Editorial

દિલ્હીની આગે નફ્ફટ સરકારી તંત્રની ગુનાહિત બેદરકારી ઉઘાડી પાડી દીધી છે!

ભારત એવો દેશ છે કે જ્યાં ઘટના બની જાય પછી પગલાઓ લેવામાં આવે છે. ખરેખર ઘટના ના બને તે માટે પહેલેથી આયોજનો કરવા જોઈએ. બુધવારે તા.3જી જુન,2026ના રોજ દિલ્હીના માલવીય નગરમાં હોટલમાં લાગેલી આગે અનેક પ્રશ્નો ઉભા કરી દીધા છે. હોટલની આગ એ ઘટના છે પરંતુ આ ઘટનાએ સરકારી તંત્રની કામગીરીની પોલ ખોલી નાખી છે. દિલ્હીમાં જે આગ લાગી તે કોઈપણ કોમર્શિયલ બિલ્ડિંગ કે હોટલ જ્યારે રહેણાંક અથવા ગીચ વસ્તીવાળા વિસ્તારમાં શરૂ થાય છે, ત્યારે સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેશન, વીજ કંપની અને ફાયર વિભાગની નજર તેના પર કેમ નથી પડી?

આ છ માળની હોટલમાં બેઝમેન્ટમાં રેસ્ટોરાં ચાલતી હતી અને ત્યાં ફાટી નીકળેલી આગ ઉપર હોટલ સુધી પહોંચી અને પળવારમાં 21 લોકો ભડથું થઈ ગયા. મરનારાઓમાં લગભગ તમામ વિદેશી છે. આ હોટલ પાસે ફાયર સેફ્ટીનું કોઈ જ એનઓસી નહોતું. પરવાનગી માત્ર 6 રૂમની હતી અને તેને બદલે ગેરકાયદેસર તેમાં 25 રૂમ બનાવી દેવામાં આવ્યા હતા. આ તમામ આંકડાઓ દર્શાવે છે કે લાલચ અને ભ્રષ્ટાચારના પાયા પર ઊભી થયેલી આ ઈમારતો નાગરિકો માટે ડેથ ટ્રેપ (મૃત્યુનો કૂવો) સાબિત થઈ છે.

ભારતમાં આગ લાગીને સામુહિક મોતની આ ઘટના એક જ નથી. ભૂતકાળમાં પશ્ચિમ બંગાળના કોલકાત્તામાં રિતુરાજ હોટલમાં રાત્રે અચાનક આગ લાગી હતી અને 14 વ્યક્તિઓના મોત થયા હતા. મોતનું કારણ એ હતું કે આગનો ધુમાડો દાદર સુધી પહોંચી ગયો અને લોકો ગુંગળામણથી મોતને ભેટ્યા. તપાસ કરવામાં આવી તો ખબર પડી કે હોટલની ફાયર સેપ્રેશન સિસ્ટમ (આગ બુઝાવવાની વ્યવસ્થા) સંપૂર્ણપણે બંધ હતી અને સુરક્ષા નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. આવી જ રીતે દિલ્હીના કરોલબાગમાં આવેલી હોટલ અર્પિત પેલેસમાં પણ ૧૨ ફેબ્રુઆરી, ૨૦૧૯ના રોજ વહેલી સવારે 4 વાગે આગ લાગી હતી, જ્યારે તમામ મુસાફરો ઊંઘી રહ્યા હતા.

જીવ બચાવવા માટે એક મહિલા અને બાળકે ધાબા પરથી કૂદકો માર્યો હતો, જેમાં તેમનું મોત નીપજ્યું હતું.હોટલમાં આગ લાગવાનું કારણ એ હતું કે હોટલના ટોપ ફ્લોર પર ગેરકાયદેસર કિચન અને ફાઇબર રૂફિંગ કરવામાં આવ્યું હતું. આંતરિક ભાગમાં લાકડાનું ફર્નિચર હોવાથી આગ ઝડપથી ફેલાઈ હતી અને ઇમરજન્સી એક્ઝિટ સાંકડી હોવાથી લોકો ફસાઈ ગયા હતા. આવી જ રીતે લખનૌમાં તા.19મી જુન, 2018માં પણ હોટલના બેઝમેન્ટમાં શોર્ટસર્કિટને કારણે આગ લાગી હતી અને આગ એટલી વિકરાળ બની હતી કે બાજુની હોટલમાં પણ ફેલાઈ હતી.

