Business

સુરત ડાયમંડ બુર્સનું ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ પૂર્ણ, બિલ્ડીંગને BUC ની મંજૂરી મળી

સુરત : વિશ્વના સૌથી મોટા સુરત ડાયમંડ બુર્સનું (Surat Diamond Burse) કામ પૂર્ણ થતાં સુરત ડ્રિમ સિટી ઓથોરિટીએ બુર્સની તમામ 9 બિલ્ડીંગને (Building) આજે BUC (બિલ્ડીંગ યુઝેસ સર્ટીફીકેટ) એટલે કે બિલ્ડીંગને કાર્યરત કરવાની પરવાનગી આપી છે. સુરત ડાયમંડ બુર્સ કમિટીનાં ચેરમેન વલ્લભભાઈ એસ. પટેલે સભ્યોને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, સુરત ડાયમંડ બુર્સનું કામ સંપૂર્ણ પણે પૂર્ણ થઇ ગયું છે. સરકાર દ્વારા સુરત ડાયમંડ બુર્સને તારીખ 7-11-2022 ને દિવસે બિલ્ડીંગ યુઝેસ સર્ટીફીકેટ મળી ગયું છે. ઓફિસોનું 100% કામ પૂર્ણ થઇ ગયું છે.

500 ઓફિસોની ફર્નિચરનું કામ હાલમાં હાલ ચાલી રહ્યું છે. બીજી 500 ઓફીસ જેમને એલોટ થઈ છે એમણે મંજૂરી માંગી છે. 60,000 સ્કેવર કૂટનું વિશાળ કસ્ટમ હાઉસ, સેફ ડિપોઝીટ વોલ્ટનું કામ પૂર્ણ થઇ ગયું છે. એસડીબી દ્વારા ગ્રાઉન્ડ ફ્લોરની તમામ જગ્યા લીઝ પર આપવામાં આવી છે. જેમાં 8 થી વધુ બેંક, હોટેલ, રેસ્ટોરન્ટ, મેડીકલ ઈમરજન્સી માટે ક્લિનીક, મેડીકલ સ્ટોર, અનેક સર્વિસ પ્રોવાઇડર, વિશાળ જ્વેલરી મોલ જેમાં ભવ્ય લક્ઝરી ઇન્ટીરીયર તેમજ આધુનિક સુવિધા સાથેના 27 જેટલા શો-રૂમ વિશ્વ વિખ્યાત જ્વેલર્સને ઓક્શન દ્વારા ફાળવવામાં આવશે.

Z+ સિક્યુરીટી સાથે સંપૂર્ણ ડાયમંડ બુર્સની સુરક્ષા, બિલ્ડીંગ ઇન્ટીરીયર, લેન્ડસ્કેપ, ડ્રેનેજ, વોટર, ઈલેક્ટ્રિસીટી સુવિધાઓનાં કામ સંપૂર્ણ પણે પૂરું થઇ ચુક્યા છે. માર્ચ-એપ્રિલ 2023 નાં પ્રારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરવામાં આવશે. દરેક મેમ્બરોનાં નામ સુરત ડાયમંડ બુર્સના મુખ્ય રિશેપ્શન બોર્ડ ઉપર 4200 કંપનીઓના નામ સુવર્ણ અક્ષરે લખવામાં આવશે. પ્રથમ ફેઝનાં દરેક મેમ્બરોને પ્રાથમિક ધોરણે 6 મહિના સુધી મેન્ટેનન્સ કરમાંથી મુક્તિ આપવામાં આવશે તેમજ કમિટી 6 મહિનાની મુદતમાં વધારો કરવા માટે પણ વિચારી રહી છે.

કિરણ જેમ્સનાં વલ્લભભાઈ પટેલની SDB માંથી વેપાર કરવાની જાહેરાત
સુરત ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભભાઈ પટેલ (લાખાણી)એ કહ્યું હતું કે હું પોતે મુંબઈ સ્થિત અમારી કંપની કિરણ જેમ્સની સંપૂર્ણ ધંધાકીય પ્રવૃત્તિ સુરત ડાયમંડ બુર્સથી શરૂ કરવા જઈ રહ્યો છું તેમજ હું એવી આશા રાખું કે મારી સાથો સાથ સુરત ડાયમંડ બુર્સના 4200 મેમ્બરો પણ SDB ની ભવ્યતામાં અગ્રેસર બને અને પોતાનું કામ પ્રથમ ફેઝમાં જ સુરત ડાયમંડ બુર્સથી શરૂ કરે. અગાઉ જાહેરાત કરેલી તે મુજબ પ્રથમ ફેઝનાં દરેક મેમ્બરોને પ્રાથમિક ધોરણે 6 મહિના સુધી મેન્ટેનન્સ કરમાંથી મુક્તિ આપવામાં આવશે તેમજ કમિટી 6 મહિનાની મુદતમાં વધારો કરવા માટે પણ વિચારી રહી છે. જેનાથી પ્રથમ ફેઝનાં તમામ મેમ્બરને વધુમાં વધુ પ્રોત્સાહન મળી શકે.

અસામાજિક તત્વોએ સુરત ડાયમંડ બુર્સની છબીને હાની પહોચાડવાના પ્રયાસો કર્યા
સારી અને ખરાબ વાત એ એક સિક્કાની બે બાજુ છે તેમ બજારમાં એવા અનેક અસામાજિક તત્વો દ્વારા સુરત ડાયમંડ બુર્સની છબીને હાની પહોચાડવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. બજારના અમુક વિઘ્નસંતોષી માણસો સુરત ડાયમંડ બુર્સની ખોટી અફવાઓ જેમ કે, કામ અધૂરું છે, પ્રોજેક્ટ મોડો પૂરો થશે અથવા પ્રોજેક્ટને સફળતા મળશે નહી. આવી બધી પાયા વગરની અફવામાં કોઈએ આવવું નહી. SDB નું તમામ કામ પૂર્ણ થઇ ગયું છે માટે આપણે માર્ચ-એપ્રિલ-2023 થી સુરત ડાયમંડ બુર્સની શુભ શરૂઆત સાથે ભવ્યથી ભવ્ય ઉદ્ઘાટન સમારોહનું આયોજન પણ કરવા જઈ રહ્યા છીએ.

Most Popular

To Top