Charchapatra

સુરતી મોઢ વણિક સમાજનો ‘મિત્ર’ અખબાર સાથે પુરાણો નાતો

સુરત મોઢ વણિક સમાજનો બાપદાદાના જમાનાથી ‘ગુજરાતમિત્ર’ અખબાર સાથે બહુ પુરાણો નાતો રહ્યો છે. એ પરંપરા હજુ આજે પણ નવી પેઢીમાં બરોબર જળવાઈ રહી છે. દુ:ખદ અવસાનની સુરત મોઢ વણિક સમાજના વડીલની ઘરમાં પહેલાં એક જ વાત હોય છે. ‘ગુજરાતમિત્ર’ અખબારમાં બધાં કામ પડતાં મૂકીને અવસાનની જાહેરખબર પહોંચાડો. એની પાછળનું મુખ્ય કારણ દરેક ઘરમાં ‘ગુજરાતમિત્ર’ નિયમિત મંગાવવામાં આવે છે. સમાજમાં અવસાનની વાત જેમ બને તેમ જલદી પહોંચવી જોઇએ. ખરેખર એ સાથે કહેવું જોઇએ કે વડીલની આ વાતનું બરોબર ધ્યાન આપવામાં આવે છે. હાલના કોરોનાકાળમાં અવસાન બાબતે પ્રત્યેક ઘરમાં પહોંચી શકાય નહીં. આવી કટોકટી પળમાં એક માત્ર ‘ગુજરાતમિત્ર’ અખબારની યાદ પહેલાં આવે. સુરતી મોઢ વણિક સમાજના દેશ વિદેશમાં પણ વસતાં લોકોએ આ પરંપરાને જાળવી રાખી છે. આ બાબતે ગરીબ, મધ્યમ વર્ગ, તવંગર બધાં લોકો આ વાતને ગંભીરતાથી સમજે છે. અહીં બીજી એક વાત કહેવી પડે કે સુરતી મોઢ વણિક સમાજનો યુવા વર્ગ પણ મિત્ર અખબારની રોજેરોજની રંગીન પૂર્તિથી બહુ જ ખુશ છે. રમતગમતની કોલમ પણ એ લોકો માટે પસંદગીનો વિષય હોવાથી એ કોલમ અચૂક વાંચે છે. ઘરનાં વડીલો, મહિલા વર્ગને પણ માત્ર ને માત્ર મિત્ર અખબારની ભૂખ રહે છે. ચર્ચાપત્ર વિભાગના ચર્ચાપત્રની નવરાશના સમયમાં ચર્ચા ચાલતી રહે છે. લોકપ્રિય ચર્ચાપત્ર વિભાગમાં સમાજના કેટલાંક ભાઇઓ બહેનો પત્ર લખતા રહે છે. સન્નારી પૂર્તિ બેનો સાથે ભાઇઓ માટે પણ રસપ્રદ પૂર્તિ બની ગઇ છે.
સુરત-જગદીશ પાનવાલા-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top