SURAT

વરાછામાં હીરાનાં કારખાનામાં ઘુસી યુવતીનો હાથ પકડી જબરજસ્તી કરનાર રોમિયોના થયા આ હાલ

સુરત: (surat) વરાછા વિસ્તારમાં (Varacha Area) હિરાના કારખાનામાં (Diamond Factory) નોકરી કરતી યુવતીને છેલ્લા પંદર દિવસથી રોડછાપ રોમિયો (Ramero) પીછો કરી પરેશાન કરતો હતો. યુવતીએ (Girl) મચક નહીં આપતા કારખાનામાં ઘુસી જઇ હાથ પકડી લઇ જબરજસ્તી કરવાનો પ્રયાસ કરતા યુવતીએ મેથીપાક આપી પોલીસને હવાલે કર્યો હતો.

વરાછા પોલીસના જણાવ્યા મુજબ લસકાણા વિસ્તારમાં રહેતી 23 વર્ષીય યુવતી વરાછા અંકુર સોસાયટી પાસે ગજેરા ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા હીરાના કારખાનામાં નોકરી કરે છે. સ્વામીનારાયણ મંદિર ગૌશાળામાં રહેતો 22 વર્ષીય રવેશ શ્રીપ્રસાદ રાજભર છેલ્લા પંદર દિવસથી યુવતીનો પીછો કરતો હતો. યુવતી પાસે મોબાઇલ નંબરની માંગણી કરતો હતો. યુવતીએ નંબર આપવાનો ઇન્કાર કરતા તેણે પોતાનો મોબાઇલ નંબર લખેલી કાપલી તેની એક્ટિવા પર ચોંટાડી ગયો હતો. યુવતીએ વાત કરવાનો ઇન્કાર કરતા પીછો કરીને ગઈકાલે કારખાનાના બીજા માળ સુધી આવી ગયો હતો અને યુવતીનો હાથ પકડી લઇ જબરજસ્તી કરવાનો પ્રયાસ કરી ‘હું ઘણા સમયથી મોબાઇલ નંબર માંગું છું, તેમ છતા તું કેમ તારો નંબર આપતી નથી, તું બહાર નીકળ તને જાનથી મારી નાંખીશ’, તેવી ધમકી આપી હતી. યુવતીએ બુમાબુમ કરતા કારખાના માલિક અને કારીગરોએ દોડી આવતા રોમિયોને મેથીપાક આપ્યો હતો. વરાછા પોલીસને જાણ કરી ફરિયાદ નોંધાવી હતી.

‘મેં તારા નાણા વાપરી નાંખ્યા છે, હવે પછી નાણાંની માંગણી કરશે તો મારી નાખીશ’ મિત્ર 15 લાખ પડાવી ગયો

સુરત: શહેરના રૂસ્તમપુરા ખાતે રહેતા યુવકને તેના મિત્રએ હુન્ડાઈ કંપનીમાં કર્મચારીઓ માટે આઈ-20 ગાડી ઉપર સ્કીમ ચાલતી હોવાનું કહીને વિશ્વાસમાં લઈ 15 લાખ રૂપિયા પડાવ્યા હતા. બાદમાં પૈસાની માંગણી કરતા જાનથી મારવાની ધમકી આપતા યુવકે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રૂસ્તમપુરા પઠાણવાડ ટેકરા ખાતે રહેતા 46 વર્ષીય સમદ અબ્દુલ રસીદ બેન્ડ માસ્ટરે ગઈકાલે મોહમંદ આસીફ મોહમદ રીયાઝ શેખ (રહે, કરબલાનો ટેકરો ભરીમાતા રોડ) સામે સલાબતપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપી મોહમંદ આસીફ હ્યુન્ડાઈ કંપનીના ડિલરને ત્યાં નોકરી કરે છે. અને તેણે હુન્ડાઈ કંપનીમાં કામ કરતા કર્મચારીઓ માટે આઈ-20 કારમાં કંપનીની સ્કીમ ચાલે છે કહીને સમદને વિશ્વાસમાં લીધો હતો.

બે આઈ-20 કાર ખરીદવા માટે ગત 26 ફેબ્રુઆરીએ 14 લાખ રૂપિયા અને 5 મે ના રોજ 1 લાખ મળી કુલ 15 લાખ રૂપિયા લીધા હતા. પરંતુ કાર નહીં મળતા સમદે તેના પૈસાની માંગણી કરતા કોઈના કોઈ બહાના કાઢી સમય પસાર કરતો હતો. સમદે તેના નોકરી સ્થળ પર તપાસ કરતા આવી કોઈ સ્કીમ નહીં હોવાનું કહેતા ભાંડો ફુટ્યો હતો. સમદે પૈસાની માંગણી કરતા મોહમંદ આસીફે ગુસ્સામાં ‘મેં તારા નાણા વાપરી નાંખ્યા છે અને આજ પછી મારી પાસે નાણાંની માંગણી કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સલાબતપુરા પોલીસે છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top