Comments

વર્ષ: 2060માં શિક્ષણ અને સામાજિક વ્યવસ્થા કેવી હશે…?

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ આધારિત, ન્યૂરોલિંક બ્રેઇન ચિપ દરેક માણસના મગજ સાથે ફિટ કરેલી હશે જે નહિ ધારેલા, નહિ કલ્પેલા, અતિ સંકીર્ણ કાર્યો અમાપ ઝડપે કરી શકશે. આ ચિપ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ આધારિત હશે, જે બ્રેઇન કરતાં પણ વધુ કાર્યક્ષમતાથી કાર્યો કરશે. આ કામ યુ.એસ.ના એલન મસ્કની અતિ આધુનિક ટેકનોલોજીની મદદથી થશે. તેથી આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ કંપની સમગ્ર વિશ્વમાં ટેકનોલોજી ક્ષેત્રે અગ્રેસર હશે.

રોબોટ્‌સના ઉત્પાદન માટે શૈક્ષિણક ઇન્સ્ટિટયૂટ બનશે અને રોબોટ્‌સનું ઉત્પાદન ચરમ સીમા પર હશે. રોબોટિકસ લેબ.માં સર્જન પામેલ રોબોટ્‌સ બાળકોના શિક્ષક અને મિત્રની ભૂમિકા અદા કરશે. બાળકોના સામાન્ય જ્ઞાન અને બુદ્ધિઆંકમાં વધારો થશે. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, રોબોટિ્‌સ, ડ્રોન ટેકનોલોજી ક્ષેત્રે અદ્‌ભુત પ્રગતિ થશે. ઉચ્ચ અભ્યાસ કરતા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ જાતે રોબોટ્‌સ બનાવશે. તમામ વર્ગખંડોમાં રોબોટ્‌સ શિક્ષકની ભૂમિકા ભજવશે!

કયા વિદ્યાર્થીઓ માટે કયો અભ્યાસક્રમ અને વ્યવસાયનું ક્ષેત્ર વધુ અનુકૂળ છે તેનું એનાલિસીસ કરી રોબોટસ વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ પૂરું પાડશે! શિક્ષક નામનું પ્રાણી નામશેષ થશે. શિક્ષક તાલીમી કોલેજો બંધ થશે. અન્ય વિદ્યાશાખાની કોલેજો પણ બંધ થશે અને તેનાં મકાનો તથા કેમ્પસનો ઉપયોગ અદ્યતન શૈક્ષણિક ઉપકરણોના નિર્માણ માટે અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના પ્રત્યાયન (Communication) માટે થશે.

ક્રમશ: પૂર્વ પ્રાથમિક, પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ બંધ થશે અને વાલીઓ બાળકોને ઘરે જ ભણાવવાનું શરૂ કરશે. કોલેજ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ મહદ્ અંશે ઇન્ટરનેટ અને રોબોટ્‌સની મદદથી જયારે જરૂર પડશે ત્યારે, તેના સમયે સ્વયં ભણી લેશે. અધ્યેતા કેન્દ્રિય શિક્ષણ (Learner Centre Education)ની સંકલ્પના સાચા અર્થમાં ફળીભૂત થશે.

