Editorial

અમેરિકા વર્ક વિઝા પર જતા પહેલા બે વખત વિચાર કરવાનો સમય આવી ગયો છે

છેલ્લા કેટલાક સમયથી વિશ્વની મોટી ટેકનોલોજી કંપનીઓમાં છટણીનો દોર ચાલી રહ્યો છે અને હજારો કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા છે. આ છટણીઓ ગૂગલ, ફેસબુક, ટ્વીટર, એમેઝોન જેવી કંપનીઓએ અમેરિકામાં અને દુનિયાના અન્ય દેશોમાં જ્યાં તેમની શાખા કચેરીઓ કે ધંધાકીય એકમો હોય ત્યાં પણ આ કંપનીઓ તથા અન્ય ટેક કંપનીઓએ છટણીઓ કરી છે પરંતુ આ છટણીઓ સંદર્ભમાં એક નોંધપાત્ર બાબત એ પણ છે કે જેઓ ભારત જેવા દેશોમાંથી આવી કંપનીઓમાં નોકરી કરવા અમેરિકા ગયા છે.

તેવા લોકો, ખાસ કરીને આઇટીના ક્ષેત્રે કૌશલ્ય ધરાવતા આઇટી પ્રોફેશનલો કે જેઓ મોટે ભાગે એચ-૧બી વિઝા જેવા વિઝાઓ પર, વર્ક પરમિટ પર અમેરિકા ગયા છે તેઓ હાલની છટણીઓ પછી મોટી મુશ્કેલીમાં મૂકાઇ ગયા છે. એક અહેવાલ મુજબ આ છટણીઓમાં જે હજારો કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે તેમાં ભારતથી આવેલા કર્મચારીઓનું પ્રમાણ ઘણુ જ મોટું છે અને અમેરિકામાં હજારો ભારતીય આઇટી પ્રોફેશનલો, કે જેમણે ગૂગલ, માઇક્રોસોફ્ટ અને એમેઝોન જેવી કંપનીઓમાં તાજેતરની શ્રેણીબધ્ધ છટણીઓ પછી પોતાની નોકરીઓ ગુમાવી છે તેઓ હવે તેમના વિઝા હેઠળના એક ચોક્કસ સમયગાળામાં નવી નોકરી મળી જાયે તે માટે સંઘર્ષ કરી રહ્યા છે.

વિશ્વ પ્રસિદ્ધ અમેરિકી અખબાર વૉશિંગ્ટન પોસ્ટના અહેવાલ મુજબ ગયા વર્ષના નવેમ્બરથી અત્યાર સુધીમાં બે લાખ જેટલા આઇટી કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે જેમાં ગૂગલ, માઇક્રોસોફ્ટ, ફેસબુક અને એમેઝોન જેવી કંપનીઓમાંથી વિક્રમી સંખ્યામાં છૂટા કરવામાં આવેલા કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. આ ઇન્ડસ્ટ્રીના અંદરના જાણકાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે છૂટા કરવામાં આવેલા આ કર્મચારીઓમાંથી ૩૦થી ૪૦ ટકા જેટલા ભારતીય આઇટી પ્રોફેશનલો છે, અને તેમાંથી નોંધપાત્ર સંખ્યા એચ-વનબી અને એલ૧ વિઝા ધારકોની છે.

એચ-૧બી વિઝા એ એક નોન-ઇમિગ્રન્ટ વિઝા છે જે અમેરિકી કંપનીઓને ખાસ નિપૂણતા માગતી નોકરીઓ માટે વિદેશી કર્મચારીઓને નોકરીએ રાખવાની સગવડ આપે છે. એલ-૧એ અને એલ૧બી વિઝાઓ હંગામી ઇન્ટ્રાકંપની બદલીઓ પામનારાઓ માટે ઉપલબ્ધ છે જે એવા કર્મચારીઓ માટે છે જઓ મેનેજરીયલ હોદ્દાઓ પર કામ કરે છે અને ખાસ જ્ઞાન ધરાવે છે. જેમાં નોંધપાત્ર સંખ્યા ભારતીય આઇટી પ્રોફેશનલોની છે તેવા એચ-૧બી અને એલ૧ વિઝા ધારકો હવે અમેરિકામાં નવી નોકરી શોધવા માટે દોડા દોડી કરી રહ્યા છે.

