Sports

કોચ રાહુલ દ્રવિડનો સંકેત : વિરાટ-રોહિત માટે T-20 ટીમના દરવાજા બંધ

પુણે : ભારતીય ટીમના (Indian Team) મુખ્ય કોચ રાહુલ દ્રવિડે 2024માં રમાનારા ટી-20 (T20) વર્લ્ડકપને ધ્યાને લઇને એક યુવા ટીમ બનાવવાનો મજબૂત સંકેત આપતા ઇશારામાં એવું કહી દીધું છે કે ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને કેપ્ટન રોહિત શર્મા માટે ટી-20 ટીમના દરવાજા બંધ થઇ ગયા છે. હાલમાં શ્રીલંકા સામેની સીરિઝમાંથી આ બંને ખેલાડીને આરામ આપવામાં આવ્યો છે. આ તરફ એવા પણ અહેવાલો આવ્યા છે કે ન્યૂઝીલેન્ડ સામેની આગામી ઘરઆંગણાની ટી-20 સીરિઝમાં પણ વિરાટ અને રોહિતનો સમાવેશ કરવામાં નહીં આવે. આ સીરિઝમાં પણ ટીમનું સુકાન હાર્દિક પંડ્યા જ સંભાળે તેવી શક્યતા છે.

  • બીસીસીઆઇના એક અધિકારીનો ઇશારો : ન્યૂઝીલેન્ડ સામેની ટી-20 સીરિઝમાં પણ રોહિત-વિરાટના નામ પર વિચાર નહીં થાય
  • મહંમદ શમી, ભુવનેશ્વર કુમાર અને આર અશ્વિન જેવા સીનિયર ખેલાડીઓ પહેલાથી જ ટી-20 યોજનામાંથી બહાર છે

દ્રવિડે આગામી વર્લ્ડકપ અંગેની યોજનાઓ અંગે વાત કરતાં કહ્યું હતું કે આગામી ટી-20 વર્લ્ડકપ માટે ટીમ તૈયાર કરવામાં આવી રહી છે અને તે સ્થિતિમાં ટીમમાં યુવા ખેલાડીઓને અનુભવ આપવાની જરૂર છે અને તેના માટે ધીરજથી કામ લેવું પડશે. આ વાત કરીને એક રીતે રાહુલ દ્રવિડે વિરાટ અને રોહિત માટે ટી-20 ફોર્મેટમાં ટીમ ઇન્ડિયાના દરવાજા બંધ થઇ ગયા હોવાનો સંકેત આપી દીધો છે.

ન્યુઝીલેન્ડ સામેની 3 વનડે અને 3 ટી-20 મેચોની હોમ સિરીઝ માટેની ટીમની જાહેરાત હજુ બાકી છે. નવી પસંદગી સમિતિ આ ટીમની જાહેરાત કરશે. ન્યૂઝીલેન્ડ સાથે પ્રથમ 3 વન-ડેની સીરિઝ 18 જાન્યુઆરીથી શરૂ થશે. ત્યારબાદ 27 જાન્યુઆરીથી ટી-20 સીરીઝ રમાશે. એક સ્પોર્ટ્સ વેબસાઈટ સાથે વાત કરતા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના એક અધિકારીએ જણાવ્યું હતું કે ન્યૂઝીલેન્ડ સાથેની 3 ટી20 સીરીઝ માટે રોહિત અને વિરાટના નામ પર વિચાર કરવામાં આવશે નહીં. મહંમદ શમી, ભુવનેશ્વર કુમાર અને આર અશ્વિન જેવા સીનિયર ખેલાડીઓ પહેલાથી જ ટી-20 યોજનામાંથી બહાર છે.

Most Popular

To Top