માહોલ જોવા મળે છે. આપણે ટેક્નોલોજીમાં ખાસ્સા આગળ વધી ગયા છીએ. ત્યારના સમયમાં ટેક્નોલોજી નામ માત્રની હતી. અત્યારે વાહનોનું સુખ છે, નોકરીની વિપુલ તકો આજના સમયમાં છે. જો કે આવક વધી છે તેની સામે ખર્ચા વધવાને કારણે અને ભૌતિક સુખ-સુવિધા માટે આંધળી દોટને કારણે બચત નથી થઈ શકતી. મારા વડીલો કહેતા કે તે સમયનું વાતાવરણ સ્વચ્છ હતું પણ અત્યારે આપણે પ્રદૂષણથી ત્રસ્ત થયા છીએ. પણ હું માનું છું કે હવે ઇલેક્ટ્રિક વાહનોનું ચલણ વધી રહ્યું છે એ જોતાં લાગે છે કે પ્રદૂષણ ઘટતું જશે. હું તો આજનો સમય પસંદ કરું છું કારણ કે એક સ્ત્રી તરીકે હું જોઉં છું કે મહિલાઓને અત્યારે ખાસ્સી સ્વતંત્રતા મળી છે. અત્યારે રાષ્ટ્રભાવના ઓછી થઈ છે એવું મને લાગે છે. જો કે માનવતા અત્યારે પણ જીવંત છે પણ મન સાંકડાં થયાં છે.’’
જેમણે આઝાદી પહેલાંનો સમય જોયો છે અને આઝાદી બાદનો અત્યારનો સમય જોઈ રહ્યા છે તેમનું કહેવું છે કે દેશ વિકાસની ગતિએ ખૂબ આગળ વધી ગયો છે તેમાં કોઈ બેમત નથી પણ એની સામે પહેલાં દેશ માટે લોકોની જે એકતાની ભાવના હતી તે પાછળ છૂટી ગઈ છે. અત્યારે લોકો દેખાડો વધુ કરે છે. વડીલો માટે ઘરના લોકોએ જે સમય આપવો જોઈએ તે નથી આપતા. એને કારણે વડીલો એકલા પડી ગયા છે. ભૌતિક સુખ-સુવિધા વધી ગઈ છે એની સામે શાંતિ છીનવાઈ ગઈ છે. પહેલાંનો જે જમાનો હતો તેમાં સુવિધાનાં સાધનો ઓછાં હતાં પણ માનવમન ખૂબ વિશાળ હતું. ઔદ્યોગિક વિકાસની સાથે રોજગારની વિપુલ તકો ઊભી થઇ પણ એની સામે પ્રદૂષણે માઝા મૂકી એટલે લોકોનું સ્વાસ્થ્ય પહેલાં જેટલું મજબૂત નથી રહ્યું.

Most Popular

To Top