પોતાના વિઝાનો સમયગાળો પુરો થાય તે પહેલા તેઓ નવી નોકરી મળી જાય તે માટે પ્રયાસ કરી રહ્યા છે અને તેમની પાસે થોડા મહિનાનો જ સમય છે. તેઓ પોતાના વિઝાનું સ્ટેટસ બદલવા પણ પ્રયાસ કરી રહ્યા છે. એમેઝોનની એક કર્મચારી અમેરિકામાં હજી ફક્ત ત્રણ મહિના પહેલા જ આવી હતી. આ સપ્તાહે તેને કહી દેવામાં આવ્યું કે ૨૦ માર્ચ એ તેની નોકરીનો છેલ્લો દિવસ હશે. આવા તો અનેક ઉદાહરણો હશે. એચ-૧બી વિઝા ધારકો માટે સ્થિતિ વધુ ખરાબ છે, તેમણે ૬૦ દિવસની અંદર નવી નોકરી શોધી લેવાની રહે છે નહીંતર ભારત પરત ફરવા સિવાય તેમની પાસે કોઇ વિકલ્પ નથી.

અમેરિકી અર્થશાસ્ત્રીઓ દ્વારા કરવામાં આવેલ એક એક સર્વેક્ષણમાં જણાયું છે કે વધુ ઉદ્યોગ ધંધાઓ હજી નોકરીઓમાં કાપ મૂકી શકે છે અને રોગચાળા પછી પ્રથમ વખત વિસ્તરણ પર ઓછો ખર્ચ કરી રહ્યા છે, જે એ વાતનો સંકેત છે કે અમેરિકી ફેડરલ રિઝર્વનું વ્યાજ દર વધારા પરનો ભાર અર્થતંત્રમાં મંદી લાવવાનું તેનું કામ કરવા માંડ્યો છે. સર્વે સૂચવે છે કે ધંધા માલિકોને હજી ચિંતા છે કે ફેડની નિર્ણય લેવાની પ્રક્રિયા ઘણી સખત છે અને સંભવિતપણે અમેરિકાને આ વર્ષે મંદીમાં ધકેલી શકે છે.

અમેરિકાના નેશનલ એસોસીએશન ફોર બિઝનેસ ઇકોનોમિક્સ દ્વારા આ મહિને કરવામાં આવેલ સર્વેમાં જણાયું છે કે તેમાં જવાબ આપનારાઓની એ પ્રશ્ન બાબતે સરેરાશ માઇનસ સાતની છે કે જેમાં તેમને પૂછવામાં આવ્યું હતું કે તેઓ તેમની કંપની માટે કર્મચારીઓને કામે રાખવાની કેટલી હદે યોજના બનાવે છે? ઓકટોબરમાં આ સરેરાશ પ્લસ આઠની હતી. આના પરથી સમજાય છે કે અમેરિકામાં સ્થિતિ હાલ કેટલી ખરાબ છે અને હજી કર્મચારીઓની છટણી થઇ શકે છે. અહીં એ નોંધપાત્ર છે કે વર્ક વિઝા કે અન્ય હંગામી વિઝા પર ગયેલા લોકો પર કાયમી જોખમ ઝળુંબતુ જ હોય છે પરંતુ આવી સ્થિતિમાં તેમની હાલત વધુ બગડી જાય છે.

આ બાબતમાં અમેરિકા કરતા ગલ્ફના દેશોમાં ગયેલા કામદારોની સ્થિતિ સારી કહી શકાય. ત્યાં વર્ષોથી કામ કરતા કામદારોને ભલે કાયમી વસવાટનો હક ન મળતો હોય પરંતુ ત્યાં આવી રીતે અચાનક છટણીનું પ્રમાણ ઓછું છે. ગલ્ફ પછી હંગામી વિઝાઓ પર સૌથી વધુ નોકરીઓ માટે લોકો અમેરિકા જાય છે પરંતુ હાલની સ્થિતિ જોતા ત્યાં વર્ક વિઝા પર જતા પહેલા બે વખત વિચાર કરી લેવો જરૂરી બની ગયું હોય તેમ જણાય છે.

Most Popular

To Top