SURAT

97 વર્ષથી તૈયાર લોટ અને મસાલા માટે ગીરધર મસાલા પેઢી પરનો સુરતીઓનો વિશ્વાસ આજે પણ અકબંધ

આપણે બધાં જ જાણીએ છીએ કે, એક સમય એવો હતો જ્યારે લોકોના ઘરમાં જ પત્થરની ઘંટી પર ઘરની મહિલાઓ ઘઉં અને અન્ય અનાજ દળતી અને ખાંડણીમાં મસાલો ખાંડતી કે કુટતી. મહિલાઓના આ કામને ઓછું કરવા તેમને આ કામથી મુક્તિ અપાવવાના ઉદ્દેશથી આજથી 97 વર્ષ પહેલાં ગલેમંડી, મોટી શેરીમાં દળણા દળવા માટે અને તૈયાર મસાલા આપવા માટે એક પેઢી આગળ આવી. આ પેઢી એટલે ગીરધર મસાલા. શરૂઆતમાં આ પેઢીનો ધંધો ચોખા છડવા, તેલની ઘાણીમાં તેલ કાઢવાનું અને દળણા દળવાનો હતો. પછીથી આ પેઢીએ સુરતના લોકોને તૈયાર લોટ આપવાનું શરૂ કર્યું. સમય જતાં આ પેઢીએ ગોબાપુરી, મેથી સંભાર, પાપડનો લોટ(મસાલા સાથે તૈયાર) જેવી ટેસ્ટી પ્રોડક્ટની સાથે સુરતીઓના ટેસ્ટને વધારવાનું કામ કર્યું. આજે પણ બાપ-દાદાઓના સમયથી કેટલાંય સુરતીઓ 20-25 કિલોમીટરનું અંતર કાપીને પણ આ પેઢીમાંથી વિવિધ પ્રકારના તૈયાર લોટ, મસાલા, ઇન્સ્ટન્ટ સ્વાદિષ્ટ વાનગીઓના પેકેટ લઈ જાય છે. તો ચાલો આપણે આજે 97 વર્ષે પણ આ પેઢી ઉત્તમ ક્વોલિટીની સાથે લોકોના વિશ્વાસનું સરનામું કેમ બની છે તે આપણે આ દુકાનની ચોથી અને પાંચમી પેઢીની મહિલા સંચાલકો પાસેથી જાણીએ.

1925માં આ પેઢીનો પાયો છગનલાલ ગીરધરલાલ શાહે નાંખ્યો
ગીરધર મસાલા પેઢીનો પાયો છગનલાલ ગીરધરલાલ શાહે 1925માં નાંખ્યો હતો. દળણા દળવામાં આ પેઢી સૌથી જૂની રહી છે. પહેલેથી જ કામરેજ, કડોદરા, ઓલપાડ, જહાંગીરપુરા, સાયણથી લોકો વિવિધ પ્રકારના લોટ અને મસાલા ખરીદવા ઠેઠ ગલેમંડી આ પેઢી સુધી આવતા. કેમકે આ પેઢીનાં માલની ક્વોલિટીની સુવાસ દૂર-દૂર સુધી ફેલાઈ હતી. છગનલાલના પુત્ર જયંતીલાલે 1940ની આસપાસ આ ધંધાનું સંચાલન પોતાના હાથમાં લીધું હતું.

પહેલાં પથ્થરની ઘંટીઓમાં અનાજ પીસાતું
પહેલાંના સમયમાં આ પેઢી દ્વારા પથ્થરની ઘંટીઓમાં ઘઉં, જુવાર, બાજરી અને અન્ય અનાજ પીસાતું સમય જતાં પથ્થરની ઘંટીઓ સાથે અદ્યતન નવી ટેકનોલોજીના પલ્વરાઈઝર મશીનમાં અનાજ દળાય છે. જોકે 1985થી લોકોના ઘઉં, બાજરી, જુવાર, જવ દળવાનું બંધ કરાયું છે કેમકે ગીરધર પોતાના રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક હેઠળ પોતાની બ્રાન્ડના દરેક વસ્તુનું ઉત્પાદન કરતી થઇ ચૂકી છે. પહેલાં આ પેઢી દ્વારા 25 જેટલા વિવિધ પ્રકારના લોટ અને મસાલા સહિતની પ્રોડકટનું વેચાણ થતું આજે ઇન્સ્ટન્ટ ટેસ્ટી નાસ્તાના પેકેટ સહિત 500 જેટલી પ્રોડકટનું વેચાણ થાય છે.