જેને કારણે પાંચ લોકોના મોત થયા હતા. બિહારના પટનામાં પણ તા.25મી એપ્રિલ, 2024ના રોજ એક રેસ્ટોરન્ટમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં 6 લોકોના મોત થયા હતા. આગ બાજુની હોટલમાં ફેલાતા ગ્રાહકોએ બારીમાંથી કૂદીને જીવ બચાવવો પડ્યો હતો. આ તમામ ઘટનાઓમાં હોટલ માલિક કે સંચાલકોની સાથે સરકારી તંત્રની પણ ગુનાહિત બેદરકારી જવાબદાર હતી. દિલ્હીની હોટલની આગની ઘટનામાં હોટલમાં ૬ રૂમની જગ્યાએ ૨૫ રૂમ બની જાય ત્યાં સુધી વહીવટી તંત્ર ઊંઘતું ઝડપાય તે ગળે ઉતરે તેવી વાત નથી.

આ સ્પષ્ટપણે સરકારી અધિકારીઓ અને ગેરકાયદે બાંધકામ કરનારાઓ વચ્ચેના મિલિભગત તરફ આંગળી ચીંધે છે. નિયમો માત્ર કાગળ પર શોભે છે અને વાસ્તવિકતામાં લાંચના જોરે ગમે તેવા ભયજનક બાંધકામોને પણ લીલી ઝંડી મળી જાય છે. જ્યારે પણ આવી દુર્ઘટના બને છે, ત્યારે તંત્ર થોડા દિવસો માટે સફાળું જાગે છે, તપાસ સમિતિઓ બેસાડાય છે, વળતરની જાહેરાતો થાય છે અને પછી બધું ‘જૈસે થે’ થઈ જાય છે. દિલ્હીની આગની ઘટનામાં એક જ પરિવારના 8 સભ્યો જીવતા ભુંજાઈ ગયા છે. તો બાંગ્લાદેશ અને આફ્રિકન દેશના પ્રવાસીઓએ પણ જીવ ગુમાવ્યા છે.

વિદેશી પ્રવાસીઓના મોતને કારણે ભારતની આંતરરાષ્ટ્રીય સ્તરે પણ છબી ખરડાઈ છે. સામાન્ય રીતે આવી ઘટનાઓ પછી હોટલના મેનેજર કે માલિકની ધરપકડ કરીને મામલો થાળે પાડી દેવામાં આવે છે. પરંતુ અસલી ગુનેગાર એ સિસ્ટમ છે જેણે આ ગેરકાયદે પ્રવૃત્તિને વર્ષો સુધી ફૂલવા-ફાલવા દીધી. જે અધિકારીઓની જવાબદારી આ વિસ્તારમાં નિયમિત ચેકિંગ કરવાની હતી, તેમની સામે સાદો હોદ્દા પરથી સસ્પેન્શનનો આદેશ પૂરતો નથી. તેમના પર પણ સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ થવો જોઈએ. જ્યાં સુધી કાયદાનો અમલ કરાવનારાઓને જવાબદાર ઠેરવવામાં નહીં આવે, ત્યાં સુધી આવી હોનારતો અટકવાની નથી.

હવે સમય માત્ર શોક વ્યક્ત કરવાનો કે વળતર જાહેર કરવાનો નથી. પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું છે, પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકારે સંયુક્ત રીતે યુદ્ધના ધોરણે પગલાં લેવાની જરૂર છે: દિલ્હી સહિત દેશના તમામ મોટા શહેરોમાં ગીચ વિસ્તારોમાં ચાલતી હોટલો, ગેસ્ટ હાઉસ અને રેસ્ટોરન્ટ્સનું તાત્કાલિક સુરક્ષા ઓડિટ (Safety Audit) થવું જોઈએ. કઈ બિલ્ડિંગ પાસે ફાયર NOC છે અને કોની મુદત પૂરી થઈ ગઈ છે, તેનું લાઈવ પબ્લિક પોર્ટલ હોવું જોઈએ જેથી નાગરિકો પોતે જ જાણી શકે કે તેઓ જ્યાં રોકાઈ રહ્યા છે તે સ્થળ સુરક્ષિત છે કે નહીં.

ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરનારી મિલકતોને નોટિસ આપવાના નાટક વગર સીધી સીલ મારવાની કડક કાર્યવાહી થવી જોઈએ. દિલ્હીનો આ અગ્નિકાંડ આપણા માટે છેલ્લી ચેતવણી સમાન હોવો જોઈએ. કાગળ પરના નિયમો જો માણસનો જીવ ન બચાવી શકતા હોય, તો તે નિયમો નકામા છે. જો આપણે હજી પણ ન જાગ્યા અને ભ્રષ્ટાચારીઓ સામે કડક આકરા પગલાં ન લીધા, તો આગામી સમયમાં આવી વધુ બિલ્ડિંગો નિર્દોષ નાગરિકો માટે સ્મશાન સાબિત થશે. સરકારે હવે કાગળિયાથી બહાર આવીને જમીની સ્તરે સુરક્ષા સુનિશ્ચિત કરવી જ પડશે. જો તેમ થશે તો જ હોટલો સુરક્ષિત થશે, અન્યથા નિર્દોષ લોકો મોતને ભેટતાં જ રહેશે તે નક્કી છે.

Most Popular

To Top