વિદ્યાર્થીઓ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, રોબોટિ‌કસ, ડ્રોન ટેકનોલોજી, સ્પેઇસ ટેકનોલોજી અભ્યાસક્રમના ભાગ રૂપે શીખશે. શિક્ષણના અભ્યાસની ભાષા અને સામાન્ય બોલચાલની ભાષામાં અંગ્રેજી પ્રથમ ક્રમે હશે, ત્યાર બાદના ક્રમે જર્મની, ફ્રેંચ, ચાઇનીઝ અને જપાનીસ ભાષા હશે. અંતિમ ક્રમે ઉર્દૂ ભાષા હશે! ગુજરાતી ભાષા અને હિન્દી ભાષા નામશેષ થશે. તેની લિપિ મ્યૂઝિયમમાં સંગ્રહાયેલી હશે. નેવું ટકા વ્યાવસાયિકો ઘેર બેઠાં બેઠાં ઓન લાઇન નોકરી કરશે. દરેક વ્યાવસાયિકોના ઘરમાં અલાયદી ઓફિસ હશે, જે ઉચ્ચ કક્ષાની અદ્યતન ઇલેકટ્રોનિક કનેકટીવિટી અને નેટવર્કથી સુસજ્જ હશે. માત્ર દસ ટકા કર્મચરીઓ મોટા પાયા પર ઉત્પાદન કરતી કંપનીઓમાં જોબ કરશે. જયાં કૌશલયુકત માણસ, રોબોટ્‌સ સાથે મળીને ઉત્પાદનલક્ષી કાર્યો કરશે.

સંદર્ભ પુસ્તકોનું સ્થાન ઇ-બૂકસ લેશે. ગ્રંથાલયોનાં કબાટોમાં પુસ્તકો નહિ હશે. વિવિધ વિષયોના કન્ટેન્ટની ચિપ્સ હશે. વિદ્યાર્થી વિના મૂલ્યે તેનો ઉપયોગ કરી શકશે. વિદ્યાર્થીઓ ગૂગલ દ્વારા ઇ-કન્ટેન્ટ, રોબોર્ટ્‌સના માધ્યમથી ભણશે. ગણ્યાંગાંઠયા ઉચ્ચ બુદ્ધિક્ષમતા અને કૌશલક્ષમતાવાળાં લોકો જ જોબ કરશે અને તેની ભરતી રોબોટસ દ્વારા થશે. વિશ્વના પ્રત્યેક નાગરિક સમગ્ર વિશ્વ સાથે વેલ કનેકટેડ રહેશે.

માણસની મૌલિક વૈચારિક ક્ષમતા ઘટશે. ભાષાકીય સર્જનશકિત પણ ઘટશે કેમકે રોબોટસ કવિતાઓ લખશે, ગઝલ લખશે, નવલકથા લખશે! સાહિત્ય ક્ષેત્રે વ્યકિતઓનો રસ બિલકુલ ઓછો રહેશે. રોબોટસ સંવેદનાઓ દ્વારા, વાણી-વર્તન કરશે. મનુષ્યો જે જે કાર્યો કરે છે તે તમામ કાર્યો રોબોટસ કરશે! માણસ, માણસ મટી યંત્ર બની જશે. અંતે માણસો અને યંત્રો વચ્ચે મહાયુદ્ધ ખેલાશે જેમાં યંત્રોનો વિજય થશે!

સમાજવ્યવસ્થા સદંતર તૂટી જશે. યુવક યુવતીઓ લગ્ન કરવાનું ટાળશે. લગ્ન કરેલ યુવક-યુવતીઓ બાળકો પેદા કરવાનું ટાળશે. જેન્ડર ચેઇન્જ એટલી હદે વિકસિત થશે કે લગભગ સિત્તેર ટકા યુવાનો જેન્ડર ચેઇન્જ કરાવશે. પરમાત્માના અસ્તિત્વને નકારનારાઓની સંખ્યા વધશે. માણસ પ્રકૃતિથી વિમુખ બનતો જશે. પારિવારિક જીવન જેવું કશું જ નહિ હોય. માણસ વધુ ને વધુ ભૌતિક, એકાકી બનશે. પોતાની કેપેસીટી જેટલું કમાશે. સંગ્રહવૃત્તિ ઘટશે. લાંબુ જીવવાનું પસંદ નહિ કરશે. મરશે ત્યાં સુધી ભરપૂર જીવી લેશે. સ્વૈચ્છિક મૃત્યુ સર્વમાન્ય અને સર્વગ્રાહી રીતે સ્વીકાર્ય બનશે.