મને જોઈ બીજી મહિલાઓ પણ દુકાનના સંચાલનમાં ભાગ લેતી થઇ: જીજ્ઞાબેન શાહ
આ દુકાનના ચોથી પેઢીનાં પિયુષભાઈ શાહના પત્ની જીજ્ઞાબેન શાહે જણાવ્યું કે મેં 1995થી આ દુકાનમાં બેસવાનું શરૂ કર્યું હતું. ત્યારે આ વિસ્તારની અન્ય કોઇ પણ દુકાનોમાં મહિલા બેસતી નહીં હતી. પણ મને જોઇને બીજી મહિલાઓએ એમના પરિવારની દુકાનોના સંચાલનમાં ભાગ લેવાનું શરૂ કર્યું. મને દુકાનમાં કાર્યરત થવા માટે મારા સાસુ સુશીલાબેન અને પતિ પિયુષભાઇએ પ્રોત્સાહન આપ્યું હતું.

ઘોડાગાડીમાં લગ્ન સહિતના પ્રસંગોની ખરીદી કરવા ગ્રાહકો આવતા: રક્ષાબેન શાહ
હિમાનીબેનના ફોઇ અને ઘરના વડીલ રક્ષાબેન શાહે જણાવ્યું કે પહેલાંના સમયમાં દુરના વિસ્તારથી ગ્રાહકો આ દુકાનમાં સાઇકલ પર આવતાં. જ્યારે નજીકના વિસ્તારના ગ્રાહક ચાલતાં આવતા. પણ લગ્ન કે અન્ય મોટા પ્રસંગોની ખરીદી કરવા ગ્રાહકો ઘોડાગાડીમાં આવતા. પહેલાના સમયમાં આગળના પડીકામાં તૈયાર લોટ અને મસાલા અપાતા.

રોજ અલગ અલગ જાતના અને અવનવા લોકોને મળવાનો અનુભવ ઘણું શીખવાડે છે: પ્રતીક મહેતા
હિમાનીબેનના હસબન્ડ અને પેઢીનાં સંચાલનમાં મદદરૂપ થતા પ્રતીક મહેતાએ જણાવ્યું કે વધુ લોકોનાં સંપર્કમાં રહેવાથી મન વધુ ઇનોવેટિવ અને ક્રિએટિવ રહે છે. તેમજ ઘણાબધા સુરતીઓ U.S., U.K., જર્મની, કેનેડા, ઓસ્ટ્રેલિયા રહેતાં તેમના સગા-સંબંધીઓને ગીરધરના ઇન્સ્ટન્ટ મીક્સ આ પેઢીમાંથી જ મોકલે છે. જેથી તેમને સુરતી સ્વાદ મળી રહે.

હાલમાં જ કતારમાં પેઢીનો માલ એક્સપોર્ટ કરવાનું શરૂ કરાયું: હિરેનભાઈ શાહ
હિમાનીબેનના કાકાના દીકરા અને આ પેઢીનાં સંચાલનમાં મદદરૂપ થતા હિરેનભાઈ શાહે જણાવ્યું કે આ પેઢી દ્વારા કતારમાં રહેતા ગુજરાતી ફેમિલીઓ માટે આ પેઢીના ચોળાફળી, મઠીયા, ગોબાપુરી, લોચો, ખમણનો લોટ એક્સપોર્ટ કરાય છે. ઓગસ્ટથી લઈને ઓક્ટોબર-નવેમ્બર સુધી જન્માષ્ટમીથી લઈને દિવાળી સુધી અને ઘઉં, ચોખા અન્ય ધાન્ય, કઠોળ ભરવાની અને મસાલા ભરવાની સિઝનમાં લોકોની ભીડ જોવા મળે છે.

વિદેશ રહેતા સગા સંબંધીઓને આ પેઢીનો માલ મોકલાય છે: પલ્લવીબેન લેથવાલા
30 વર્ષથી આ પેઢીના સંચાલનમાં મદદરૂપ પાડોશી અને મિત્ર પલ્લવીબેન લેથવાલાએ જણાવ્યું કે વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓને ઘર જેવું જ ટેસ્ટી ખાવાનું વિદેશમાં પણ મળી રહે તે માટે આ પેઢીમાંથી ખીચડી, ઉપમા, શીરો, દાળ, કઢી, ટોમેટો ગ્રેવી, સંભાર, કોપરા અને ખજૂરની ચટણીના ઇન્સ્ટન્ટ પેકેટ લઈ જાય છે. જે પાણી- દૂધ- છાશ કે લીંબુ નાંખીને તરત તૈયાર થાય છે.

