SURAT

સુરતની યુનિવર્સિટીની સેનેટમાં વિપક્ષના સભ્ય ભાષાની શાલીનતા ચૂક્યા ‘સાલા’ શબ્દનો પ્રયોગ થતાં ધાંધલ

સુરત: (Surat) શહેરની વીર નર્મદ યુનિ.માં (Veer Narmad University) કોરોનાની કળ વળતાં બે વર્ષ પછી યોજાયેલી વાર્ષિક સેનેટ સભામાં વિપક્ષી સભ્ય ભાવેશ રબારી ‘સાલા’ શબ્દ બોલી પડતાં હંગામો મચી ગયો હતો. યુનિ.ના શિક્ષણવિદોએ ભાષાની શાલીનતા ચૂકી જવાના મામલે એકજૂટ થઇ સમસ્ત ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી.

વીર નર્મદ યુનિ.માં બે વર્ષના અંતરાલ બાદ આજે વાર્ષિક સેનેટ સભા યોજાઇ હતી. સેનેટ સભામાં ઝીરો અર્વસ દરમિયાન વિપક્ષી સભ્ય એડ્વોકેટ ભાવેશ રબારી હુંસાતુંસી ઉપર ઊતરી આવ્યા હતા. સ્પીચ દરમિયાન તેમને વારંવાર ‘સાલા’ શબ્દનો પ્રયોગ કરતા મામલો બિચક્યો હતો. વર્ષોથી યુનિ.માં સેનેટ તરીકે ચુંટાતાં આવેલા ભાવેશ રબારી હવે એકલાઅટૂલા પડી ગયા છે. જેને લઇને તેમને આવેગમાં શબ્દ પ્રયોગ કરવા જીપ લપસાવી દીધી હતી. એડવોકેટ ભાવેશ રબારી શિક્ષણવિદોનો રૂખ પામ્યા વગર ફરી સાલા સાલા શબ્દોનો પ્રયોગ કરતા આખરે સેનેટ સભ્ય ડો.કશ્યપ ખરચિયાએ શબ્દ વખોડવા પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ પ્રસ્તાવને સિનિયર સેનેટ સદસ્ય ડો.ધનેશ વૈધએ ટેકો આપ્યો હતો. જેને લઇને સેનેટમાં ઓરલ મંતવ્યો પ્રગટ કરવા જણાવાયું હતું. જેમાં એકલા ભાવેશ રબારી સિવાય તમામ સભ્યોએ આ શબ્દો બોલવાની ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી. યુનિ.સેનેટમાં બે સભ્યો વચ્ચેની આ રકઝક દિવસ દરમિયાન ચચાર્નો વિષય બની હતી.

કુલપતિ બન્યા પછી પણ ડો.ચાવડાનો શિક્ષક જીવ પ્રતીત થયો
યુનિ.ના કન્વેન્શન હોલ ખાતે યોજાયેલી સેનેટ સભામાં 30 મિનિટના લંચ બ્રેક બાદ કુલપતિ (Vice Chancellor) ડો.કે.એન.ચાવડા સમયસર ડાયસ ઉપર આવી ગયા હતા. પરંતુ કેટલાક સભ્યો નહીં આવતા કુલપતિએ રમૂજ કરી તમામ સભ્યોને સમયસર હાજર રહેવા હળવો ટોણો માયો હતો. કુલપતિ ડો.ચાવડા કેટલાંક સભ્યોનો કલાસ લેતા જણાયાં હતાં. આ ઘટનો લઇને ક્ષણભર પૂરતી સભામાં હાસ્યની છોળ ઉડી હતી.

કુલપતિએ વીએનએસજીયુ બ્રાન્ડ કોટી પહેરી વટ પાડી દીધો
વીર નર્મદ યુનિ.ના કુલપતિ બન્યા પછી પ્રિ.ડો.કે.એન.ચાવડાએ પોતાની નવી ફેશન સ્ટાઇલ બનાવી લીધી છે. તેમને વીએનએસજીયુ લોગો વાળી કોટી પહેરવાનો આરંભ કરી યુનિવર્સિટીની કોટી બ્રાન્ડ લોન્ચ કરી દીધી હતી. કુલપતિ એ સવારે અને બપોરના સેસનમાં અલગ અલગ કોટી પહેરી હતી. સેનેટ સભ્યો પણ કુલપતિની કોટી સ્ટાઇલ ડ્રેસિંગ સેન્સની નોંધ લીધી હતી.

કુલપતિએ વર્ષમાં બે વખત પીએચ.ડી. પરીક્ષા યોજી સંશોધનને વેગ આપ્યો : ડો.મહેન્દ્રસિંહ ચૌહાણ
વીર નર્મદ યુનિ.સંલગ્ન ભારતીયમૈયા ઓપ્ટોમેટ્રી કોલેજના પ્રિન્સપાલ તેમજ યુનિ.ના સિનિયર સેનેટ સભ્ય ડો.મહેન્દ્રસિંહ ચૌહાણએ સેનેટ સભામાં સ્પીચ આપતાં કહ્યું હતું કે કુલપતિ તરીકે ડો.કે.એન.ચાવડાની નિયુકિત થયા બાદ સંશોધનને વેગ મળ્યો છે. સુરતની સ્થાનિક કોલેજના આચાર્ય હોવા ઉપરાંત કુલપતિ તરીકે તેમની વરણી થતા તેમને એજયુકેશન રીલેટેડ લોકલ ઇશ્યુ સહેલાઇથી સોલ્વ કરી દીધા છે. તેમની દીર્ઘદ્રષિટને લીધે શિક્ષણમાં ઘણા કામો થયા છે.તેમને સંશોધનને પ્રોત્સાહન આપવા તત્પરતા દાખવી છે. અને એમને યુનિ.ના ઇતિહાસમાં સોપ્રથમ વખત છ મહિનામાં બે વખત પીએચ.ડી.ની પરીક્ષા લઇ કીર્તિમાન રચ્યો છે. આ ઉપરાંત નેકના ઇન્સ્પેકશનને પણ તેમને સફળતા સાથે પુરું કરાવ્યું છે.

તમામ સભા બેઠકોનો એજન્ડા અને મિનીટ્સ ઓનલાઇન મૂકવા સાથે પારદર્શિતા લવાઈ : ડો.કશ્યપ ખરચિયા
યુનિ.ના યુવા સેનેટ સદસ્ય અને યુનિ.ની હોમિયોપેથી ફેકલ્ટીના આગેવાન ડો.કશ્યપ ખરચિયાએ પ્રતિભાવ આપતા કહ્યું હતું કે યુનિ.એ તમામ બેઠકના એજન્ડા તેમજ મિનીટસ ઓનલાઇન મૂકવાની પ્રથા અમલી બનાવી છે. સને.1998 પછી પહેલી વખત આ વર્ષે નવા એકેડમિક યર પહેલા કોલેજોના જોડાણની કામગીરી પૂરી કરીછે. તે ઉપરાંત નવી નર્સિંગ કોલેજોને પરવાનગી આપી કુલપતિએ વાસ્તવિક રીતે સુંદર કામગીરી કરી બતાવી છે.

Most Popular

To Top