Columns

મંદીનો ધંધો કરીને શેરો માથે મારવા દ્વારા કમાણી કરવાની કળા

શેર બજારમાં કમાણી કરવાના બે તરીકાઓ છે. પહેલો તરીકો સસ્તા ભાવે શેરો ખરીદીને મોંઘા ભાવે વેચવાનો છે. આ તરીકો બહુ જાણીતો છે. મોટા ભાગના રોકાણકારો બ્લુ ચિપ કંપનીના શેરો ખરીદીને નફો ગાંઠે બાંધતા હોય છે. બીજો તરીકો મોંઘા ભાવે શેરો વેચીને સસ્તા ભાવે ખરીદવાનો છે. શેર બજારની ભાષામાં તેને ‘શેર માથે માર્યા’કહેવાય છે. આ તરીકા બાબતમાં બહુ ઓછા લોકોને જાણ છે. જો કોઈ પણ કંપનીના શેરો તેની હેસિયત કરતાં વધુ ચગી ગયા હોય તો તેને મોટા પ્રમાણમાં વેચવામાં આવે છે, અથવા તેમાં મંદીનો ધંધો કરવામાં આવે છે. અહીં સવાલ એ થાય છે કે જો તમારી પાસે તે કંપનીના શેરો હોય જ નહીં તો તમે તેને કેવી રીતે વેચી શકો? તેના જવાબમાં શેર બજારમાં ચાલી રહેલી વિચિત્ર પણ તોફાની પ્રણાલિનો ખ્યાલ આવે છે.

આપણે અદાણી જૂથના શેરોનું જ ઉદાહરણ લઈને વાતને સમજવાનો પ્રયત્ન કરીએ. જો કોઈ રોકાણકારને કે જાણકારને લાગે કે અદાણી જૂથના શેરોના ભાવો તેના ફન્ડામેન્ટલ કરતાં બહુ આગળ નીકળી ગયા છે તો તે પોતાની પાસે અદાણી જૂથનો એક પણ શેર ન હોય તો પણ ઊંચા ભાવે લાખો શેરો વેચી કાઢે છે, અથવા માથે મારે છે. ધારો કે તેણે અદાણી જૂથના એક લાખ ૩,૦૦૦ રૂપિયાના ભાવે વેચ્યા છે. શેર બજારના કાયદા મુજબ શેરો વેચ્યા પછી તેની ડિલિવરી આપવા માટે અમુક દિવસની છૂટ મળતી હોય છે.

જે રોકાણકારે ૩,૦૦૦ રૂપિયાના ભાવે એક લાખ શેરો વેચ્યા હોય તે માર્કેટમાંથી ૨,૭૦૦ રૂપિયાના ભાવે શેરો ખરીદી લે છે. આ રીતે તેને શેરદીઠ ૩૦૦ રૂપિયાનો કે એક લાખ શેરદીઠ ત્રણ કરોડ રૂપિયાનો નફો થાય છે. જો તેણે એક લાખને બદલે ૧૦ લાખ શેર માથે માર્યા હોય તો તેને ૩૦ કરોડ રૂપિયાનો નફો થાય છે. તેણે જે શેર વેચ્યા હોય તેની ડિલિવરી આપવી પણ જરૂરી નથી હોતી. તેની પાસેથી શેર ખરીદનાર શેરદીઠ ૩૦૦ રૂપિયા ભરપાઈ કરીને પતાવટ પણ કરી શકે છે. શેર બજારમાં આ રીતે ધંધો કરનારાને મંદીવાળા કહેવાય છે.

શેર બજારમાં જેમ તેજીમાં નફો કરનારા હોય છે તેમ મંદીનો ધંધો કરનારા પણ હોય છે. તેજીનો ધંધો કરનારાને આખલા તરીકે ઓળખવામાં આવે છે તો મંદીનો ધંધો કરનારાને રીંછ તરીકે ઓળખવામાં આવે છે. અદાણી જૂથમાં ગોલમાલનો હેવાલ બહાર પાડનારી અમેરિકાની હિન્ડનબર્ગ કંપની મંદીનો ધંધો કરનારી શોર્ટ સેલિંગ કંપની છે. તેનો ધંધો જ જે કંપનીના શેરોના ભાવો બહુ ચગી ગયા હોય તેમાં સંશોધન કરીને, તેમાં ગોટાળાઓ કાઢીને તેને જાહેર કરવાનો છે. આ રીતે કોઈ પણ કંપનીના ગોરખધંધા બહાર પાડતા પહેલાં તેઓ તેના લાખો શેરો બજારમાં વેચી કાઢે છે.