કોરોનાના લોકડાઉનમાં હોમડીલીવરી કરતાં: હિમાની મહેતા
આ દુકાનના પાંચમી પેઢીનાં સંચાલક હિમાનીબેન મહેતાએ જણાવ્યું કે કોરોનાકાળમાં લોકડાઉન સમયે આ પેઢી દ્વારા સુરતના લોકોને જરૂરિયાત અનુસારની ચીજ-સામગ્રીની હોમ ડિલીવરી કરવામાં આવતી. હોમ ડિલીવરી માટે બે ટેમ્પા, 1 વેન અને 2 રીક્ષા ચલાવવામાં આવતાં. હું 11-12 વર્ષની હતી ત્યારથી દિવાળી કે અન્ય સીઝનમાં મારા પિતા પિયુષભાઈ શાહને પેઢીનાં સંચાલનમાં મદદ કરતી. ઇ.સ. 2011થી મારા ડેડી સાથે આ દુકાનનું નેતૃત્વ કરી રહી છું. લગ્ન બાદ પણ મારા પતિના પ્રોત્સાહન અને સાસુ- સસરાના સપોર્ટથી મે ફુલ ટાઇમ વર્ક ચાલુ જ રાખ્યું. મેં પેઢીનું વિસ્તરણ કરતા ઇન્સ્ટન્ટ મીક્સ અને ઇન્સ્ટન્ટ નાસ્તાના લોટ બારકોડ સાથેના પેકેટમાં વેચવાનું શરૂ કર્યું છે.
ખરાબ અનુભવ
હિમાનીબેન મહેતાએ જણાવ્યું કે દિવાળીના ટાઈમમાં એક વખત એક ગ્રાહક સામાન લેવા દુકાને આવ્યો હતો અને સામાન ઘર સુધી મુકવા દુકાનના એક કર્મચારીને લઈ ગયો હતો પૈસા પછીથી આપવાની વાત કરી હતી રસ્તામાં દુકાનમાંથી કોઈ સામાન લેવાનું ભૂલી ગયો હોવાનું જણાવી કર્મચારીને દુકાને પાછો મોકલ્યો અને એ ગ્રાહક 6થી 7 હજારનો માલ લઈ છૂમંતર થઈ ગયો હતો.

ધંધાનું વિસ્તરણ કરી સ્વાદિષ્ટ નાસ્તાના તૈયાર લોટ વેચવાનું શરૂ થયું
1970માં આ પેઢીનાં ધંધાનું વિસ્તરણ થયું અને ઈદડા, ઢોકળા, વડા વગેરેના તૈયાર લોટ ગ્રાહકોને આપવાનું શરૂ કરાયું. ત્યાર બાદ આ દુકાનના ચોથી પેઢીનાં પિયુષભાઈ શાહે મસાલાપુરી, ચકરી, ગાઠિયા, ચોળાફળી, મઠીયા, થાપડા, સુંવાળી, પાપડનો લોટ, ખીચિયાનો લોટ આદિ સ્વાદિષ્ટ નાસ્તાના તૈયાર લોટ વેચવાનું શરૂ કર્યું હતું. 1990ના દાયકામાં જ્યારે કાગળના બિલનું ચલણ પણ નહોતું એવા સમયે કમ્પ્યુટરની મદદથી બિલિંગ અને મેનેજમન્ટની શરૂઆત કરનાર પિયુષભાઇ શાહ એક વિઝનરી હતા.

60 ટકા સ્ટાફ મહિલાઓ છે
હિમાની મહેતાએ જણાવ્યું કે આ પેઢીના સ્ટાફમાં 60 ટકા મહિલા સ્ટાફ છે. અમારી દુકાનમાં મોટાભાગનો ગ્રાહક વર્ગ મહિલાઓ છે એટલે પેઢીમાં મોટાભાગનો સ્ટાફ મહિલાઓનો રાખ્યો છે. પેઢીનો હિસાબ પણ મહિલા એકાઉન્ટન્ટ રાખે છે. તમામ સ્ટાફ સાથે ઘર જેવો વ્યવહાર કરવામાં આવે છે.
વંશવેલો
છગનલાલ ગીરધરલાલ શાહ, જયંતીલાલ છગનલાલ શાહ, પીયૂષભાઈ જ્યંતીલાલ શાહ,જીજ્ઞાબેન પિયુષભાઇ શાહ, હિમાની પ્રતીક મહેતા

Most Popular

To Top