SURAT

સુરત: વરાછાની આ સોસાયટીઓમાં 15 દિવસથી આવી રહ્યું છે દૂષિત પાણી, તંત્ર નિંદ્રામાં

સુરત: (Surat) સામાન્ય રીતે ઉનાળામાં શહેરમાં ગંદા પાણીની ફરિયાદો ઊઠતી હોય છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી તંત્ર ખાડે ગયું હોય તેમ ભરચોમાસે પણ શહેરના જુદા જુદા વિસ્તારોમાં દૂષિત પાણીની (Polluted water) ફરિયાદ મળી રહી છે. ત્યારે વરાછાના હીરાબાગ અને તેની આસપાસના વિસ્તારમાં છેલ્લા એક પખવાડિયાથી દુર્ગંધયુક્ત પીવાના પાણીની સમસ્યાને પગલે લોકો હાલાકીમાં મુકાયા છે. અહીંની 15 સોસાયટીમાં આ સમસ્યા હોવાની ફરિયાદ સાથે વરાછા ઝોનમાં ઘણી વખત રજૂઆત કરવા છતાં આજદિન સુધી સમસ્યાનું સમાધાન ન કરવામાં આવતાં આ વિસ્તારમાં રોગચાળો વકરે તેવી ભીતિ સ્થાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. હાલમાં આશરે 100 જેટલી વ્યક્તિને ઝાડા-ઉલ્ટી થયાનું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું.

  • પખવાડિયાથી દુર્ગંધયુક્ત પીવાના પાણીની સમસ્યાને પગલે લોકો હાલાકીમાં મુકાયા
  • આશરે 100 જેટલી વ્યક્તિને ઝાડા-ઉલ્ટી થયાનું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું
  • 17 હજાર કરતાં વધારે નાગરિકો અસરગ્રસ્ત

મળતી વિગત મુજબ આ વિસ્તારમાં પીવામાં પાણીની (Drinking Water) લાઇનમાં ગટરનું પાણી ભળી ગયું હોય તેવી શક્યતા વચ્ચે આ વિસ્તારમાં ગંદું અને દુર્ગંધયુક્ત પીવાનું પાણી સપ્લાય થતાં સેંકડો પરિવારોના માથે રોગચાળાનું જોખમ તોળાઈ રહ્યું છે. વળી, હીરાબાગ ખાતે આવેલી હરીશનગર સોસાયટીમાં જ પાણીજન્ય રોગચાળાના ૪૦થી વધુ કેસ નોંધાઈ વહેલી તકે આ પીવાના પાણીની સમસ્યા દૂર કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અન્ય સોસાયટીઓમાં પણ પાણીજન્ય રોગચાળાના કેસો વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ મુદ્દે પૂર્વ નગરસેવક દિનેશ કાછડિયા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી તેમજ અહીં મેડિકલ ટીમ મોકલીને તપાસ શરૂ કરવા પણ રજૂઆત કરવામાં આવી છે. તેમજ અહીંના હીરા બાગ, ગુરુનગર, જલારામનગર, વલ્લભનગર, અનુરાધા, ઊર્મિ સોસાયટી સહિતની 15 સોસાયટીના અંદાજે 17 હજાર કરતાં વધારે નાગરિકો અસરગ્રસ્ત હોવાની રજૂઆત થઇ છે.

Most Popular

To Top