ખેતીલાયક જમીન માત્ર દસ ટકા જ રહેશે. લોકો કૃત્રિમ, સિન્થેટીક અનાજનો ભોજનમાં ઉપયોગ કરશે. ખોરાકમાં ટેબ્લેટનો ઉપયોગ કરશે જે અનાજના વિકલ્પે લેશે. શાકાહારીની તુલનામાં માંસાહારીઓની સંખ્યા વધશે. ધર્મ, સંપ્રદાય કે જાતિની વાડાબંધી નહિવત્‌ રહેશે. ચર્ચ, મસ્જિદ, મંદિર, ગુરૂદ્વાર, દેરાસરનું અસ્તિત્વ રહેશે અને કેટલાક કિસ્સામાં વર્ડ હેરિટેજનું સ્થાન લેશે. પ્રાકૃતિક સ્થળોનું સ્થાન કૃત્રિમ રીતે પ્રાકૃતિક બનાવેલાં સ્થળો લેશે. કુદરતી આફતો તેની ચરમસીમા પર હશે. તેની સામે ટક્કર લેવાની માણસની શકિત વધશે. વિવિધ પ્રકારના વાઇરસ, વરિયન્ટ માનવીના અસ્તિત્વને જોખમમાં મૂકશે. ડાર્વિનનો સિદ્ધાંત: ‘સર્વાઇવલ ઓફધી ફિટેસ્ટ’,સંપૂર્ણ સાચો નિવડશે. એ જ લોકો ટકી શકશે જેની કુદરતી આફતો સામે ટકી રહેવાની ક્ષમતા સવિશેષ હશે.

સો વર્ષ કરતાં વધુ જીવવાની શકયતા વધશે. પરંતુ તે ખૂબ જ ખર્ચાળ હશે. ઉચ્ચ સંપન્ન વર્ગના લોકો મેડિકલ સાયન્સની અતિ આધુનિક ટેકનીકથી લાંબુ જીવશે. નિમ્ન મધ્યમ વર્ગના લોકોને આ ટ્રીટમેન્ટ પોસાય તેવી નહિ હોવાથી સાંઠ વર્ષની આસપાસ મૃત્યુને વહાલું કરશે! લેખન કાર્ય માટે, કે ટાઇપ કરવા માટે હાથની જરૂર નહિ પડશે. જેવું વિચારશો તેવું લખાશે, અને ટાઇપ પણ થશે. ધીમે ધીમે વધુ કામમાં નહિ આવતાં શરીરનાં બાહ્ય અંગો શિથિલ થઇ જશે.

સ્પેઇસ ટેક્‌નોલોજીનો વિકાસ અને વિનિયોગ તેના ઉચ્ચ શિખર પર હશે. પૃથ્વી પર માનવ વસવાટ માટેની જગ્યાની તીવ્ર અછત સર્જાવાને કારણે વિકસિત રાષ્ટ્રની વસ્તીના પચાસ ટકા સંપન્ન લોકો ચંદ્ર પર વસવાટ કરતા હશે. પૃથ્વી અને ચંદ્રની વચ્ચે, જયાં ગુરુત્વાકર્ષણ ઝીરો હશે ત્યાં તરતાં નગરો હશે. સમુદ્રમાં પણ તરતાં નગરો હશે. મંગળ ગ્રહ પર પણ દસ ટકા લોકો વસતાં હશે. આ તમામ નગરોમાં સ્પેઇસ શટલના માધ્યમથી દરરોજ માણસો અવરજવર કરતા હશે. વર્ષ 2060 સુધીમાં માનવી પ્રગતિ-વિકાસના સર્વોચ્ચ શિખરે હશે. પછી ભયંકર, અકલ્પનીય કુદરતી આફતો શરૂ થશે. વર્ષ: 3000 સુધીમાં પૃથ્વી પરની સિત્તેર ટકા વસતી નામશેષ થશે.
વિનોદ પટેલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top