Editorial

દેશનો સરેરાશ વરસાદ નોંધપાત્ર રીતે ઘટી ગયો છે

દેશમાં છેલ્લા કેટલાક ચોમાસા દરમ્યાન ભારે કે અતિભારે વરસાદની અનેક ઘટનાઓ દેશના વિવિધ ભાગોમાં નોંધાઇ છે તેનાથી સામાન્ય લોકોના મનમાં એવી છાપ ઉભી થઇ છે કે દેશમાં વરસાદનું પ્રમાણ વધી રહ્યું છે કે વધ્યું  છે. પરંતુ વાસ્તવિકતા કંઇક જુદી જ છે. ભારતમાં છેલ્લા ૬૦ વર્ષમાં વરસાદનું પ્રમાણ ૬ ટકા જેટલું ઘટ્યું છે એમ ભારત સરકાર અને આંતરરાષ્ટ્રીય હવામાન પરિવર્તનના અંદાજો જણાવે છે.

જો આપણે ધ્યાનપૂર્વક અવલોકન  કરીશું તો આ વાત બિલકુલ સાચી જણાશે. આજથી ૩૦ વર્ષ પહેલા જ વરસાદની પેટર્ન કેવી હતી અને હવે કેવી છે તે સરખાવતા સમજાઇ જશે કે ભારતમાં સરેરાશ વરસાદ નોંધપાત્ર રીતે ઘટી ગયો છે. અને હવે ભારતીય  હવામાન વિભાગે આ વર્ષના ચોમાસા વિશે આગાહી કરતી વખતે દેશના સરેરાશ વરસાદની ગણતરી માટેની લાંબા ગાળાની સરેરાશમાં વધુ એક વખત ઘટાડો કર્યો છે અને દેશમાં લાંબા ગાળાની સરેરાશ ૮૮ સેન્ટિમીટર પરથી  ઘટાડીને ૮૭ સેન્ટિમીટર કરવામાં આવી છે. આ બાબત સ્પષ્ટપણે સૂચવે છે કે દેશમાં સરેરાશ વરસાદનું પ્રમાણ ધીમે ધીમે ઘટી રહ્યું છે અને છેલ્લા છ દાયકામાં તે નોંધપાત્ર રીતે ઘટ્યું છે.

ભારતીય હવામાન વિભાગે આ વર્ષ માટે નૈઋત્યનું ચોમાસુ સામાન્ય રહેવાની આગાહી કરી છે. સતત ચોથા વર્ષે ભારતમાં ચોમાસુ સામાન્ય રહેશે એવી આગાહી તેણે કરી છે. આમ તો આ આગાહી આનંદિત કરનારી છે પરંતુ તેણે  દેશનો સરેરાશ વરસાદ ગણવા માટેની લાંબા ગાળાની સરેરાશ ઘટાડી છે તે પણ એક નોંધપાત્ર બાબત છે. હવામાન કચેરીએ આગાહી કરી છે કે સામાન્ય વરસાદ થવાની સંભાવના ૪૦ ટકા, સામાન્ય કરતા વધુ(લાંબા ગાળાની  સરેરાશના ૧૦૪થી ૧૧૦ ટકા) વરસાદ થવાની સંભાવના ૧૫ ટકા અને પ ટકા સંભાવના અતિશય વરસાદ(લાંબા ગાળાની સરેરાશના ૧૧૦ ટકા) થવાની છે.

સામાન્ય કરતા ઓછો(લાંબા ગાળાની સરેરાશના ૯૦થી ૯૬ ટકા)  વરસાદ થવાની શક્યતા ૨૬ ટકા અને અપૂરતો વરસાદ(લાંબા ગાળાની સરેરાશના ૯૦ ટકા) થવાની શક્યતા ૧૪ ટકા છે. સામાન્ય એ સામાન્ય કરતા વધુ વરસાદ થવાની વધુ શક્યતા દ્વિપકલ્પીય ભારતના ઉત્તર ભાગ, મધ્ય  ભારત, હિમાલયની તળેટીનો પ્રદેશ અને ઉત્તર પશ્ચિમ ભારતના કેટલાક ભાગો માટે છે જયારે સામાન્ય કરતા ઓછો વરસાદ થવાની શકયતા ઉત્તરપૂર્વના ઘણા ભાગો , ઉત્તર પશ્ચિમ ભારતના કેટલાક ભાગો અને દ્વિપકલ્પના  દક્ષિણી ભાગોમાં છે.