પછી તેમના રિપોર્ટને પગલે તે કંપનીના શેરોના ભાવોમાં કડાકો થાય ત્યારે તેઓ માર્કેટમાં જઈને તે શેરો સસ્તામાં ખરીદી લે છે અને નફો ગાંઠે બાંધી લે છે. હિન્ડનબર્ગ જેવી કંપનીઓ કોઈ પણ કંપનીને બોગસ જાહેર કરતાં પહેલાં તેની પાછળ મહિનાઓ અને ક્યારેક વર્ષો સુધી સંશોધન કરતી હોય છે અને તેની પાછળ લાખો ડોલરનો ખર્ચો પણ કરતી હોય છે. હિન્ડનબર્ગની જેમ મડી વોટર્સ, સિટ્રોન રિસર્ચ અને કાઇનિકોસ એસોસિયેટ્સ જેવી વિદેશી કંપનીઓ પણ આ ધંધામાં જાણીતી છે.

૧૯૯૦ના દાયકામાં એનરોન નામની પાવર કંપનીનો ભાંડો ફોડવાનું કામ પણ આવી કંપનીએ જ કર્યું હતું.
હિન્ડનબર્ગ કંપની દ્વારા તાજેતરમાં અદાણી જૂથ બાબતમાં રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો તેમ ભૂતકાળમાં તેઓ બીજી અનેક કંપનીઓની વલે કરી ચૂક્યા છે. છેલ્લાં બે વર્ષમાં તેમણે ઇલેક્ટ્રિક વેહિકલ્સ બનાવતી નિકોલા કંપની અને લોર્ડ્સટાઉન મોટર કંપની બાબતમાં ચોંકાવનારા હેવાલો બહાર પાડ્યા હતા, જેને કારણે તે કંપનીઓના શેરોના ભાવો ગગડી ગયા હતા અને તેમના હેવાલો સાચા પુરવાર થયા હતા. આ કંપનીઓના શેરો માથે મારીને હિન્ડનબર્ગે કેટલી કમાણી કરી, તેની આપણને ખબર નથી. થોડા સમય પહેલાં તેમણે ભારતની ઇરોસ ઇન્ટરનેશનલ નામની કંપનીને પણ ટાર્ગેટ કરી હતી, પણ તે કંપની નાની હોવાથી બહુ સનસનાટી પેદા થઈ નહોતી. અદાણી જૂથની કંપનીઓ મોટું કદ ધરાવતી હોવાથી હિન્ડનબર્ગને ચિક્કાર પ્રસિદ્ધિ મળી ગઈ છે.

કોઈ શોર્ટ સેલિંગ કંપની દ્વારા કોઈ પણ કંપની બાબતમાં નેગેટિવ હેવાલ બહાર પાડવામાં આવે ત્યારે તે કંપનીના શેરો ગબડી જ પડે, તેવો નિયમ નથી. ક્યારેક શોર્ટ સેલિંગ કંપનીનો હેવાલ સચોટ ન હોય તો તે કંપનીના શેરો ઘટવાને બદલે વધે છે. દાખલા તરીકે હિન્ડનબર્ગ દ્વારા બ્લૂમ એનર્જી કંપનીમાં ચાલતા તથાકથિત ગોટાળાઓ બાબતમાં હેવાલ બહાર પાડવામાં આવ્યો હતો, પણ તે હેવાલ સચોટ ન હોવાથી બ્લૂમ એનર્જીના ભાવો ઘટવાને બદલે વધી ગયા છે.

મુંબઈના શેર બજારમાં દાયકાઓથી જેમ આખલાની ટોળી કામ કરે છે તેમ રીંછોની ટોળી પણ સક્રિય છે. તેમનામાં શેર બજારને ઊંચુંનીચું કરવાની ક્ષમતા છે. હર્ષદ મહેતા આખલાની ટોળીનો નેતા હતો. તેણે ૧૯૯૦ના દાયકામાં શેર બજારમાં જબરદસ્ત તેજી લાવી હતી. એસીસી સિમેન્ટના શેરનો ભાવ તેણે ૨૦૦ રૂપિયાથી વધારીને ૯,૦૦૦ રૂપિયા પર પહોંચાડી દીધો હતો. તેણે ક્રમે ક્રમે સેન્સેક્સ ૪,૫૦૦ ઉપર પહોંચાડી દીધો હતો.

