ભારતીય શેરબજારમાં આજે વીકલી ટ્રેડિંગના છેલ્લા દિવસે જોરદાર તેજી જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં સારો ઉછાળો નોંધાયો હતો. બજારમાં આવેલી આ તેજી પાછળ મુખ્ય કારણ તરીકે ડોલર સામે રૂપિયો મજબૂત બનવો અને અમેરિકા તથા ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવમાં ઘટાડાના સંકેતો માનવામાં આવી રહ્યા છે. બીજી તરફ સોનું અને ચાંદીના ભાવમાં ઘટાડો થતાં રોકાણકારોમાં ફરી ખરીદીનો માહોલ જોવા મળ્યો હતો. જોકે ક્રૂડ ઓઈલના વધતા ભાવને કારણે મોંઘવારી વધવાની ચિંતા પણ વધી રહી છે. શેરબજારની વાત કરીએ તો આજે સેન્સેક્સે સારો ઉછાળો નોંધાવ્યો હતો. ગઈકાલે સેન્સેક્સ 75183.36 પર બંધ થયો હતો, જ્યારે આજે તેમાં લગભગ 627 પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સે 75810 પોઈન્ટનું હાઇ પણ સ્પર્શ્યું હતું. હાલમાં સેન્સેક્સ 75718.59ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે. બજારમાં ખરીદી વધતા રોકાણકારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
નિફ્ટીમાં પણ આજે તેજી જોવા મળી હતી. ગઈકાલે નિફ્ટી 23654 પર બંધ થઈ હતી, જ્યારે આજે તે 23807 સુધી પહોંચી ગઈ હતી. એટલે કે નિફ્ટીમાં લગભગ 181 પોઈન્ટનો વધારો નોંધાયો હતો. ખાસ કરીને બેન્કિંગ, આઈટી અને ઓટો સેક્ટરના શેરોમાં ખરીદી વધતા બજારને સપોર્ટ મળ્યો હતો.બજારના નિષ્ણાતોનું કહેવું છે કે છેલ્લા કેટલાક દિવસોમાં આંતરરાષ્ટ્રીય બજારમાં થોડો સ્થિરતા તરફનો માહોલ બન્યો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ઘટવાના સંકેતોને કારણે રોકાણકારોમાં વિશ્વાસ વધ્યો છે. તેની સીધી અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી રહી છે. બીજી તરફ સોનું અને ચાંદીના ભાવમાં આજે ઘટાડો નોંધાયો હતો. ચાંદી ગઈકાલે વાયદા બજારમાં 274883 રૂપિયા પર બંધ થઈ હતી, જ્યારે આજે તે ઘટીને 272016 રૂપિયા સુધી આવી ગઈ હતી. એટલે કે ચાંદીના ભાવમાં લગભગ 2867 રૂપિયાનો ઘટાડો થયો હતો.
સોનાની વાત કરીએ તો ગઈકાલે સોનું 159606 રૂપિયા પર બંધ થયું હતું, જ્યારે આજે તે ઘટીને 158816 રૂપિયા સુધી પહોંચી ગયું હતું. એટલે કે સોનામાં લગભગ 719 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. સોના-ચાંદીના ભાવ ઘટતા હવે ફરી રોકાણકારો અને ખરીદદારોમાં ખરીદી કરવાની આશા વધી રહી છે. ખાસ કરીને લગ્નસરા અને તહેવારો પહેલા સોનાના ભાવમાં ઘટાડો સામાન્ય લોકો માટે રાહતરૂપ માનવામાં આવે છે. જોકે બીજી તરફ ક્રૂડ ઓઈલના વધતા ભાવ ચિંતા વધારતા જોવા મળી રહ્યા છે. બ્રેન્ટ ક્રૂડ ઓઈલ ગઈકાલે ઘટીને 102 ડોલર સુધી આવી ગયું હતું, પરંતુ આજે તેમાં ફરી તેજી જોવા મળી હતી અને તે 105 ડોલરની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. ક્રૂડ ઓઈલના વધતા ભાવને કારણે આવનારા સમયમાં પેટ્રોલ-ડીઝલ મોંઘું થવાની શક્યતા વધી શકે છે. સાથે જ ટ્રાન્સપોર્ટ ખર્ચ વધતા મોંઘવારી પર પણ તેની સીધી અસર પડી શકે છે.
ડોલર સામે રૂપિયો આજે મજબૂત બન્યો હતો. ગઈકાલે ડોલર સામે રૂપિયો 96.10ની સપાટીએ બંધ થયો હતો, જ્યારે આજે રૂપિયો 95.71 સુધી મજબૂત થયો હતો. એટલે કે રૂપિયાની કિંમતમાં લગભગ 40 પૈસાનો સુધારો જોવા મળ્યો હતો. થોડા દિવસો પહેલા ડોલર સામે રૂપિયો 96.97 સુધી નબળો પડી ગયો હતો, પરંતુ હવે તેમાં ફરી રિકવરી જોવા મળી રહી છે. રૂપિયો મજબૂત બનતા આયાત ખર્ચમાં થોડો ઘટાડો થઈ શકે છે, જે ભારતીય અર્થતંત્ર માટે સકારાત્મક માનવામાં આવે છે. જોકે ક્રૂડ ઓઈલના વધતા ભાવ આગળ જઈને બજાર માટે પડકાર ઉભો કરી શકે છે. હાલ માટે શેરબજારમાં તેજી અને રૂપિયાની મજબૂતી રોકાણકારો માટે રાહતના સમાચાર ગણાઈ રહ્યા છે.