ભારતમાં છેલ્લા ચાર વર્ષમાં ચોમાસામાં વરસાદ ભલે સામાન્ય રહ્યો હોય પરંતુ વરસાદની વહેંચણી પ્રદેશ અને સમય એમ બંને રીતે જોતા અનેક વખત અસમાન જણાઇ છે. છેલ્લા કેટલાક સમયમાં એવો  ટ્રેન્ડ પણ જોવા મળ્યો છે કે જુલાઇ, ઓગસ્ટ જેવા ભારે વરસાદના સમયગાળામાં પ્રમાણમાં ઓછો વરસાદ પડે છે અને પછી સપ્ટેમ્બર માસમાં દેશના વિવિધ ભાગોમાં વધુ પડતો વરસાદ પડ્યો છે. સપ્ટેમ્બરમાં વધુ પડતો  વરસાદ થાય તે ટૂંકા ગાળાના ચોમાસુ પાકને પણ નુકસાન કરે છે. ટૂંકમાં ભારતમાં વરસાદની પેટર્ન તો ખોરવાઇ જ છે અને સરેરાશ વરસાદ પણ ઘટ્યો છે અને તે માટે વૈશ્વિક હવામાન પરિવર્તનને ઘણે અંશે જવાબદાર  માનવામાં આવે છે.

આ વખતે ચોમાસાની આગાહી કરતા ભારતીય હવામાન વિભાગે વરસાદની લાંબા ગાળાની સરેરાશ ઘટાડી છે. લાંબા ગાળાની સરેરાશ ગણવા માટેનો સમયગાળો બદલવાની સાથે દેશના વરસાદની લાંબા ગાળાની સરેરાશ હવે  ઘટીને ૮૭ સેમી થઇ ગઇ છે જે અગાઉ ૮૮ સેમી હતી અને તેના પહેલા ૮૯ સેમી હતી. ભારત માટે ૧૯૭૧થી ૨૦૨૦ની લાંબા ગાળાની સરેરાશમાં સામાન્ય વરસાદ ૮૭ સેન્ટીમીટર રહ્યો છે. આ પ૦ વર્ષની સરેરાશને હવામાન  વિભાગે હવે નવા સામાન્ય વરસાદના આંક તરીકે સ્વીકૃત કરી છે.

આ અગાઉ હવામાન ખાતુ લાંબા ગાળાની સરેરાશ તરીકે ૧૯૬૧થી ૨૦૧૦ના વર્ષની સરેરાશ ગણતું હતું જે સરેરાશ ૮૮ સેમી હતી. ભારતીય હવામાન વિભાગ  દર દસ વર્ષે લાંબા ગાળાની સરેરાશ ગણવા માટેનો સમયગાળો બદલે છે. છેલ્લે જો કે હાલ ૨૦૧૮માં જ આ સમયગાળો બદલવામાં આવ્યો હતો, જે જો કે વિલંબથી બદલવામાં આવ્યો હતો. ત્યારે લાંબા ગાળાની સરેરાશ  ૧૯પ૧થી ૨૦૦૧ના વર્ષ સુધીના સરેરાશ વરસાદની ગણવામાં આવતી હતી, જે ૮૯ સેમી હતી. આમ જોઇ શકાય છે કે દેશમાં વરસાદની લાંબા ગાળાની સરેરાશ ઘટતી જાય છે અને એકંદરે દેશનો સામાન્ય વરસાદ પણ ઘટતો  જાય છે.

Most Popular

To Top