Vadodara

ભગવાન સરકારને સદબુદ્ધિ આપે તે માટે તબીબોએ રામધૂન બોલાવી

વડોદરા : પડતર માંગણીઓ સંદર્ભે તબીબોની ચાલી રહેલ રાજ્યવ્યાપી હડતાળ બીજા દિવસે પણ યથાવત રહેવા પામી હતી. ત્યારે મેડિકલ ટીચર્સ એસોસિએશન વડોદરાના સયાજી હોસ્પિટલ, ગોત્રી જીએમઈઆરએસ અને કામદાર રાજ્ય વીમા યોજના જનરલ હોસ્પિટલના તબીબી પ્રાધ્યાપકો સહિતના તબીબોએ ભગવાન સરકારને સદબુદ્ધિ આપે તે માટે રામધૂન બોલાવી હતી. જ્યારે બીજીતરફ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓની સારવારમાં અસર વર્તાઈ હતી.જ્યારે કેટલાક મૃતદેહોના પોસ્ટમોર્ટમ પણ અટવાયા હતા.

વડોદરાની સયાજી, ગોત્રી જનરલ હોસ્પિટલ, કામદાર રાજ્ય વીમા યોજના જનરલ હોસ્પિટલ સહિતની સરકારી હોસ્પિટલોના તબીબો પડતર પ્રશ્નોની માંગણી નહીં સંતોષાતા રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળમાં જોડાયા છે.ત્યારે સયાજી હોસ્પિટલની મેડિકલ કોલેજ ખાતે એકત્ર થયેલા મેડિકલ ટીચર્સ એસોસિયેશનના નેજા હેઠળના તબીબોએ રામધૂન બોલાવી વિરોધ કર્યો હતો. જોકે ઈન્ટર્ન અને રેસિડેન્ટ તબીબોએ સેવા ચાલુ રાખતા દર્દીઓની સારવારની પરિસ્થિતિ કાબુમાં હોવાનું જાણવા મળ્યું હતું.ખાસ કરીને તાત્કાલિક વિભાગના એમએલઓ વિભાગ અસરગ્રસ્ત બનતા હાલાકીનો વખત આવ્યો છે. વડોદરા શહેર અને જિલ્લાના 600થી વધુ તેમજ રાજ્યના 10 હજાર તબીબો હડતાળ પર જતા ઓપીડી અને ઈમરજન્સી સેવાઓ ખોરવાઇ છે. અગાઉ પાડેલી હડતાળ બાદ ખાતરી અને આશ્વાસન આપવા છતાં માગ નહીં સંતોષતા તબીબોએ ફરી હડતાળનું શસ્ત્ર ઉગામ્યુ છે.

કોરોના વખતે આશ્વાસન આપ્યું, હવે કદાચ અમારી જરૂર લાગી નહીં હોય માટે અમલવારી કરી નથી
બીજો દિવસ છે અમારી લડત ચાલુ છે સરકાર જ્યાં સુધી અમારી માગણીઓના લેખિતમાં આદેશો ન કરે ત્યાં સુધી આ હડતાળ ચાલુ રહેશે. બધાએ હમણાં રામધૂન બોલાવી હતી. સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો છે. કદાચ કોરોનાનો સમય હતો એટલે અમને આશ્વાસન આપ્યું હોય હવે કદાચ અમારી જરૂર લાગી નહીં હોય એટલે એ આશ્વાસનો અથવા તો એ સમાધાનની ફોર્મ્યુલા પર એ પ્રકારે અમલવારી કરી નથી. અમારી હડતાલથી દર્દીઓને અપાતી સેવાઓ પ્રભાવિત થઈ હશે એવું અમને લાગે છે. અમારી લડતમાં જે અમે માંગણીઓ મૂકી છે. એના લેખિતમાં આદેશો ન થાય ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે. કારણકે આ પહેલા પણ સરકારની જોડે વાતચીત કરી હતી. ત્યારે સમાધાનરૂપે 31 માર્ચ સુધીમાં બધી જ અમારી માંગણીઓ પૂરી થઈ જાય તેવું આશ્વાસન અમને આપ્યું હતું. જેના પર આજદિન સુધી અમલવારી નથી થઈ માટે અમારે આ પગલું લેવાની ફરજ પડી છે તેમ GMTA ના સેક્રેટરી બિજયસિંહ રાઠોડે  જણાવ્યું હતું.

જે સરકાર શ્રીરામના નામ પર આવી એમને પ્રજાના હિત માટે પ્રભુ શ્રી રામ તબીબોના પ્રશ્ને સંમતિ આપે
કામદાર રાજ્ય વીમા યોજના જનરલ હોસ્પિટલ ખાતે તમામ તબીબી અધિકારીઓ દ્વારા ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઇ ગયો છે.રામનવમી પણ નજીક આવી રહી છે.ત્યારે જે સરકાર શ્રી રામ ના નામ પર આવી છે એમને સંમતિ આપે અને પ્રજાના હિત માટે ઝડપથી ડોક્ટરોના જે પ્રશ્નો છે એનો ઉકેલ લાવે સાથે પ્રજા જે છે તેમના આરોગ્યની હાડમારી ન થાય એના માટે પગલાં લે તેવી પ્રભુ શ્રીરામને પ્રાર્થના કરી છે તેમ ઈએસઆઈએસના તબીબે જણાવ્યું હતું.

માગણી સ્વીકારી લેવાઈ તેવું િનવેદન તદ્દન ખોટું
જીએમટીએ,જીએમઈઆરએસ, ઈએસઆઈએસ,ઈનસર્વિસ ડો.એસો.અને જે કલાસ 1-2 ના ડોકટર એસોસિએશન છે.એમની હડતાળનો બીજો દિવસ છે.આ સરકારે ગઈકાલે એક ગંભીર નિવેદન આપ્યું કે માંગણી સ્વીકારી લેવામાં આવી તે વાત તદ્દન ખોટી છે.ડોકટરોની કોઈપણ માંગ સ્વીકારવામાં આવી નથી.ડોકટરો માટે હડતાળનું હથિયાર હંમેશા છેલ્લું હોય છે.કશું નિર્ણય ના આવે,કશું થઈ ન શકે તો હડતાળ ત્યારે જ કરવામાં આવતી હોય છે.સરકારે ડોકટરોને કોરોના વોરિયર્સ ગણાવ્યા તો વોરિયર્સની માંગને ગંભીરતાથી લઈ મંત્રણા માટે બોલાવી જેટલું થાય તેટલું ઘટતું કરવું જોઈએ.

Most Popular

To Top