રોકાણકારો માનતા હતા કે તત્કાલીન નાણાં પ્રધાન ડો. મન મોહન સિંહ દ્વારા અપનાવવામાં આવેલી ઉદારીકરણની નીતિના કારણે માર્કેટ ઊંચકાઈ રહ્યું છે, પણ હકીકતમાં હર્ષદ મહેતા બેન્કોના પૈસાથી શેરો ખરીદીને બજારને ચગાવી રહ્યો હતો. હર્ષદ મહેતા સામે મંદીના બાદશાહ ગણાતાં મનુ માણેક મેદાનમાં ઊતર્યા હતા. તેમણે સૂચેતા દલાલને સાધીને હર્ષદ મહેતાનો ભાંડો ફોડી કાઢ્યો હતો. તેમ કરતાં પહેલાં તેમણે કરોડો શેરો માથે માર્યા હતા. માર્કેટ ક્રેશ થઈ ગયું હતું. સેન્સેક્સ ૪૫૦૦ પોઇન્ટથી ગબડીને ૨૫૦૦ પોઇન્ટ પર આવી ગયો હતો. હર્ષદ મહેતાને જેલમાં જવું પડ્યું હતું પણ મનુ માણેક અને રાધાકૃષ્ણ દામાણી તથા રાકેશ ઝુનઝુનલાવા જેવા તેમના ચેલાઓ કરોડો રૂપિયા કમાઈ ગયા હતા.

૧૯૮૨ના દાયકામાં મંદીના ધંધાના બેતાજ બાદશાહ ગણાતા મનુ માણેકનો મુકાબલો રિલાયન્સના પ્રણેતા ધીરુભાઈ અંબાણી સાથે થયો હતો. રિલાયન્સનો ભાવ ૧૩૧ રૂપિયા હતો ત્યારે મનુ માણેકના જૂથે સાડા ત્રણ લાખ શેર માથે માર્યા હતા, જેને કારણે ભાવ ગબડીને ૧૨૧ રૂપિયા પર આવી ગયો હતો. ધીરુભાઈ અંબાણીએ વળતો હુમલો કર્યો હતો. તેમણે પોતાના તમામ હિતેચ્છુઓ દ્વારા રિલાયન્સના લાખો શેરો ખરીદાવી લીધા હતા. શેરનો ભાવ વધીને ૧૫૧ રૂપિયા પર પહોંચી ગયો હતો. તેમણે મનુ માણેક જૂથ પાસે સાડા ત્રણ લાખ શેરોની ડિલિવરી માગી હતી.

તેમણે ૧૩૧ રૂપિયાના ભાવે વેચેલા શેરો માર્કેટમાંથી ૧૫૧ રૂપિયાના ભાવે ખરીદવાના શરૂ કર્યા હતા. જોતજોતામાં ભાવ વધીને ૨૦૦ રૂપિયાને પાર કરી ગયો હતો. મંદીવાળાઓ શેરની ડિલિવરી ન કરી શકતાં બજાર ત્રણ દિવસ બંધ રહ્યું હતું. છેવટે તેમણે કરોડો રૂપિયાની ખોટ ખાઈને પતાવટ કરવી પડી હતી, જેને શેર બજારમાં ઊંધા બદલા કહેવામાં આવે છે. પાછળથી બહાર આવ્યું હતું કે ધીરુભાઈ પાસે શેરો ખરીદવાના પૈસા વિદેશના ટેક્સ હેવન ગણાતા દેશોમાંથી આવ્યા હતા. આ ઘટના પછી ધીરુભાઈ અંબાણીની શેર બજારમાં ધાક જામી ગઈ હતી. હવે ગૌતમ અદાણી હિન્ડનબર્ગના જોરદાર હુમલાનો કેવી રીતે મુકાબલો કરે છે તે જોવાનું રહે છે.

Most Popular

To Top