Sports

ધોનીના છગ્ગાને જોઇને આ ખેલાડીએ એથ્લેટિક્સ છોડીને ક્રિકેટ અપનાવ્યું

મહેન્દ્ર સિંહ ધોનીએ શ્રીલંકા સામેની ફાઇનલમાં મારેલો વિજયી છગ્ગો દરેક ભારતીયના મન પર એક છાપ છોડી ગયો હતો અને આ એક શોટે ઘણાની જીંદગી બદલી નાંખી હતી, જેમાં સોલાપુરના મીરે ગામની એથ્લેટ કિરણ નવગીરે પણ સામેલ છે. આ એક છગ્ગાએ એથ્લેટિક્સને નુકસાન કરીને ક્રિકેટને ફાયદો કરાવ્યો હતો. કારણકે મહારાષ્ટ્રની સ્ટેટ લેવલની એથ્લેટ કિરણે ક્રિકેટમાં પોતાના આદર્શ ધોનીની જેમ જો પોતે ફટકા ન મારી શકે તો જીવનની મજા શું રહે એમ વિચાર્યું. ધોનીના એ શોટના 11 વર્ષ પછી નાગાલેન્ડ વતી ડોમેસ્ટિક ક્રિકેટ રમનારી 28 વર્ષિય કિરણ તે પછી તરત જ લાઇમ લાઇટમાં આવી હતી. મોટા ફટકા મારવાની તેની ક્ષમતાથી બધા પ્રભાવિત થયા હતા. હાલમાં રમાઇ રહેલી મહિલા ટી-20 ચેલેન્જમાં વેલોસિટીની ટ્રેલબ્લેજર્સ સામેની મેચમાં આક્રમક ઝડપી અર્ધસદી ફટકારીને તેણે રમેલી 34 બોલમાં 69 રનની ઇનિંગને લાંબા સમય સુધી યાદ રખાશે. ખાસ કરીને તેણે એ ઇનિંગમાં મારેલા પાંચ છગ્ગાઓને યાદ રખાશે.

પહેલા એથ્લેટિક્સ રમતી કિરણ નવગીરેએ જેવેલિન થ્રો અને 4×100 મીચર રિલે દોડમાં ઘણાં મેડલ જીત્યા હતા. જો કે 2017માં રમાયેલા મહિલા વર્લ્ડકપના થોડા સમય પહેલા જ કિરણે પુણે આવીને ક્રિકેટ રમવાનો નિર્ણય કર્યો હતો. કિરણે ડોમેસ્ટિક ક્રિકેટમાં મહારાષ્ટ્ર વતી ડેબ્યુ કર્યું હતું. જો કે કોરોનાના કારણે ક્રિકેટ સહિતની રમત ઠપ થઇ અને તે પછી ફરી જ્યારે ક્રિકેટની શરૂઆત થઇ તો તેને મહારાષ્ટ્રની ટીમમાં સ્થાન ન મળ્યું. તે કંટાળી હતી ત્યારે જ તેને જાણ થઇ કે નાગાલેન્ડને ગેસ્ટ ખેલાડીઓની જરૂર છે એટલે એણે ત્યાં અરજી કરી અને તેની પસંદગી થઇ ગઇ. મહિલા સીનિયર ટી-20 ટૂર્નામેન્ટમાં નાગાલેન્ડ વતી રમતા અરૂણાચલ પ્રદેશ સામેની મેચમાં કિરણે 76 બોલમાં 162 રનની ઇનિંગ રમીને સનસનાટી મચાવી હતી. ટી-20 ક્રિકેટમાં તે 150 કે તેનાથી વધુનો સ્કોર કરનારી પહેલી ભારતીય ક્રિકેટર બની હતી.

ટી-20માં આ પહેલા કોઇ ભારતીય ખેલાડી ત્યાં સુધી પહોંચી શક્યો નહોતો અને ટી-20માં સર્વોચ્ચ સ્કોરનો ભારતીય રેકોર્ડ 147 રનનો હતો. જે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં શ્રેયસ અય્યરે બનાવ્યો હતો. કિરણ નવગીરેએ અપ્રિલ-મેમાં રમાયેલી સીનિયર મહિલા ટી-20 ટ્રોફીની 7 મેચમાં 131.25ની એવરેજ અને 172.69ની સ્ટ્રાઇક રેટથી કુલ મળીને 525 રન બનાવ્યા હતા. આ પ્રદર્શનને કારણે જ તેને મહિલા ટી-20 ચેલેન્જની ટીમમાં સ્થાન મળ્યું હતું.

ટ્રેલબ્લેઝર્સ સામેની મેચ બાદ કિરણ નવગીરેએ કહ્યું કે તેને સિક્સર મારવી ગમે છે. તેણે કહ્યું કે મને કેપ્ટન દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ મેચમાં તારી નેચરલ ગેમ રમજે. હું મારી નેચરલ ગેમ રમી રહી હતી. હું આ મેચને જીત સાથે સમાપ્ત કરવા માંગતી હતી પણ કમનસીબે તે થઈ શક્યું નહીં.’ કિરણે એથ્લેટિક્સમાં ભાલા ફેંક, શોટપુટ અને રિલે રેસમાં પણ ભાગ લીધો છે. તેણે એથ્લેટિક્સમાં ઘણા મેડલ અને ટ્રોફી પણ જીતી છે. આમ છતાં તેણે ક્રિકેટમાં કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું. કિરણ ભારતના માજી કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને પોતાનો રોલ મોડલ માને છે.

શ્રીલંકા સામે ફાઇનલમાં ધોનીના અણનમ 91 રનથી કિરણનું જીવન બદલાઈ ગયું. કારણ કે પહેલા તે એથ્લેટિક્સ, ખો-ખો, કબડ્ડી પર વધુ ધ્યાન આપતી હતી અને સોલાપુર જિલ્લાના મીરા ગામમાં પિતાને ખેતરોમાં મદદ કરતી હતી. કિરણે કહ્યું, ‘મેં 2011ના વર્લ્ડકપની ફાઈનલ જોઈ અને ધોનીની સિક્સથી મને પ્રેરણા મળી. તેણે મારા મન પર છાપ છોડી. તે છગ્ગાએ મને પ્રેરણા આપી અને મને હંમેશા લાગે છે કે હું દરેક મેચમાં આવી છગ્ગા ફટકારી શકં. છું. કિરણે તેની સાથી યાસ્તિકા ભાટિયા સાથે વાત કરતાં કહ્યું, હતું કે જ્યારે હું છગ્ગા ફટકારું છું અને નેટમાં પ્રેક્ટિસ કરું છું ત્યારે મને ખૂબ સારું લાગે છે. હું સિક્સર મારવાની પ્રેક્ટિસ કરું છું, હું ધોનીની રમત જોઉં છું અને તેની જેમ મોટી સિક્સર મારીને મેચ પૂરી કરવાનું પસંદ કરું છું.

Most Popular

To Top