Charchapatra

મસ્તીના મધુવનમાં મોજ કરાવતું શહેર

સુરતમાં દેશના તમામ ધર્મ, જ્ઞાતિ અને રાજ્યોનાં લોકો ધંધા રોજગાર માટે આવે છે અને પછી તે સુરતના રંગે રંગાઈ જાય છે.બીજાને પોતાના કરીને સમાવી લેનાર શહેર આખા ભારતમાં એક માત્ર સુરત છે.અમદાવાદમાં બાવીસ વરસ ધંધો કરી સુરત આવી ધંધો શરૂ કરનાર એક વેપારી મિત્રને બે જ મહિનામા સુરત પોતીકું લાગવા માંડયું.આ ખૂબી સુરતની છે.પ્રસિદ્ધ લેખક, ચિંતક શ્રી ગુણવંત શાહ  કહે છે કે રાજકીય રાજધાની દિલ્હી કબૂલ, પણ નિખાલસતાની રાજધાની સૂરતને કહેવી પડે.એક દિવંગત સંત તો સુરત આવે ત્યારે ભાગવત કે ગીતા ઉપર એમના વક્તવ્યમાં ઘણી વાર કહેતા કે મુંબઇ,અમદાવાદ કે વડોદરામાં અમે જઈએ તો સપ્તાહ પૂરું થાય કે બીજા દિવસની ટ્રેનનું બુકીંગ નકકી જ હોય.

પણ સુરતમાં આવું નહિ. બે ચાર ભકતો એમને ઘેર લઈ જાય.પછી રમૂજ કરે કે આમ તો અમે બાવા કહેવાઈએ, પણ સુરતી ખમણ અને લોચો પડતો મૂકવા જેટલો સંયમ અમારામાં નથી.જ્યાં સુધી ખાણી પીણી પાછળ ખર્ચની વાત છે તે અંગે મારું નિરીક્ષણ…જેનું ખિસ્સું હંમેશા કાણું જ રહે છે.તે મુંબઇવાસી ,પોતાના માટે જ ખિસ્સા ખર્ચે એ વડોદરાવાસી અને હોટલમા બીલ ચૂકવતી વખતે પોતાના ખિસ્સામાં અર્ધો હાથ નાખે ખરો, પણ બીલ આપણી પાસે જ ચૂકતે કરાવે એ અમદાવાદી.
સુરત     – પ્રભાકર ધોળકિયા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

કાપડ ઉદ્યોગની મંદીથી  ગંભીર અસર પડશે
હાલમાં કાપડ ઉદ્યોગમાં  મંદી ચાલી રહી છે. રેપીયર વોટર જેટ એરજેટ જેવા હાઈ ટેક મશીનો હજારોની સંખ્યામાં વધી જતાં માલનું ઉત્પાદન હતું તેના કરતાં અનેક ઘણું થઈ ગયું છે. તે આપણા વપરાશ કરતાં વધારે છે તેના કારણે પાવર લુમ્સ કે હાઈટેક મશીનો ચલાવતા નાના મોટા તમામ ઉત્પાદકો ભારે મંદીનો સામનો કરી રહ્યા છે. જો આમ જ મશીનો વધતાં જશે તો પછી તમામ ઉત્પાદકોએ કાપડના ઓવર પ્રોડક્શનથી કાયમી મંદીનો સામનો કરવો પડશે અને મોટું નુકસાન પણ વેઠવા તૈયાર રહેવું પડશે.

વર્ષો પહેલાં પાવર લુમ્સની પરમિટ કઢાવવી પડતી હતી અને પરમિટ હોય તો જ પાવર લુમ્સ ચલાવી શકતા હતા તેના કારણે પ્રોડક્શન લિમિટમાં રહેતું હતું, પરંતુ હવે સરકારનું મશીનો નાખવા પર કોઈ જ નિયંત્રણ નથી તેના કારણે સંખ્યાબંધ મશીનો વધી જતાં કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા જૂના ઉત્પાદકોને ભારે તકલીફનો સામનો કરવો પડે છે. અનુભવ વગરના અમુક વેપારીઓ બીજા ધંધામાંથી કાપડ ઉદ્યોગમાં આવ્યા છે તેઓ પૈસાના જોરે અને બેંક લોનથી કોઈ પણ ગણતરી કર્યા વગર આવા કરોડો રૂપિયાના હાઇટેક મશીનો નાખે છે અને તેના ઓવર પ્રોડક્શનથી બજારના તમામ લોકોને અસર પડે છે.

આપણી અંદાજે 20 ટકા વસ્તિ કાપડ ઉદ્યોગ રોજગાર આપે છે તે ઉદ્યોગનો મૃત્યુ ઘંટ વાગી જાય તે પહેલાં સરકારે સફાળા જાગવાની જરૂર છે અને કાપડ ઉદ્યોગની મંદીનું કાયમી નિરાકરણ કેવી રીતે કરવું, ઓવર પ્રોડકશન કેવી રીતે કાબૂ કરવું તે વિશે વિચારવાની અને અસરકારક પગલાં લેવાની જરૂર છે. સરકાર પાસે કાપડ ઉદ્યોગ માટે કોઈ પ્રોત્સાહક નીતિ જ નથી અને જો આમ જ ચાલશે તો યાર્ન ઉત્પાદકોથી લઈને ડાઇંગ હાઉસો કે રિટેલ કાપડ વેચનારા સુધીની આખી ચેઇનને ખૂબ જ ગંભીર અસર પડી શકે છે.
સુરત     – વિજય તુઈવાલા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top