Feature Stories

29 કરોડ યુનિટ ઉત્પાદન સાથે સોલર ક્ષેત્રે સુરતનો દેશમાં ડંકો

5 મે વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવવામાં છે. ખાસ કરીને પર્યાવરણને બચાવવામાં કોણ કેટલું યોગદાન આપી રહ્યું છે તે મહત્વનું થઇ જાય છે. ત્યારે આ ક્ષેત્રે સુરત અને સુરતીઓને કેમ ભૂલી શકાય. સુરત એટલું બધુ ખૂબસુરત શહેર છે કે તેની ખાસિયત એક નહીં અનેક છે. તે તેની અન્ય ઓળખ જાળવી રાખીને પણ નવી નવી ઓળખ ઊભું કરતું રહે છે. જો સુરતની વાત કરીએ તો એક સમય હતો કે સુરતની જરી ખરીદવા માટે દેશ અને દુનિયામાંથી લોકો રિયલ જરી ખરીદવા માટે સુરત આવતા હતા આ ઓળખ સુરતે ગુમાવી નથી ત્યારે નવી ઓળખ ટેક્સટાઈલ સિટી તરીકેની મળી. આજે દુનિયાના દરેક દેશોમાં કપડું પુરું પાડવામાં સુરત અવ્વલ છે.

તો સુરતની અન્ય એક ઓળખ ડાયમંડ સિટી તરીકેની પણ છે. દુનિયામાં તૈયાર થતાં હીરા પૈકી 90 ટકા સુરતમાં પોલિશ્ડ થાય છે. આ ઉપરાંત બ્રિજ સિટી તો ખરી જ. અને હવે જ્યારથી વૈકલ્પિક ઉર્જાનો જમાનો શરૂ થયો છે ત્યારથી સુરત તેની સોલાર સિટી તરીકેની ઓળખ ઊભી કરવા માટે અકલ્પનીય ઝડપથી આગળ વધી રહ્યું છે. તાજેતરમાં જ SMCએ જે ડેટા બહાર પાડ્યો છે તે અનુસાર સુરતમાં હાલ 42 હજાર ઘરો ઉપર 205 મેગાવોટના સોલર પ્લાન્ટ લગાવાયા છે, જેથી આ તમામ ઘરોમાં લાઈટ બિલ શૂન્ય થઈ ગયું છે. પાલિકા દ્વારા પર વધુમાં વધુ લોકોને રૂફટોપ સોલર પ્લાન્ટ લગાવવા માટે અપીલ કરવામાં આવી રહી છે. હાલ સુરત સિટીમાં વાર્ષિક 29 કરોડ વીજ યુનિટનું ઉત્પાદન થઈ રહ્યું છે, જે દેશમાં 3.16 ટકા અને ગુજરાતમાં 11.78 હિસ્સો ધરાવે છે.

સુરતમાં વાર્ષિક 29 કરોડ યુનિટ સોલર ઉત્પાદન : બંછાનિધી પાની (મ્યુ. કમિ.)
મનપાના કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, શહેરમાં સોલર પાવર જનરેશનને પ્રોત્સાહન આપવાની કામગીરી ચાલી રહી છે. આ પાવર પ્લાન્ટ થકી વાર્ષિક 29 કરોડ વીજ યુનિટનું ઉત્પાદન થઇ રહ્યું છે. પાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વે મુજબ શહેરમાં 418 મેગાવોટ ક્ષમતાના સોલર પાવર પ્લાન્ટ સ્થાપિત કરી શકાય એમ છે. સુરત શહેરમાં મહાનગર પાલિકાની હદમાં સરેરાશ 1016 કરોડ યુનિટ વીજળીનો વાર્ષિક વપરાશ છે તેની સામે અત્યારે સુરતમાં વાર્ષિક 29 કરોડ યુનિટ સોલર ઉત્પાદન સુરતમાં થઇ રહ્યું છે. SMCનું કુલ વીજબિલ 150 કરોડ રૂપિયા વાર્ષિક આવે છે જેમાંથી આશરે 60 કરોડ રૂપિયા વૈકલ્પિક વીજળી ઉત્પન્ન કરીને બચાવવામાં આવે છે. જ્યારે SMCની જુદી જુદી કચેરીમાં હાલ સોલર ઉત્પાદનનો કુલ હિસ્સો વાર્ષિક વીજબિલ સામે 3 ટકા છે.

સુરતના ઉદ્યોગપતિ દ્વારા દુધાળા ગામને સંપૂર્ણ સોલાર સંચાલિત બનાવાશે : ગોવિંદ ધોળકિયા
સોલાર એનર્જીમાં મોટા મોટા શહેરોને પણ પાછળ પાડી દે તેવી કામગીરી દુધાળા ગામે કરી બતાવી છે. ગુજરાતના અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં આવેલું દુધાળા ગામ સંપૂર્ણ સોલારાઇઝડ છે. સુરતના ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાએ આ ગામને સંપૂર્ણ સોલાર પેનલથી સંચાલિત કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. ગોલ્ડી સોલાર અને  શ્રીરામકૃષ્ણ નોલેજ ફાઉન્ડેશન (SRKKF) સાથે ભાગીદારીમાં આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. 400 KW સોલાર રૂફટોપ પ્રોજેક્ટનો ઉપયોગ 350 ઘરો અને જાહેર વિસ્તારો જેમ કે આંગણવાડીઓ અને ગ્રામ પંચાયતોને વીજ સપ્લાય આપવામાં આવશે. આ 4 કરોડના ખર્ચે ફાઉન્ડેશન દ્વારા સોલાર પેનલથી સંપૂર્ણ રીતે સંચાલિત થનારું આ પહેલું ગામ હશે. નાણાકીય સહાય પૂરી પાડવાને બદલે, આ પગલું લગભગ 2000 લોકોને સોલર રૂફટોપ સિસ્ટમ્સમાંથી પૈસા કમાવવા માટે સશક્ત બનાવશે. SRK એક્સપોર્ટ્સના સ્થાપક-ચેરમેન ગોવિંદભાઈ ધોળકિયાએ જણાવ્યું હતું કે, 10 દિવસ પહેલા જ 100 પેનલ લગાડવાનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.

દેશમાં સૌથી વધુ સોલર પેનલ બનાવવામાં પણ સુરતી ઉદ્યોગપતિ અગ્રેસર : આશિષ ગુજરાતી
ચેમ્બરના પ્રમુખ આશિષ ગુજરાતીએ જણાવ્યું હતું કે દેશમાં સૌથી વધુ સોલાર પેનલ સુરતની કંપનીઓ બનાવે છે. સુરતમાં કુલ આઠ જેટલા સોલર પેનલના ઉત્પાદકો છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, છેલ્લા બજેટમાં નાણામંત્રીએ બજેટમાં ડિફેન્સના કુલ બજેટમાંથી રપ ટકા જેટલું બજેટ ડિફેન્સ ક્ષેત્રના સ્ટાર્ટ–અપ માટે ફાળવવાની જાહેરાત કરી હતી. જેને કારણે સ્ટાર્ટ–અપને ઘણું પ્રોત્સાહન મળી રહેશે. સોલાર પાવર ક્ષેત્રે ડોમેસ્ટીક હાઇ એફીશ્યન્સી સોલાર પીવી પેનલ બનાવવા માટે રૂપિયા ૧૯પ૦૦ કરોડ ફાળવવાની બજેટમાં જાહેરાત કરવામાં આવી છે. તેનો સૌથી વધુ લાભ સુરતના ઉદ્યોગપતિઓ લેશે

Most Popular

To Top